Tue Sep 29 2026

Logo

કચ્છી ચોવકઃ એ વાતને છાની રહેવા નથી દેતી!

2026-09-16 11:39:00
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ એ વાતને છાની રહેવા નથી દેતી!

કિશોર વ્યાસ

કોઇ વાત કેટલી વાર છાની રહી શકે ? ન રહે. એમ કહેવાય છે કે, `સ્ત્રીઓ પાસે તો વાત છાની રહી જ ન શકે' એમાં એ કહેવત કચ્છીમાં બની ગઇ `ત્રે પતે ભાછા બાર.' આ ગયા અંકમાં વાચકો માટે મૂકેલો મુખવાસ છે.

વાત પત્તાની રમતની છે, સીધો અર્થ એવો થાય કે, ત્રીજું પત્તું ખુલે (રોનની રમત) ત્યારે `ભાછા' એટલે `બાદશાહ' બહાર થઇ જાય... બહુ ગૂઢ છે આ કહેવત. ઠીક છે સામે `એકો' આવે તો `ભાછા' એટલે બાદશાહ જેવા બાદશાહે કુરનિસ કરવી પડે ! પણ કચ્છીમાં એ શા માટે બની હશે? `રોન'ની રમત ઘડીની હોય છે, બરાબર? ક્ષણોમાં `ભાછા' અને `એકો'ની ખબર પડી જતી હોય છે. બસ તેવો જ ગર્ભિત અર્થ આ કહેવતમાં છે: `થોડી વારમાં છુપાવેલી વાત પણ બહાર આવી જશે!'

ઘણીવાર માણસની પાત્રતાની વાત આવતી હોય છે... કચ્છીમાં સરસ કહેવત ઘડાઇ છે :
`ડેવ તેડી અઠાઇ, ને ગુડ તેડી મીઠાઇ.'

મિત્રો. આમ જોવા જઇએ તો સીધોસાદા અર્થ એ થાય કે, `જેવા દેવ તેવી અઠાઇ, અને જેવો ગોળ (ગુણવત્તા) તેવી મીઠાઇ.' અહીં `અઠાઇ' જૈનોના શબ્દ છે. પણ સાર્વત્રિક અર્થમાં લઇએ તો, હિંદુ ધર્મમાં દરેક દેવનાં ભાવતાં વ્યંજન (મીઠાઇ) અલગ અલગ હોય છે. 

જેમ કે, ગણપતિબાપાને `લાડુ', `કૃષ્ણને માખણ-મિશરી વગેરે વગેરે... પણ, આ કહેવત માત્ર `પાત્રતા' `યોગ્યતા' માટે બની છે. અભિપ્રેત અર્થ એ છે કે, `જેવી જેની પાત્રતા, તેવાં મળે પરિણામ.'
કોઇને તમે કામ સોંપો, ખાસ કરીને કોઇ ઉત્સાહી નોકરને, પણ થાય શું, ખબર છે? એને કામ કરવાની એટલી તાલાવેલી (ઉતાવળ) હોય કે, એ જે કામ કરવા જાય તેમાં સફળતા ન મળે. એના માટે કચ્છીમાં એક પ્રસ્થાપિત ચોવક છે:

`તકડો તેરો ફેરા પાછો વરે.'
દિશા, ઉદ્દેશ, હેતુ, પરિણામ આ બધી બાબતની કાળજી કર્યા વગર કામપૂર્ણ કરવા દોટ મૂકે, અને પછી, દિશા-સૂચન ભૂલી જાય. એ કામ પૂરું કરતાં આ `ચોવક' પ્રમાણે, એ, તેર વખત પાછો ફરે...! કામ શું હતું એ પૂછવા આવે!

એમાં પાછા એવા અનુભવી પણ હોય જેને ઉપરોક્ત  કહેવત લાગુ ન પડે. આપણે ઘણી વખત `તારા કરતાં મેં ઘણી દિવાળી જોઇ છે.' તેવી કહેવતનો  ગુજરાતીમાં પ્રયોગ કરીએ છીએ. બસ એવી જ એક મસ્ત `ચોવક' કચ્છીમાં છે:
`તેરૉ તરાઇયેંજા પાણી પીંધલ.' મતલબ કે, દુનિયાના ફરનાર અને જાણકાર.

ઘણા માણસો બહુ ક્રોધી હોય છે. કોઇવાર કોઇ પર બહુ ગુસ્સો આવે ત્યારે કચ્છી ચોવક તેને આ રીતે વ્યક્ત કરે છે:
`જોડા વિજા સત, લૅખીયાં હિકડો.'

ગુસ્સો તો એવો છે કે, સાત જોડાં ફટકારું પણ થાય એમ કે હજી એક જ જોડો માર્યો છે. આ વધુ પડતા ક્રોધને વ્યક્ત કરતી ચોવક છે.

એ એક માનસિકતા છે, કે, હતી, પણ લોકો બે પાંદડે થવા ભૂખ્યા રહેતા કે, એક ટંક ખાતા. કચ્છી કહેવત એવી શિખામણ આપે છે કે :
`ટક ટારે સે ટકા ન થીયેં.'
તમે એક ટક જમવાનું માંડી વાળો અને પૈસાદાર થવાનું સ્વપ્ન જુઓ તો એ ખોટું છે. અહીં પાછો `ટ'નો વર્ણાનુપ્રાસ પણ માણવા મળે છે. ન થવાય એ રીતે પૈસાદાર.

પૈસાદાર થવા માટે જે મહેનત કરવી પડે છે તેમાં તો ઘણી તકલીફ પડે છે. `ચોવક' એમ કહે છે કે :
`છઠી જો ધાવણ જાધ આયો.' આમ જોવા જઇએ તો બાળકના જન્મ પછી `છઠી'ના સંસ્કાર હોય છે. વિધાતા લેખ લખવા પધારે ને એવું બધું, પણ છઠીનું ધાવણ કોને યાદ આવે? એ યાદ આવવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ શ્રીમંત થવું મુશ્કેલ છે!

ચાલો, આજે અહીં જ અટકવું પડશે. પણ તમને મમળાવવા માટે મૂકી દઉં એક મસ્ત ચોવક :
`ચોરજયૂં સો શતું, ઘણીજી હિકડી રાત.'