Tue Oct 20 2026

Logo

શેરબજારમાં તેજી જળવાશે કે આવશે નવો વળાંક? નવાં સપ્તાહનાં 5 મોટા ટ્રિગર

2026-10-18 21:59:41
Author: Nilesh Waghela
શેરબજારમાં તેજી જળવાશે કે આવશે નવો વળાંક? નવાં સપ્તાહનાં 5 મોટા ટ્રિગર

Chat GPT Generated Image


મુંબઇ: મંદી સામે ઝઝુમી રહેલા શેરબજારમાં તહેવારોની મોસમ સાથે એકાએક તેજી જોવા મળી છે. સતત આઠ સપ્તાહ લાંબી પીછેહઠ બાદ બજાર પોઝિટીવ ઝોનમાં આગળ વધી રહ્યું છે. પાછલા સપ્તાહે સેન્સેક્સમાં ૩.૧૧ ટકાનો અને નિફ્ટીમાં ૨.૭૭ ટકાનો વધારો નોંધાયો હતો. આગામી દિવસોમાં રોકાણકારોને આ તેજી જળવાઈ રહે છે કે નહીં તેની ચિંતા છે. દશેરાના તહેવારને કારણે મંગળવારે શેરબજાર બંધ રહેશે. બજારની દિશા નક્કી કરવામાં મુખ્યત્વે કંપનીઓનાં પરિણામો અને વૈશ્ર્વિક આર્થિક સંકેતો મહત્વની ભૂમિકા ભજવશે.

નવાં સપ્તાહે ભારતીય શેરબજારમાં ત્રિમાસિક પરિણામો, ક્રૂડ ઓઇલના ભાવ, ભૂ-રાજકીય પરિસ્થિતિ, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને રૂપિયા-ડોલરના વિનિમય દરની અસર જોવા મળશે. સતત બે સપ્તાહની તેજી બાદ રોકાણકારો બજારની રિકવરી કેટલી ટકાઉ રહે છે તેના પર નજર રાખશે. જીઓના જાયન્ટ આઇપીઓની પણ બજારની પ્રવાહિતા પર સર થઇ શકે છે.

એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકનાં સારા પરિણામોને કારણે બેંકિંગ શેરો ચર્ચામાં રહેશે. આ ઉપરાંત, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને સ્વિગી જેવી કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પણ મહત્વપૂર્ણ રહેશે. રોકાણકારોની નજર જિઓ પ્લેટફોર્મ્સના આઇપીઓ પર પણ રહેશે, જે ભારતનો સૌથી મોટો આઇપીઓ બની શકે છે. જોકે, ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વૈશ્ર્વિક બોન્ડ યીલ્ડ અને ભૌગોલિક રાજકીય અનિશ્ર્ચિતતાને કારણે બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે.

બજારના એક પીઢ અભ્યાસુએ જણાવ્યું હતું કે, આઠ સપ્તાહની એકધારી પીછેહઠ બાદ, સતત બે સાપ્તાહિક સુધારા અને માહિતી ટેકનોલોજી શેરોના નેતૃત્વમાં જોવા મળેલી મજબૂત રિકવરી પછી ભારતીય શેરબજાર આ સપ્તાહમાં સુધારેલા વેગ સાથે પ્રવેશ કરશે. જોકે તેના ટકાઉપણા માટે કશું ખાતરીપૂર્વક કહી ના શકાય. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, ભૂ-રાજકીય અનિશ્ર્ચતતા, ગ્લોબલ બોન્ડ યિલ્ડની વધઘટ અને અસમાન માર્કેટ બ્રેથ જોતાં, હજુ પણ સાવચેતી રાખવા જેવી છે.

ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, તાજેતરની તેજી આઇટી શેરોથી આગળ વધે છે કે કેમ અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ તાત્કાલિક પ્રતિકાર સ્તરોથી ઉપર તેમનો લાભ જાળવી શકે છે કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. એ જ સાથે, ૨૧ ઓક્ટોબરે ખુલનાર પ્રસ્તાવિત જીઓ પ્લેટફોર્મ આઇપીઓની, ખાસ કરીને બજારની એકંદર પ્રવાહિતા પર કેવી અસર થાય છે, તે પમ મહત્ત્વપૂર્ણ છે.

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા, એચડીએફસી બેંકે શનિવારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ૫.૫૫ ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે દર્શાવે છે કે ટ્રેઝરી કામગીરી પર અસરથી નફામાં વૃદ્ધિ મર્યાદિત હતી. એક્સિસ બેંકે ૨૦૨૬-૨૭ના બીજા ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં ૩૯.૪ ટકાનો વધારો નોંધાવ્યો છે, જે રૂ. ૭,૭૦૪.૬૭ કરોડ થયો છે.આઇસીઆઇસીઆઇ બેંકે ૨૨.૨૮ ટકાના વધારા સાથે રૂ. ૧૬,૩૩૩.૧૮ કરોડ થયો છે.

એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના પરિણામો પછી બેંકિંગ શેરો ફોકસમાં રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૭ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ વેગ પકડી રહી છે, ત્યારે શેર અને ક્ષેત્ર-વિશિષ્ટ હિલચાલ ચાલુ રહેવાની શક્યતા છે. આ સપ્તાહેે પરિણામો જાહેર કરનારી કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન ઝિંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા,  ઈન્ફોસિસ, કોફોર્જ, ક્રિસિલ અને સ્વિગીનો સમાવેશ થાય છે.

સરવાળે વૈશ્ર્વિક સ્તરે, યુએસ ટ્રેઝરી યિલ્ડ, ક્રૂડ ઓઇલના ભાવ અને ભૌગોલિક-રાજકીય ઘટનાક્રમ બજાર માટે મહત્વના પરિબળો બની રહેશે. આ બાબતોની અસર એકંદર ફુગાવા, રૂપિયાના મૂલ્ય અને કોર્પોરેટ નફાકારકતા પર પડે છે. આ ઉપરાંત, તાજેતરમાં બજારમાં જોવા મળેલી રિકવરી કેટલી ટકાઉ છે તે જાણવા માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ અને ચલણના મૂલ્યમાં થતા ફેરફારો પર પણ નજીકથી નજર રાખવામાં આવશે. પાછલાં સપ્તાહે, બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૨,૨૫૬.૯૪ પોઈન્ટ અથવા ૩.૧૧ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇના નિફ્ટીમાં ૬૨૫.૭ પોઈન્ટ અથવા ૨.૭૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો.