Tue Aug 18 2026

Logo

ઉપનયન સંસ્કારનો મંત્ર રચનાર: શકુંતલા

2026-07-30 09:11:00
Author: Tina Doshi
Article Image

 

ટીના દોશી

નામ: શકુંતલા
ઓળખ : પૌરાણિક પાત્ર
ટપાલ ટિકિટ બહાર પડી: 122.6.1960
ટિકિટનું મૂલ્ય: 1.03 રૂપિયા

આત્મા વૈ પુત્ર નામાસિ... ઉપનયન સંસ્કારમાં ઉચ્ચારાતો આ મંત્ર કોણે રચ્યો હતો એ જાણો છો?
એનું નામ શકુંતલા. એ વિશ્વામિત્ર અને મેનકાની કન્યા હતી. ઇન્દ્રના કહેવાથી વિશ્વામિત્રનો તપોભંગ કરવા મેનકા સ્વર્ગમાંથી ધરતી પર આવી હતી. થોડા જ સમયમાં મેનકા પોતાના ઉદ્દેશમાં સફળ થઈ. વિશ્વામિત્ર તપભ્રષ્ટ થયા. કાળક્રમે મેનકાએ પુત્રીને જન્મ આપ્યો. તેને માલિની નદીને કિનારે મૂકીને મેનકા જ્યાંથી આવી હતી ત્યાં પાછી ચાલી ગઈ. સિંહ, વાઘ અને અન્ય જંગલી પ્રાણીઓથી ભરેલા વનમાં સૂતેલી બાળાને પક્ષીઓ ચોમેરથી વીંટળાઈ વળ્યાં. 

હિંસક પશુઓ તેને મારી ન નાખે એ માટે પક્ષીઓ તેની રક્ષા કરવા લાગ્યાં. એ જ સમયે કણ્વ ઋષિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે આ કન્યાને જોઈ. તેને દીકરી માનીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. શકુન્તો એટલે કે પક્ષીઓએ આ બાળાનું રક્ષણ કર્યું હતું એટલે કણ્વ ઋષિએ તેનું નામ શકુંતલા પાડ્યું. આ શકુંતલાની સ્મૃતિમાં ભારત સરકારે 22 જૂન 1960ના રોજ 1 રૂપિયો ને ત્રણ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.

શકુંતલા ફૂલ જેવી કોમળ હતી. ચાંદની જેવું શીતળ રૂપ હતું. તે નાનપણથી જ ધર્મ પ્રત્યે આસક્ત હતી. કણ્વ ઋષિના સાન્નિધ્યમાં તેણે ધર્મ અને ન્યાયનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આશ્રમમાં ગુંજતા વેદમંત્રો અને મધુર સામગાનનો વચ્ચે શકુંતલા ધર્મશાસ્ત્રમાં પારંગત થઈ ગઈ. કણ્વ ઋષિ માટે શકુંતલા સર્વસ્વ હતી. 

શકુંતલા ને ખબર હતી કે પોતે વિશ્વામિત્ર અને મેનકાની દીકરી છે, છતાં માતા કહો, પિતા કહો કે જે ગણો તે, તે કણ્વને જ માનતી હતી! એક વાર કણ્વ ઋષિ ફળફળાદિ લાવવા બહાર ગયા. એ જ વખતે મૃગયા ખેલવા નીકળેલો દુષ્યંત રાજા આશ્રમમાં આવી ચડ્યો. તેણે શકુંતલાને જોઈ. ને જોતો જ રહી ગયો. શકુંતલાનું સૌંદર્ય જોઈને તે મંત્રમુગ્ધ બની ગયો. એણે કહ્યું : `તું આ જ ઘડીએ મારી સાથે ગંધર્વવિવાહ કર...'

દુષ્યંતનો પ્રસ્તાવ સાંભળીને શકુંતલા શરમાઈ ગઈ. સ્ત્રીસહજ લજ્જાથી એના ગાલ લાલ થઈ ગયા. એણે કણ્વ ઋષિ પાછા આવે ત્યાં સુધી દુષ્યંતને થોભી જવા કહ્યું, પરંતુ દુષ્યંત માટે પળનોય વિલંબ અસહ્ય હતો. તેણે શકુંતલા ને કહ્યું : `મારું મન તારા પર આસક્ત થયું છે. હું એક ક્ષણનો વિલંબ પણ સહી શકું તેમ નથી. માટે તું આ જ ઘડીએ મારી સાથે ગંધર્વલગ્ન કર...' શકુંતલા પણ દુષ્યંત પ્રત્યે અદમ્ય આકર્ષણથી ખેંચાઈ રહી હતી. છતાં મન પર સંયમ રાખીને એ બોલી : `રાજન મારો પુત્ર યુવરાજ થશે એવું વચન મને આપો. પછી જ મારો અને તમારો સંગમ થશે.' દુષ્યંતે વગર વિચાર્યે વચન આપી દીધું. ત્યાર પછી દુષ્યંત અને શકુંતલાએ ગંધર્વવિવાહ કર્યા.

કેટલોક સમય શકુંતલા સાથે ગાળ્યા પછી દુષ્યંત ચાલ્યો ગયો. થોડી વાર પછી કણ્વ ઋષિ ફળફળાદિ લઈને આવ્યા. શરમની મારી શકુંતલા પિતા પાસે ન ગઈ. એટલે દિવ્ય દૃષ્ટિથી કણ્વ ઋષિએ સઘળું વૃત્તાંત જાણી લીધું. પ્રસન્ન થઈને બોલ્યા: `પુત્રી, તેં ધર્મનો અનાદર કર્યો નથી. ક્ષત્રિયને માટે ગાંધર્વવિવાહ જ શ્રેષ્ઠ કહેવાય છે. તેં જેને પતિ તરીકે સ્વીકાર્યો છે તે દુષ્યંત ધર્માત્મા અને મહાત્મા છે. તેના થકી તને મહાબળવાન અને પરાક્રમી પુત્ર જન્મશે...' ઋષિની વાણી સાચી પડી. 

શકુંતલાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એ છ વર્ષનો થયો ત્યારે આશ્રમના સિંહ, વાઘ, વરાહ, ભેંસ અને હાથીઓને પકડતો. તેમને ઝાડ સાથે બાંધી દેતો અને તેમના પર સવારી કરી રમ્યા કરતો. એ સર્વનું દમન કરતો એટલે આશ્રમવાસીઓએ એનું નામ સર્વદમન પાડ્યું.

સર્વદમનનું અસાધારણ બળ અને પ્રતિભા જોઈને કણ્વ ઋષિએ કહ્યું : `યુવરાજપદના અભિષેક માટેનો સમય થયો છે...' આ સાંભળીને શકુંતલા સર્વદમનને લઈને દુષ્યંત રાજા પાસે ગઈ. બોલી : `હે રાજન, તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો. તમારા પુત્રનો યુવરાજપદે અભિષેક કરો...'

શકુંતલાનાં વચન સાંભળીને દુષ્યંતે કહ્યું : `મને કોઈ પ્રતિજ્ઞાનું સ્મરણ નથી. અને હું તને ઓળખતો પણ નથી...' આવા આકરા શબ્દો સાંભળીને શકુંતલા ભોંઠી પડી ગઈ. પણ પછી સ્વસ્થ થઈને તેણે દુષ્યંતને વેદ, મનુ અને પ્રાચીન કવિઓને ટાંકીને ધર્મબોધ આપ્યો : `રાજન, હું તમારી પત્ની છું. પતિવ્રતા છું. મને અવગણશો નહીં. 

પ્રાચીન કવિઓ જાણે છે કે પતિ પત્નીમાં પ્રવેશીને ફરી પુત્ર રૂપે જન્મે છે. એ જ પત્નીનું પત્નીપણું છે... તમે પ્રતિજ્ઞાનો ત્યાગ ન કરો. મારી સાથેનો તમારો સમાગમ સત્ય થાઓ, પણ તમને જો આ અસત્યનો જ પ્રસંગ લાગતો હોય તો આ હું ચાલી. તમારા જેવા સાથે મારે મળવાનું ન હોય. તમારા વિના પણ મારો આ પુત્ર પૃથ્વીનું અવશ્ય પાલન કરશે...'

શકુંતલા આમ કહીને ત્યાંથી ચાલી નીકળી. તે જ ઘડીએ ઋત્વિજો, પુરોહિતો, આચાર્યો અને મંત્રીઓથી વીંટળાયેલા દુષ્યંતને સંબોધીને અંતરિક્ષમાંથી દેવવાણી થઈ : `હે રાજન, શકુંતલા તારી પત્ની છે. સર્વદમન તારો પુત્ર છે. તું એમનો અનાદર ન કર. જીવતા પુત્રને ત્યજી દઈ જીવતા રહેવું એ દુર્ભાગ્ય છે. તું એમનો સ્વીકાર કર...'

દેવવાણી સાંભળીને પ્રસન્ન થયેલા દુષ્યંતે પુરોહિતો અને મંત્રીઓને કહ્યું: `હું જાણું છું કે સર્વદમન મારો પુત્ર છે. પરંતુ શકુંતલાના કહેવા માત્રથી હું મારા પુત્રનો સ્વીકાર કરી લઉં તો લોકોના મનમાં શંકા ઊઠે, પરંતુ દેવવાણી સાંભળ્યા પછી તમારા મનમાં શંકાનું કોઈ કારણ નહીં રહ્યું હોય, ખરું ને ?'

પછી દુષ્યંતે સર્વદમન અને શકુંતલાનું ધામધૂમથી સ્વાગત કર્યું. કહ્યું : `દેવી, તું મારી પત્ની છે અને આ બાળક મારો પુત્ર છે એ વાત હું જાણતો હતો. પણ આપણા બે સિવાય એ લગ્નની વાત ત્રીજું કોઈ જાણતું નહોતું, તેથી આપણા સંબંધની શુદ્ધિ માટે મારે આવું વર્તન કરવું પડ્યું... પણ હવે આપણે સાથે જ રહીશું.'
અને શકુંતલાના જીવનમાં સુખનો સૂરજ ઝળહળવા લાગ્યો.