અનવર વલિયાણી
અમૃતથી હોઠ સહુના
એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં
હેઠા કરી શકું છું,
સંજીવની છે ઘાયલ
સાયર છું,
પાળિયાને બેઠા કરી શકું છું.
‘મુંબઈ સમાચાર’ પત્રની દાયકાઓ જૂની ‘ધર્મતેજ’ પૂર્તિના વ્હાલા શ્રદ્ધાળુ વાચક
મિત્રો! આત્મવિશ્વાસ એ સફળતાની મુખ્ય પ્રોડક્ટ છે.
- જ્યારે સારી પર્સનાલિટી, હિંમત એ આત્મવિશ્વાસની બાયપ્રોડક્ટ છે.
- ભાંખોડિયા ભરતું હોય એવા નાનકડા શિશુને અને જીવનની અંતિમ અવસ્થાએ પહોંચેલા આ વૃદ્ધ લેખકને પણ આત્મવિશ્વાસની જરૂર પડે.
* આત્મવિશ્વાસ વગર કોઈનુંય પાંદડું ન હાલે.
આત્મવિશ્વાસ કેવી રીતે આવે?
- આત્મવિશ્વાસ એ કોઈ ફેકટરીમાં નથી બનતો કે નથી બૅન્કમાં ઈન્સ્ટોલમેન્ટ પર મળતો.
* સફળતા આત્મવિશ્વાસ લાવે છે.
- વિસ્તારથી વાત કરીએ તો
* કોઈ ક્રિકેટરની પહેલવહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હોય ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો, ગ્રાઉન્ડનું વાતાવરણ, ટેન્શન આ બધાં પરિબળો છે જે ભલભલા ખેલાડીઓનો આત્મવિશ્વાસ ડગાવી દે.
- પણ એજ ક્રિકેટર જો બોલર હોય તો એક વિકેટ લે અથવા બેટ્સમેન હોય તો શાનદાર કવરડ્રાઈવ દ્વારા ચોગ્ગો ફટકારે પછી એની સ્ટાઈલ જોવા જેવી હોય છે.
* એક વિકેટ કે ચોગ્ગા દ્વારા એ ખેલાડીમાં આત્મવિશ્વાસનું નિરૂપણ થાય છે.
- મતલબ કે સફળતા એ આત્મવિશ્વાસ વધારવા માટેનું અનિવાર્ય પરિબળ છે.
- સફળતા તમારો આત્મવિશ્વાસ અનેક ગણો વધારી દે છે.
- એનો મતલબ એ નથી કે જેઓ સફળ નથી થતા તેમનો આત્મવિશ્વાસ ઓછો હોય છે.
- પણ ક્યારે વધુ પડતો આત્મવિશ્વાસ અહંકારમાં પરિણમે છે.
- અને વ્હાલા વાચક મિત્રો!
- આ અહંકાર જ વિનાશનું કારણ બને છે.
- લંકાપતિ રાજા રાવણ બળવાન હતો.
- તેને આજીવન અમર થવું હતું.
- એને વરદાન પણ હતું કે વાનર અને માનવ સિવાય કોઈ એને મારી શકે નહીં.
- એટલે રાવણ એટલો ઘમંડી થઈ ગયો કે જો ત્રિલોકમાં દેવ અને દાનવો મારું કાંઈ બગાડી શકતા ન હોય તો આ વાંદરા અને માનવોનું મારી આગળ શું ગજું?
* અને આ અહંકાર જ રાવણને વિનાશ તરફ દોરી ગયો અને તેનું પતન થયું.
- મતલબ કે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, પણ એ ઓવરકોન્ફિડન્સ થઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
- આપણે ત્યાં સરકારી તંત્રમાં કે કોર્પોરેટ તંત્રમાં પણ ઊંચી પોસ્ટ માટે પર્સનલ ઈન્ટરવ્યૂ રાખવામાં આવે છે. એનું કારણ ફક્ત એટલું જ હોય છે કે કોઈ વ્યક્તિ બુદ્ધિમત્તામાં નિપૂર્ણ પુરવાર થઈ હોય, પણ જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે એનો આત્મવિશ્વાસ કેવો રહે છે એનો ટેસ્ટ આ પર્સનલ ઈન્ટરવ્યૂમાં થતો હોય છે.
- મોટે ભાગે આઈએએસ, આઈપીએસ કે જીપીએસ જેવી એક્ઝામ કે જે પાસ કરવાથી કલેકટર કે પોલીસ કમિશનર જેવો હોદ્દો મળી શકતો હોય ત્યારે એ વ્યક્તિની બુદ્ધિમત્તા સાથે આત્મવિશ્વાસની પણ ચકાસણી એટલી જ જરૂરી હોય છે.
- અને વ્હાલા વાચકમિત્રો! કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પર્સનલ ઈન્ટરવ્યૂમાં ફેલ થાય છે. કારણ ફક્ત આત્મવિશ્વાસનો અભાવ.
- આત્મવિશ્વાસના અભાવના કારણને હજુ સ્પષ્ટ રીતે આ લેખના આવતા અંકના બીજા ભાગમાં જાણીશું.