Wed Sep 02 2026

Logo

ચિંતનઃ સ્વયં સાથેનો સત્સંગ

2026-08-31 07:45:00
Author: Hemu Bhikhu
ચિંતનઃ સ્વયં સાથેનો સત્સંગ

 

હેમુ ભીખુ

સત્સંગ એટલે સારો એટલે કે ‘સત્’નો સંગ. કહેવાય છે કે કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી; આ બધાં જ મર્યાદિત ફળ આપે, જ્યારે સત્સંગનું ફળ અપરિમિત, અમર્યાદિત હોવાં સાથે સાત્ત્વિક અને આધ્યાત્મિક હોય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ જણાવાયું છે કે સત્સંગથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વિવેક-ચુડામણીમાં ‘સત્સંગ-નિસ્સંગ-નિર્મોહ-નિશ્ર્ચલ તત્ત્વ’નો ઉલ્લેખ કરીને આદિ શંકરાચાર્યે સત્સંગનું મહત્ત્વ દર્શાવ્યું છે. સૌ પ્રથમ સત્સંગથી સત્યપ્રેમી લોકોનો સાથ મળે જેનાથી સત્ય અને ધર્મ સમજમાં આવે. અહીંથી અજ્ઞાન દૂર થતાં મનની શુદ્ધિ શરૂ થાય. 

નિસ્સંગ એટલે અસંગતાના તબક્કામાં બાહ્ય વસ્તુઓ પ્રત્યેની આશક્તિ દૂર થાય અને ‘હું અને મારું’નો ભાવ નષ્ટ થાય. અહીં અંદરની તરફનો પ્રવાસ ચાલુ થઈ શકે. નિર્મોહ એટલે કે મોહનો અભાવ ઊભો થતાં વૈરાગ્યની સ્થિતિ પ્રાપ્ત થાય અને પૂર્ણ સત્ય માટે જિજ્ઞાસા જાગે. આ પ્રક્રિયાના અંતમાં નિશ્ચલ તત્ત્વ એટલે કે ‘બ્રહ્મ-સત્ય’માં અડગ સ્થિરતા પ્રાપ્ત થાય અને પરમ શાંતિ તેમજ આત્માનુભૂતિ શક્ય બને. આ ચારેય પગથિયાં જીવનને બાહ્ય અશાંતિથી આંતરિક શાંતિ તરફ લઈ જાય છે. એમ કહી શકાય કે સત્સંગ એટલે આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ.

સત્સંગથી શ્રવણેન્દ્રિય પવિત્ર થાય, મન શાંતિ અનુભવે, બુદ્ધિમાં વિવેક તેમ જ આધ્યાત્મિકતાનો ભાવ જાગ્રત થાય, ચિત્ત વિરામ અનુભવે અને સમગ્ર અસ્તિત્વ જાણે તે પરમ સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરે. વળી સત્સંગથી પ્રવર્તમાન માહોલમાં પણ શાંતિ પ્રસરે, વાતાવરણમાંથી જાણે ઉદ્વેગની નાબૂદી થાય, સૃષ્ટિની બધી જ બાબતો જાણે તેનાં યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય, ક્યાંય કોઈ ફરિયાદ ન હોય કે વિરોધ ન હોય. એમ જણાય કે સત્સંગને કારણે બધું જ ‘એક-સૂત્રતા’માં બંધાઈ જાય છે. આ સૂત્ર એટલે સત્સંગની કથા. સત્સંગ એ એક એવી ઘટના છે કે જેનાથી આધ્યાત્મિક પ્રગતિની સંભાવના વધી જાય.

સ્વયં સાથે સત્સંગ પહેલાં તો એ સમજવું પડે કે સ્વયં એટલે, હું એટલે કોણ. હું સ્થૂળ અસ્તિત્વ નથી, સૂક્ષ્મ અસ્તિત્વ પણ નથી, પરંતુ કારણ અસ્તિત્વને કારણે સ્થિત છું. આદિ શંકરાચાર્યના આત્મષટક અનુસાર હું જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિયો નથી, પાંચ વાયુ નથી, સાત ધાતુ નથી, પાંચ કોષ નથી, જન્મ લેતું શરીર નથી અને જન્મ સાથે સ્થાપિત થયેલાં સંબંધ પણ નથી. કોઈ પુરુષાર્થ, કોઈ ભાવના, કોઈ ક્રિયા કશું જ હું નથી. હું બ્રહ્મ છું, અહમ્ બ્રહ્માસ્મિ, ચિદાનંદરૂપો શિવોહમ્, હું એટલે ‘બ્રહ્મ-સ્વરૂપ’ આત્મા. આ સ્વયં સાથે એટલે કે આત્મા સાથે સત્સંગ કરવાનો હોય. 

કહેવાય છે કે પરબ્રહ્મ-પરમાત્માનો સ્વભાવ એટલે આધ્યાત્મ. આત્મા જે પરબ્રહ્મના પ્રતિબિંબ કે અંશ સમાન હોય છે તેની સાથે આ આધ્યાત્મ સ્વાભાવિક રીતે સંલગ્ન હોય. અર્થાત્, ‘આત્માના અવાજ’ને સાંભળવાથી આધ્યાત્મ ધ્યાનમાં આવે, આધ્યાત્મ સમજમાં આવે અને પોતાનાં અસ્તિત્વ વિશેનું પરમ-સત્ય ઉજાગર થાય.

સૌથી પવિત્ર અને શુદ્ધ આત્મા છે જે તમારી સાથે છે; એમ પણ કહી શકાય કે જે તમે પોતે છો. આત્મા કોઈ દિવસ અસત્યનું ઉચ્ચારણ પણ ન કરે અને અસત્યનો સ્વીકાર પણ ન કરે. આત્મા હંમેશાં સૃષ્ટિનાં સિદ્ધાંતોને આધીન રહે અને ક્યાંય તેની વ્યક્તિગત મહેચ્છાનું અસ્તિત્વ જ ન હોય. આત્મા નિર્મળ હોય, નિર્લેપ હોય, તટસ્થ હોય, નિષ્પક્ષ હોય અને તે ધર્મના શાસનમાં રહે. 

આત્મા ન હોય નાનો કે મોટો, ન હોય સ્ત્રી કે પુરુષ, ન હોય શ્વેત કે શ્યામ; આત્મા સર્વમાં સમાન હોય, સર્વમાં સમાનતાથી સ્થિત હોય, સર્વમાં સમાનતાથી સ્થિત રહી સાક્ષીભાવે હોય. આ બધાં સાથે આત્મા અકર્મી - અકર્તા હોય. કોઈક વાર બેસીને આ આત્માની વાતો સાંભળવી પડે. આત્મા સાથે સત્સંગ કરવો પડે. આત્મા કોઈ દિવસ ખોટી વાત ન કહે, ખોટી વાતને પ્રેરણા ન આપે, ખોટી વાતનો પ્રસાર ન કરે.

વાસ્તવમાં આત્મા તો કંઈ કરે જ નહીં. અહીં એ પણ સત્ય છે કે આત્મા નિષ્પક્ષ હોવાં છતાં પણ તે સત્ય અને ધર્મનો પક્ષ લે. આત્મા તટસ્થ હોવાં છતાં પણ તે સાત્ત્વિકતા-નૈતિકતાને આધાર આપે. આત્મા અકર્તા હોવાં સાથે અસ્તિત્વના સ્થૂળ તથા સૂક્ષ્મ સ્વરૂપને સત્કાર્ય કરવા પ્રેરે. આત્મા નૈતિક અને અનૈતિક પ્રકારનાં દ્વન્દ્વથી સ્વાભાવિક રીતે મુક્ત હોય, પરંતુ તેનાં પ્રકાશને કારણે આ બે વિરોધી અસ્તિત્વ વચ્ચેની ભિન્નતા જોઈ શકાય છે. 

આત્મા સ્વયં સત્ય સ્વરૂપ છે અને તે અસત્યને વ્યાખ્યાયિત પણ કરી શકે છે. એમ પણ કહી શકાય કે આત્મા એ બ્રહ્માંડના ધર્મની, બ્રહ્માંડના સિદ્ધાંતની, બ્રહ્માંડની વ્યવસ્થાની એક સચોટ વાસ્તવિકતા છે. આ આત્મા પોતાનો હોવાથી તેની વાત સાંભળવામાં સૌથી વધુ સરળતા રહે.

વિદ્વાન, જ્ઞાની, ભક્ત અને સાધક સાથે તો સત્સંગ થઈ શકે, પ્રશ્ન એ થાય કે આત્મા સાથે સત્સંગ કેવી રીતે સ્થાપિત કરી શકાય. આમ તો આ વાત સરળ છે. આ બધાં જ મહાપુરુષોની સરખામણી માં આત્મા આપણી સૌથી નજીક છે, આ બધાં કરતાં તે આપણી વાતને વધુ સરળતા અને સ્પષ્ટતાથી સમજી શકે તેમ છે, તેની કહેલી વાતો પણ અંદરથી પ્રગટ થયેલી હોવાથી તેને સમજવામાં પણ વધુ સરળતા રહેવાની સંભાવના રહે, 

પોતાનાં આત્મા સાથે પોતાપણું જોડાયેલું હોવાથી તેની વાતોમાં વિશ્વાસ વધુ જળવાઈ રહે, આત્માના સ્વરૂપ વિશે થોડી ઘણી પણ માહિતી અને તે માટે શ્રદ્ધા હોય તો આત્મા દ્વારા જણાવાયેલી બાબતોનું અનુકરણ કરવામાં શંકા ઊભી ન થાય અને તે બધાં સાથે સત્ય અંદરથી જાગૃત થયેલું જણાતા એક વિશેષ પ્રકારનો આનંદ અનુભવાય.

આમ પણ કહેવાય છે કે સૃષ્ટિનો સર્વ શ્રેષ્ઠ ગુરુ પોતાનો આત્મા છે. કંઈ પણ અસત્ય કે અધર્મ આધારિત વિચાર-વાણી-વર્તન માટે પ્રેરણા થાય ત્યારે આત્મા એકવાર તો ટોકે જ, રોકવાનો પ્રયત્ન કરે જ. આત્માના આ અવાજને સાંભળવો પડે. આત્મા સાથેના સત્સંગનું આ પહેલું ચરણ છે. આત્માના અવાજ મુજબ વિચાર-વાણી-વર્તન કરવાથી આગળની ‘પરતો’ એક પછી એક ઉકેલાતી જાય.