Thu Sep 17 2026

Logo

સાકીનાકામાં કૅબનું ટાયર ફરી વળતાં એક વર્ષના બાળકનું મૃત્યુ

2026-08-17 17:11:03
Author: Yogesh D. Patel
સાકીનાકામાં કૅબનું ટાયર ફરી વળતાં એક વર્ષના બાળકનું મૃત્યુ

મુંબઈ: સાકીનાકા વિસ્તારમાં ઇમારતની બહાર કૅબનું ટાયર ફરી વળતાં એક વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. બાળકની ઓળખ અબ્દુલ સમદ તરીકે થઇ હોઇ તે શનિવારે સાંજે તેના પાંચ વર્ષના ભાઇ સાથે જઇ રહ્યો હતો ત્યારે કૅબ ઇમારતના ગેટમાં પ્રવેશી હતી અને બાળકને અડફેટમાં લીધો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

સાકીનાકામાં 90 ફીટ રોડ પર હોટેલની સામે શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અબ્દુલ સમદ અને તેનો ભાઇ ઇમારતની સામે ચાલી રહ્યા હતા ત્યારે સફેદ રંગની એગ્રીગેટર કૅબ ઇમારતના ગેટમાં પ્રવેશી હતી. કૅબને નજીક આવતી જોઇને મોટો ભાઇ ત્યાંથી હટી ગયો હતો, જ્યારે અબ્દુલ સમદ હટી શક્યો નહોતો.

ડ્રાઇવરે બેદરકારીથી કૅબ હંકારી હતી અને તેનું આગલું ટાયર અબ્દુલની છાતી પર ફરી વળ્યું હતું, જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. 

દરમિયાન બાળકના પિતાએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે કૅબ ડ્રાઇવર મોહંમદ રિઝવાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ડ્રાઇવરની ધરપકડ બાદ તેને નોટિસ આપી જવા દેવામાં આવ્યો હતો.