મહેશકુમાર મકવાણા
સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભક્તિ પરંપરામાં ભિન્ન ભિન્ન ધારાના સંતોએ આધ્યાત્મિક જાગૃતિનું બહુ મોટું કાર્ય કર્યું છે. આ જ પરંપરામાં સૂફી મસ્તી અને વેદાંતના જ્ઞાનનો જ્યાં એક વિલક્ષણ સમન્વય જોવા મળે છે તેવા પ્રખર સંત કવિ એટલે અનવર સાહેબ (અનવરકાજી). તેમની વાણીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો અદ્ભુત ત્રિવેણી સંગમ અનુભવાય છે. તેમનાં ભજનો સાધકની આંતરિક યાત્રાના ભોમિયા સમાન માર્ગચિહ્નો છે. અનવર સાહેબની આ વાણીમાં જીવનું પરમાત્મા તરફનું ગૂઢ આકર્ષણ અને આંતરિક શરણાગતિ પ્રગટ થાય છે.
તેરી અકલિત માયા, તેરા ભેદ કિસીને ન પાયા. ટેક
જો સમજ્યા સો હુવા દીવાના, જો મૂરખ સો ડાયા,
તુજસે મિલિયા સબસે બિગડા, એ કૈસા રંગ લાયા. નાથ તેરી.
સત ચલે વો સબકા વેરી, પાખંડી શિર છાયા,
જ્ઞાની કી કોઇ બાત ન માને, જુઠે જગ ભરમાયા. નાથ તેરી .
ખરે મારગે કોઈ સંત સિધાવે, જુઠે સબ કોઇ ધાયા,
નઝરબંધી કા ખેલ જગત મેં, તુંને ઠીક બનાયા. નાથ તેરી .
સ્વર્ગ નરક ઔર દેવલોક મેં, તું હે આપ સમાયા,
તુજ બિન મુજકો તીન લોક મેં, કોઇ નઝર નહીં આયા. નાથ તેરી.
મોક્ષ પદારથ તું હી પાવે, સ્વર્ગ ભી તુંને પાયા,
નરક કુંડમેં આપ સમાવે, કૈસા ભેદ રચાયા... નાથ તેરી.
સબકે ઘટ મેં તું હૈ પરગટ, તેરી હૈ સબ માયા,
જ્ઞાની તેરા જૂના સંગી, ફેર મિલન કો આયા . નાથ તેરી.
અનવર સાહેબની આ વાણીનો પ્રારંભ જ ઈશ્વરની અકળ અને અગમ્ય માયાના સહજ સ્વીકાર સાથે થાય છે. તેઓ કહે છે કે, હે નાથ! આ સંસારમાં તમારી માયા એવી અકળ છે કે તેનો ભેદ કોઈ પામી શકતું નથી. સંસારનો આ કેવો ઊલટો નિયમ છે કે જે માણસ તત્ત્વને સાચા અર્થમાં સમજી ગયો તે પ્રભુના પ્રેમમાં પાગલ એટલે કે દીવાનો થઈ ગયો. જ્યારે જેને આ જગત બહુ ડાહ્યો ગણે છે, તે અસલમાં આધ્યાત્મિક દૃષ્ટિએ મૂરખ સાબિત થાય છે કારણ કે તે ભૌતિક મોહમાં રચ્યોપચ્યો છે. જે જીવ પરમાત્માના રંગે રંગાયો, તેના સંબંધો સંસારના સ્વાર્થ સાથે બગડી ગયા. તેઓ આશ્ર્ચર્ય સાથે કહે છે કે, હે પ્રભુ! તમે આ પ્રેમનો કેવો અદ્ભુત રંગ જમાવ્યો છે!
માનવ સ્વભાવની નબળાઈ અને કળિયુગની વાસ્તવિકતા દર્શાવતા સંત કહે છે કે, આ જગતમાં જે માણસ સત્યના માર્ગે ચાલે છે તે ‘સબકા વેરી’ એટલે કે આખી દુનિયાનો દુશ્મન બની જાય છે. જ્યારે ઢોંગી અને પાખંડી લોકો પર આખો સમાજ આદરની છાયા રાખે છે. કોઈ સાચા જ્ઞાની પુરુષની આત્મકલ્યાણની વાત સાંભળવા તૈયાર નથી, આખું જગત જૂઠાણાં અને અફવાઓ પર ભ્રમિત થઈને દોડી રહ્યું છે. આ પંક્તિઓ આજના યુગમાં પણ એટલી જ સચોટ રીતે લાગુ પડે છે.
ત્યારબાદ અનવર સાહેબ સંસારની આંધળી દોટ પર પ્રકાશ પાડે છે. ‘ખરે મારગે કોઈ સંત સિધાવે’ એટલે કે સંતો હંમેશાં સત્ય અને ભક્તિના કઠિન માર્ગ પર ચાલે છે, જ્યારે સામાન્ય અન્ય લોકો અસત્ય અને મોહ-માયાના જૂઠા માર્ગે આંધળી દોડ મૂકે છે. તેઓ આ આખી સૃષ્ટિને જાદુગરના ‘નજરબંધીના ખેલ’ સાથે સરખાવે છે. જેમ જાદુગર નજરબંધી કરીને ભ્રમ પેદા કરે છે, તેમ આ સંસારની માયા પણ નાશવંત વસ્તુઓને કાયમી સુખ હોવાનો ભ્રમ પેદા કરે છે.
વાણીનો ઉત્તરાર્ધ ખૂબ જ સકારાત્મક અને સર્વવ્યાપી આધ્યાત્મિક દર્શન તરફ લઈ જાય છે. અનવર સાહેબ કહે છે કે સ્વર્ગ, નરક કે દેવલોક આ ત્રણેય લોકમાં માત્ર તમે જ વ્યાપેલા છો. જ્યારે આત્મજ્ઞાનની દૃષ્ટિ ખૂલે છે ત્યારે ત્રણેય લોકમાં પરમાત્મા સિવાય બીજું કંઈ નજર આવતું નથી. આ રહસ્યને વધુ ઊંડું કરતા તેઓ કહે છે કે મોક્ષનું પરમપદ પણ તું જ છે અને સ્વર્ગનું સુખ પણ તારાથી જ છે. અરે, જ્યાં સનાતન દંડની કલ્પના છે એ નરકકુંડમાં પણ તું પોતે જ સમાયેલો છે! હે નાથ, આ તમે કેવો અકલ્પનીય ભેદ રચ્યો છે!
અંતિમ ચરણમાં અનવર સાહેબ સુંદર આત્મમિલનની વાત કરે છે. દરેક જીવના હૃદયમાં તું જ પ્રગટ છે અને આ બધી તારી જ માયાની છાયા છે. ‘જ્ઞાની તેરા જૂના સંગી’ એટલે કે આપણો આત્મા એ કોઈ નવો નથી, પણ એ પરમાત્માનો જ પરમ પ્રાચીન અને શાશ્વત સંગી છે. અનેક જન્મોના ફેરા અને સંસારની ભુલભુલામણી વટાવીને, આ જીવ ફરી પાછો આજે પોતાના મૂળ ઘર તરફ, પોતાના પ્રભુ સાથે એકાકાર થવા માટે આવ્યો છે. આજના ભૌતિકવાદી અને માનસિક અશાંતિના યુગમાં, અનવર સાહેબની આ વાણી આપણને રોજિંદી દોડધામ વચ્ચે થોડીવાર થોભીને આપણી અંદર બેઠેલા એ ‘જૂના સંગી’ને ઓળખવાની પ્રેરણા પૂરી પાડે છે.