Sat Sep 12 2026

Logo

પહેલી એપ્રિલથી અમદાવાદની સાબરમતી નદીનો પટ્ટો ખાલી કરાશે

2026-03-12 19:54:17
Author: Pooja Shah
પહેલી એપ્રિલથી અમદાવાદની સાબરમતી નદીનો પટ્ટો ખાલી કરાશે

અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી નદીનો પટ ૧ એપ્રિલથી ૧૫ જૂન, ૨૦૨૬ સુધી લગભગ અઢી મહિના સુધી પાણી વગરનો રહેશે, કારણ કે રાજ્યના સિંચાઈ વિભાગે વાસણા બેરેજને સંપૂર્ણપણે ખાલી કરવાનો નિર્ણય લીધો છે જેથી  સમારકામનું કામ હાથ ધરવામાં આવે અને અનેક દરવાજા બદલી શકાય.  સુકા નદીના પટને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સુભાષ બ્રિજ  તોડી પાડવાનું કામ ઝડપથી કરી શકશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેરેજ બંધ કરવાનો નિર્ણય ચોમાસા પહેલા ડેમની સેફ્ટી અંગે કરવામાં આવેલા નિરિક્ષણ બાદ લેવામાં આવ્યો હતો. નિરિક્ષણ દરમિયાન  નિષ્ણાતોએ વાસણા બેરેજના 30 માંથી 18 દરવાજા બદલવાની ભલામણ કરી હતી, જ્યારે બાકીના દરવાજાઓનું સમારકામ ચોમાસા પહેલા કરવામાં આવશે. 1976માં બનેલ આ બેરેજ અમદાવાદમાં પૂર નિયંત્રણ અને પાણીના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કામ હાથ ધરવા માટે, બેરેજ પર સંગ્રહિત પાણીને ફતેહવાડી કેનાલ અને સાબરમતીના ડાઉનસ્ટ્રીમ વિભાગોમાં છોડવામાં આવશે, જેના કારણે સમારકામના સમયગાળા દરમિયાન નદીના કાંઠાના વિસ્તારમાં પાણી રહેશે નહીં.

સૂત્રો અનુસાર સિંચાઈ વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને નદીના પાણી પર આધાર રાખતી અન્ય સરકારી તેમજ ખાનગી એજન્સીઓને બંધ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચનાઓ જારી કરી છે.

દરમિયાન, નદીમાં પાણી ન હોવાથી, મનપા પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા સુભાષ બ્રિજના ડેમેજ થેયલા  ભાગને તોડી પાડવાનું કામ હાથ ધરે તેવી સંભાવના છે. પાલિકાએ અહીં રૂ. 235 કરોડના ખર્ચે નવા બ્રિજને મંજૂરી આપી છે.

વધુ જુઓ...