Wed Jun 24 2026

Logo

રોનાલ્ડોએ રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સ પછી મેસી વિશે પૂછાતાં ગુસ્સામાં પત્રકારને કહ્યું...

Houston   2026-06-24 10:21:00
Author: Ajay Motiwala
Article Image

પોર્ટુગલનો ઉઝબેકિસ્તાન સામે 5-0થી વિજય


હ્યુસ્ટન: ફૂટબૉલ જગતના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે ગોલની મદદથી પોર્ટુગલે મંગળવારે રાત્રે ફિફા વર્લ્ડ કપમાં ઉઝબેકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું. રોનાલ્ડોનો આ રેકોર્ડ-બ્રેક પર્ફોર્મન્સ હતો, કારણ કે તે તેણે રમેલા તમામ છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો હતો.

આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી પણ રોનાલ્ડોની જેમ છ વર્લ્ડ કપ રમ્યો છે, પરંતુ આ તમામ છ વિશ્વ કપમાં તે ગોલ નથી કરી શક્યો. 2010ના વર્લ્ડ કપમાં મેસી એકેય ગોલ નહોતો કરી શક્યો, જ્યારે રોનાલ્ડોએ છએ છ વર્લ્ડ કપમાં એક કે એક કરતાં વધુ ગોલ કર્યા છે.

મંગળવારે રાત્રે મૅચ બાદ પત્રકાર પરિષદમાં રોનાલ્ડોના ઉઝબેકિસ્તાન સામેના પર્ફોર્મન્સને જર્નલિસ્ટોએ ખૂબ વખાણ્યો હતો, પરંતુ એક પત્રકારે સવાલમાં મેસીનો ઉલ્લેખ કરતા રોનાલ્ડો થોડો ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ‘નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ...' એવું બોલીને બીજા પત્રકાર તરફ મોં ફેરવી લીધું હતું.

ગયા બુધવારે પોર્ટુગલની ડીઆર કૉન્ગો સામેની મૅચ 1-1થી ડ્રોમાં ગઈ હતી અને એમાં રોનાલ્ડો ગોલ નહોતો કરી શક્યો. જોકે મંગળવારે રાત્રે તેણે પહેલી છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને પોર્ટુગલને રોમાંચક શરૂઆત અપાવી હતી. હ્યુસ્ટનના સ્ટેડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકો તેના રેકૉર્ડ-બ્રેક ગોલથી રોમાંચિત થઈ ગયા હતા. આ વર્લ્ડ કપ (WC)માં મેસીએ પાંચ ગોલ કર્યા છે જેની સામે રોનાલ્ડોનો આ પ્રથમ ગોલ હતો. રોનાલ્ડો (Ronaldo)ને સામાન્ય રીતે મેસી સાથેની સરખામણી પસંદ નથી અને એટલે જ પત્રકાર પરિષદમાં તેને મેસી વિશેનો સવાલ નહોતો ગમ્યો અને એનો જવાબ આપવાનું તેણે ટાળ્યું હતું.

ઉઝબેકિસ્તાન સામે પ્રથમ ગોલ પછી 17મી મિનિટમાં મેન્ડીસે ગોલ કર્યો હતો. એ સાથે પોર્ટુગલ (Portugal)ની સરસાઈ 2-0 થઈ હતી. 39મી મિનિટમાં રોનાલ્ડોએ વધુ એક ગોલ કર્યો હતો. 60 મિનિટમાં ઉઝબેકિસ્તાનના નેમાતોવના ઑન ગોલ થકી પોર્ટુગલને ચોથો ગોલ મળ્યો હતો અને 87મી મિનિટમાં રાફેલ લેઓનની મદદથી પોર્ટુગલે 5-0થી વિજય મેળવ્યો હતો. પોર્ટુગલ નોકઆઉટ રાઉન્ડની લગોલગ આવી ગયું છે. હવે લીગ ગ્રાઉન્ડમાં માત્ર કોલમ્બિયા સામેની મૅચ બાકી છે.

રોનાલ્ડો પોર્ટુગલનો સર્વોચ્ચ ગોલ-સ્કોરર

‘7' નંબરની જર્સીવાળા 41 વર્ષીય રોનાલ્ડોના વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 10 ગોલ છે. એ સાથે તે વર્લ્ડ કપમાં પોર્ટુગલ વતી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો છે.

આય ઍમ બૅક: રોનાલ્ડો

રોનાલ્ડો ઉઝબેકિસ્તાન સામેની મૅચ પછી ટીવી કૅમેરા સામે જોઈને ‘આઈ ઍમ બૅક'... ‘આઈ ઍમ બૅક' એવું બે વખત બોલ્યો હતો. આ વિધાન વિશે પત્રકારે પૂછતાં તેણે કહ્યું, ‘લોકો મને ભૂલી ન જાય એ માટે હું ખાસ આવું બોલ્યો. ગયું અઠવાડિયું ખૂબ કઠિન હતું. મને એવું લાગ્યું હતું કે જાણે હું નિવૃત્ત થઈ ગયો છું. જોકે હંમેશની માફક હું હિંમત નહોતો હાર્યો અને પાછો અસલ પર્ફોર્મ કરવા લાગ્યો છું. હું બીજી કોઈ પણ વાત કરતાં મારા કામને વધુ મહત્વ આપું છું.'

 ટીમને ધ્યેય અપાવવાનો મારો આશય: રોનાલ્ડો

રોનાલ્ડોએ મેસીના ઉલ્લેખવાળા એક પત્રકારના સવાલનો જવાબ ટાળ્યો ત્યાર પછી બીજા એક જર્નલિસ્ટે સવાલ પૂછવાની પરવાનગી માગી ત્યારે રોનાલ્ડોએ તેને કહ્યું ‘એ તો તમારો સવાલ કેવો છે એના પર આધાર રાખે છે. નહીં તો હું જવાબ નહીં આપું. હા, એટલું હું જરૂર કહીશ કે રેકૉર્ડ તોડવા તો ખૂબ ગમે, પરંતુ મારો એકમાત્ર આશય મારી ટીમને એના ધ્યેય અપાવવાનો હોય છે.'