Mon Sep 28 2026

Logo

ભારતનો આઠ વર્ષનો વન્ડર કિડઃ કોણ છે AI ઇમ્પેક્ટ સમિટમાં છવાયેલો રણવીર સચદેવા?

2026-02-19 17:27:00
Author: Darshana Visaria
ભારતનો આઠ વર્ષનો વન્ડર કિડઃ કોણ છે AI ઇમ્પેક્ટ સમિટમાં છવાયેલો રણવીર સચદેવા?

દુનિયાભરના ટેક લીડર્સ જ્યારે એઆઈ ઇમ્પેક્ટ સમિટ (AI Impact Summit) માં એકઠા થયા છે. પણ આ બધા ધુરંધર વચ્ચે સૌથી વધુ ચર્ચા આઠ વર્ષના રણવીર સિંહ સચદેવા (Ranveer Singh Sachdeva)ની થઈ રહી છે. એક ચાઇલ્ડ પ્રોડિજી, ટેકનોલોજિસ્ટ અને ગ્લોબલ ઓથર તરીકે રણવીર આ ઇવેન્ટમાં પ્રાચીન ભારતીય ફિલોસોફી અને આધુનિક ટેકનોલોજીના સંગમ પર પોતાના વિચારો રજૂ કરશે.

વાત કરીએ કોણ છે રણવીર સિંહ સચદેવા? તમારી જાણકારી માટે 2017માં જન્મેલો રણવીર માત્ર આઠ વર્ષની ઉંમરે અકલ્પનીય સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. રણવીર સૌથી યુવાવયનો સ્પીકર છે અને આ અગાઉ એઆઈ ફોર ગુડ સમિટમાં પણ કીનોટ સ્પીકર રહી ચૂક્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં માત્ર છ વર્ષની વયે યુએન હેડક્વાર્ટરના જનરલ એસેમ્બલી સેશનમાં ભાગ લેનાર રણવીર સચદેવા વિશ્વનો સૌથી નાની વયનો સહભાગી હતો. જુલાઈ, 2025માં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે તેને ડિજિટલ ટેકનોલોજી પર યુવાનોને સંબોધિત કરવા માટે આમંત્રિત કર્યો હતો.

રણવીરનું નામ એ સમયે આખી દુનિયામાં ગુંજી ઉઠ્યું હતું, જ્યારે તેણે ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2023માં માત્ર પાંચ વર્ષની ઉંમરે એપલ સ્વિફ્ટ પ્રોગ્રામર બનીને વિશ્વવિક્રમ રચી દીધો હતો. એપલના સીઈઓ ટિમ કૂક રણવીરની પ્રતિભાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે રણવીરને કેલિફોર્નિયા સ્થિત એપલ હેડક્વાર્ટરમાં ડબ્લ્યુડબ્લ્યુડીસી ઈવેન્ટમાં હાજર રહેવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું હતું.

વાત કરીએ એઆઈ સમિટની તો આ સમિટમાં રણવીર માત્ર ભાષણ જ નહીં આપે, પરંતુ તેના દ્વારા વિકસાવવામાં આવેલા ભારતીય એઆઈ મોડલના યુઝ કેસ પણ પ્રદર્શિત કરશે. રણવીર એ પણ જણાવશે કે કેવી રીતે તેનું એઆઈ મોડલ ભારતની જીડીપી વધારવામાં મદદરૂપ થશે, દેશમાં એઆઈ લિટરસી વધારવામાં યોગદાન આપશે, વિશ્વના અન્ય દેશોના એઆઈ મોડલ્સ કરતા ભારતનો અભિગમ કેવી રીતે અલગ છે તે રજૂ કરશે. 

આમ, આઠ વર્ષનો રણવીર સચદેવા ટેકનોલોજીની દુનિયામાં ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરી રહ્યો છે. આટલી નાની વયે રણવીરની સિદ્ધિઓ તેની હસ્તીને વિરાટ બનાવી રહી છે અને જ્યાં જુઓ ત્યાં બસ રણવીર સચદેવાની જ ચર્ચા ચાલી રહી છે.