Tue Aug 18 2026

Logo

રાણીબાગમાં આવેલો મેયરનો બંગલો અને તેનો પરિસર  મૉર્નિંગ વૉક માટે ખુલ્લો મુકાયો

2026-08-16 10:29:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલયમાં દાયકાઓથી નાગરિકો દ્વારા કરવામાં આવતા મોર્નિંગ વોકને  સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી (સીઝેડએ)ની માર્ગદર્શિકાને લીધે બંધ કરવાની ફરજ પડી હતી પણ હવેથી સવારે છ થી નવ વાગ્યા દરમ્યાન નાગરિકો મોર્નિંગ વોક માટે મેયરના બંગલા અને તેના પરિસરને અડીને આવેલા રસ્તાનો ઉપયોગ કરી શકશે, એવી જાહેરાત મુંબઈના મેયરે કરી હતી.

સ્વતંત્રતા દિવસે મુંબઈના મેયર રિતુ તાવડેએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી મેયરના સત્તાવાર નિવાસસ્થાનનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને હવેથી સ્થાનિક રહેવાસીઓ મોર્નિંગ વોક માટે બંગલા અને તેના પરિસરને અડીને આવેલા રસ્તાનો ઉપયોગ કરી શકશે. આ સુવિધા દરરોજ સવારે છ થી નવ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે, જેનાથી નાગરિકોને હેરિટેજ-કેટેગરી બંગલાની આસપાસની હરિયાળી વચ્ચે ચાલવાની તક મળશે.

વર્ષોથી નોંધાયેલા વોકર્સને ૧૫૦ રૂપિયાની નજીવી માસિક ફી ચૂકવીને સવારે છ થી આઠ વાગ્યા દરમ્યાન પ્રાણી સંગ્રહાલયની અંદર નિયુક્ત પટ્ટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.  સીઝેડએ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાના અમલીકરણ બાદ જુલાઈમાં આ સુવિધા બંધ કરવામાં આવી હતી. સીઝેડએની ૨૦૨૩ની માર્ગદર્શિકા મુજબ, પ્રાણી સંગ્રહાલયોને મુલાકાતીઓના આગમન પહેલાં પ્રાણીઓને ખલેલ-મુક્ત સમય પૂરો પાડવો આવશ્યક છે.  અધિકારીઓએ પ્રાણી સંગ્રહાલય પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવા અને ફૂલો તોડવા બદલ કેટલાક ફરવા જનારાઓ સામે ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેથી પ્રાણીબાગમાં સીઝેડએની માર્ગર્દિશકા મુજબ મૉર્નિંગ વૉક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.


જોકે હવે મેયરના નિવાસસ્થાન પરિસર ખોલવાનો નિર્ણય નિયમિત મોર્નિંગ વોક કરનારાઓને રાહત આપશે તેવી અપેક્ષા છે. પ્રાણી સંગ્રહાલયની નજીક સ્થિત મેયરનું સત્તાવાર નિવાસસ્થાન વૃક્ષો અને હરિયાળીથી ઘેરાયેલું છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી રીતુ તાવડે જૂનના અંતમાં તેના પરિવાર સાથે હેરિટેજ બંગલામાં રહેવા ગયા હતા. નવી વ્યવસ્થા નાગરિકોને પ્રાણી સંગ્રહાલયની પ્રાણીઓની સંભાળની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમના મોર્નિંગ વોક માટે મદદરૂપ થઈ રહેશે એવું માનવામાં આવે છે.