Wed Sep 09 2026

Logo

મુંબઈમાં રાજ ઠાકરેના ઘરે સવારે એવું તે શું થયું કે ફાયર બ્રિગેડની ટીમ બોલાવવી પડી? જાણો વિગત

2026-07-19 19:35:00
Author: Mumbai Samachar Team
મુંબઈમાં રાજ ઠાકરેના ઘરે સવારે એવું તે શું થયું કે ફાયર બ્રિગેડની ટીમ બોલાવવી પડી? જાણો વિગત

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને સવારથી જ વાંદરાઓનું એક ટોળું આવી ચડ્યું હતું. આ વાંદરાઓ ઘરના પરિસરમાં અને બાલ્કની સુધી પહોંચી જતાં સ્ટાફ અને પરિવારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી, જેમણે કોઈને પણ ઈજા પહોંચાડ્યા વગર વાંદરાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આ બનાવની જાણ થયા પછી પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ સાથે સંપર્ક સાધ્યો હતો અને વન્યજીવોને સુરક્ષિત બહાર કાઢવા માટે મદદ માંગી હતી. ફાયર બ્રિગેડની ટીમે વાંદરાઓને નુકશાન પહોંચાડ્યા વગર ઘરની બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં થોડો સમય મહેનત કર્યા પછી વાનરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મળતી વિગતો અનુસાર વાંદરાઓનું ટોળું ઘરના અલગ અલગ ભાગોમાં ફરતું રહ્યું હતું જેથી થોડા સમય માટે ત્યાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા કે મોટા નુકસાન થયા હોવાની જાણ થઈ નહોતી. મુંબઈ જેવા મહનગરના રહેવાસી વિસ્તારોમાં આ પ્રકારે વાંદરાઓ ઘરમાં ઘૂસી જવાની ઘટનાઓ તો ભાગ્યે જ જોવા મળતી હોય છે, પરંતુ ક્યારેક જંગલી જાનવરો પણ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભોજનની શોધમાં પહોંચી જતા હોય છે. 

મળતી જાણકારી મુજબ વાંદરાઓનું ટોળું વહેલી સવારથી જ રાજ ઠાકરેના ઘરની આસપાસના વિસ્તારોમાં ફરી રહ્યું હતું, જેથી સ્થાનિકોમાં પણ ભય વ્યાપી ગયો હતો. આ વાંદરાઓ તેમના ઘરની બાલ્કનીમાં પહોંચ્યા અને તેમના ઘરમાં ઘૂસવાના પ્રયાસો કરતા ત્યાંના સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ઘેરીને ફાયર બ્રિગેડ ટીમની મદદથી કામગીરી શરૂ થઈ હતી.