મુંબઈ: બિટકોઇન કૌભાંડ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રા શુક્રવારે વિશેષ કોર્ટમાં હાજર થયા બાદ તેના જામીન મંજૂર કરાયા હતા.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના કેસોના વિશેષ જજ આર.બી. રોટેએ જાન્યુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લીધા બાદ રાજ કુન્દ્રાને સમન્સ જારી કર્યા હતા.
રાજ કુન્દ્રા કોર્ટ સમક્ષ હાજર થયો હતો અને તેણે જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી. રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે રજૂઆત કરી હતી કે કુન્દ્રાએ 2021થી ઇડીની તપાસમાં સહકાર આપ્યો હતો. કેસ સંબંધી તમામ દસ્તાવેજો પહેલેથી તપાસ એજન્સીના કબજામાં છે. આથી કુન્દ્રાની કસ્ટડીની જરૂર નથી, એમ વકીલે કહ્યું હતું.
કોર્ટે ચાર્જશીટની નોંધ લેતાં કહ્યું હતું કે સાક્ષીઓનાં નિવેદનો અને અન્ય પુરાવા પ્રથમદર્શી એવું દર્શાવે છે કે કુન્દ્રા અને દુબઇ સ્થિત બિઝનેસમેન રાજેશ સતીજા પીએમએલએ હેઠળ સજાપાત્ર ગુનામાં સંડોવાયેલા હતા.
કેન્દ્રીય તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે કુન્દ્રાએ ગેઇન બિટકોઇન પોન્ઝી સ્કૅમના કથિત માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજ પાસેથી યુક્રેનમાં બિટકોઇન માઇનિંગ ફાર્મ સ્થાપવા માટે 285 બિટકોઇન મેળવ્યા હતા. સોદો ન થવાથી કુન્દ્રા પાસે હજી પણ 285 બિટકોઇન છે, જેનું હાલનું મૂલ્ય 150 કરોડ રૂપિયાથી વધુ છે, એમ ઇડીએ દાવો કર્યો હતો.ચાર્જશીટ અનુસાર કુન્દ્રાએ માત્ર મધ્યસ્થી તરીકે કામ કર્યાનો દાવો કર્યો હતો, પણ તે પૂરવાર કરવા માટે કોઇ અંતર્ગત દસ્તાવેજો પુરાવા રજૂ કર્યા નહોતા. (પીટીઆઇ)