Mon Aug 24 2026

Logo

પુણેના બિલ્ડિંગના સ્ટોરેજ યુનિટમાં આગ લાગવાથી એક કામદારનું મોત

2026-07-18 18:03:28
Author: Sapna Desai
પુણેના બિલ્ડિંગના સ્ટોરેજ યુનિટમાં આગ લાગવાથી એક કામદારનું મોત

મુંબઈ: પુણેના કોંધવા વિસ્તારમાં છ માળની રહેણાંક ઇમારતના સ્ટોરેજ યુનિટમાં લાગેલી આગમાં ગંભીર ઇજા થતાં એક કામદારનું મોત થયું હોવાનું ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું. કોંધવા વિસ્તારમાં આવેલા વેતાલ નગરમાં ફિરદોસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર શુક્રવારે રાતના નવ વાગ્યાની આસપાસ આગ લાગી હતી, ત્યારબાદ ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ફાયરબ્રિગ્રેડના અધિકારીના જણાવ્યા મુજબ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેઇન્ટિંગના કામ માટે જરૂરી સામગ્રીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. ફાયરબ્રિગ્રેડ ત્યાં પહોંચી ત્યારે આગને કારણે ચારેતરફ ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો.

ફાયરબ્રિગ્રેડના  અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી તેની અંદર ફસાયેલા એક કામદારને ગંભીર હાલતમાં બચાવવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. .મૃતકની ઓળખ મોહમ્મદ ઇરફાન યુસુફ તરીકે થઈ હતી.

સ્ટોરેજ યુનિટના માલિકના જણાવ્યા મુજબ પરિસરની અંદર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગ્રેડ દ્વારા સમયસર આગ કાબૂમાં લેવામાં આવી હતી અને તેને ઉપરના માળે ફેલાતી અટકાવવામાં આવી હતી અને  વધુ જાનહાનિ ટાળી શકાઈ હતી.