સાશા
ભારતીય ક્રિકેટ ટીમના તાજેતરના ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમ્યાન સૌથી મોટી ચિંતા સ્કોર બોર્ડ ઉપરાંત ડે્રસિંગ રૂમના મેડિકલ બુલેટિનની પણ હતી. લગભગ દરેક મૅચ બાદ કોઈને કોઈ ખેલાડી ઈજા પામ્યો હોવાની વાતો ચર્ચામાં રહેતી હતી. ક્યારેક શુભમન ગિલના તો ક્યારેક જસપ્રીત બુમરાહના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા જેને કારણે ભારતીય ટીમના પરિણામો પર વિપરીત અસર થઈ હતી. ખેલાડીઓ કેમ ઘાયલ થઈ રહ્યા છે વાત ત્યાં સુધી સીમિત નથી. ચિંતા એ વાતની છે કે શું ભારતીય ક્રિકેટ પોતાની સૌથી મોટી મૂડી એટલે કે ખેલાડીઓની ફિટનેસ ગુમાવવાના સૌથી મોટા જોખમની દિશામાં જઈ રહી છે કે શું?
વર્ષ દરમ્યાન એક પછી એક મૅચ, સિરીઝ કે ટૂર્નામેન્ટ રમતા રહેવું, ત્રણેય ફૉર્મેટમાં રમવાનું માનસિક અને શારીરિક દબાણ, આઇપીએલ, વિદેશ પ્રવાસોને લીધે થતો થાક અને રિકવરી ટાઇમની મર્યાદા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આધુનિક ક્રિકેટમાં માત્ર પ્રૅક્ટિસથી નહીં, પણ વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક રિકવરીને લીધે ખેલાડી લાંબા સમય સુધી મેદાન પર ટકી શકે છે.
ઇંગ્લૅન્ડની સિરીઝે ભારતીય ક્રિકેટને સજાગ કરતો એ સંદેશ આપ્યો છે કે ખેલાડીઓની વધતી જતી ઈજાના કિસ્સાઓ પર જો અંકુશ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે સૌથી મોટો પડકાર હરીફ ટીમ નહીં, પણ પોતાના ખેલાડીઓની ફિટનેસનો હશે.
આજકાલ બૅટ્સમેનો ક્યારેક આંગળીની, ક્યારેક ખભાની અને ક્યારેક હેમસ્ટ્રિંગની ઇન્જરી (પગના ઉપલા ભાગમાં પાછળની બાજુએ ઈજા) સામે સતત ઝઝૂમી રહ્યા છે. ઘણી વાર એવું બને છે કે કોઈ ખેલાડીને જ્યારે કોઈ યોજનામાં સામેલ કરવામાં આવ્યો હોય છે ત્યારે જાણવા મળે છે કે તે ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે ઈજા પામ્યો અને ટીમની આખી યોજના પર પાણી ફરી વળ્યું છે.
સવાલ એ છે કે આખરે ભારતીય ક્રિકેટે હાલના દિવસોમાં આ ભારે સંકટ સામે કેમ ઝઝૂમવું પડી રહ્યું છે? વધુ પડતી પ્રૅક્ટિસનું તો આ પરિણામ નથીને? નિષ્ણાતો કહે છે કે ક્રિકેટમાં સફળતા માટે ભારે પરિશ્રમથી પ્રૅક્ટિસ કરવી જરૂરી હોય છે તો એના કરતાં પણ વધુ મહત્ત્વની છે ખેલાડીની ફિટનેસ. તેનું ફિટ હોવું વધુ જરૂરી છે. કારણ એ છે કે આજની ક્રિકેટ અગાઉ કરતાં અનેકગણી ઝડપી, વધુ વ્યસ્ત અને શારીરિક રીતે વધુ પડકારરૂપ થઈ ગઈ છે. ખેલાડીના શરીરને આરામ અને રિહૅબિલિટેશનની ઘણી જરૂર હોંય છે, પરંતુ ખેલાડીઓને એ માટે પૂરતો સમય નથી મળતો હોતો. આ જ કારણસર ક્રિકેટ જગતમાં હાલના દિવસોમાં લૉડ મૅનેજમેન્ટ અને રિકવરી સાયન્સ કોચિંગના અવિભાજ્ય અંગ બની ગયા છે.
ભારતીય ખેલાડી જ્યારે ઇંગ્લૅન્ડ જેવી પરિસ્થિતિઓમાં ક્રિકેટ રમે છે ત્યારે ત્યાં તેણે (ભારતીય બોલરે) લાંબા સ્પેલ બોલિંગ કરવી પડતી હોય છે જેના કારણે તેમના પર માનસિક અને શારીરિક દબાણ આવે છે. આ બાબત બૅટ્સમેનોને પણ લાગુ પડે છે, કારણકે ત્યાં બૅટિંગ કરવી આસાન નથી હોતી. એ ઉપરાંત, ફીલ્ડિંગ દરમ્યાન ખેલાડીઓએ લાંબા સમય સુધી ત્યાંની હવામાનમાં મેદાન પર ટકી રહેવું પડે છે અને પરિસ્થિતિ સાથે તાલમેલ રાખવો પડે છે.
ઇંગ્લૅન્ડમાં મોસમ અને માહોલ ભારત કરતાં બિલકુલ અલગ હોય છે અને એને ઍડજસ્ટ થવું માથાફોડી કરવા જેવું છે અને એવું એ જ ખેલાડી કરી શકે છે જે ફિટનેસ વિશે નિયમિત રીતે સજાગ હોય. એ જ કારણ છે કે વિરાટ કોહલીએ ક્યારેય એવી સમસ્યાનો સામનો નથી કરવો પડતો. તેને આવી સમસ્યાઓ સામે લડતો ક્યારેય નથી જોયો. તે નવેમ્બરમાં 38 વર્ષનો થશે અને આટલી મોટી ઉંમરે પણ તેમ જ ન રમતો હોય ત્યારે પણ ફિટનેસ વિશે જાગૃત હોય છે.
સામાન્ય રીતે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ ફિટનેસની બાબતમાં વધુ સંઘર્ષ કરતા હોય છે, કારણકે આ ખેલાડીઓ ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાના પ્લેયર્સ જેવા કસદાર બાંધાના નથી હોતા. સાથે-સાથે, હવા-પાણીનો ફરક પણ કામ કરી જતો હોય છે
ભારતીય ખેલાડીઓ ખાસ પ્રકારના રિકવરી પ્રૉટોકૉલ અપનાવે છે જેમાં ખેલાડીઓને નિયમિત રીતે આઇસ બાથ, હાઇડ્રો થેરપી, સ્ટ્રેચિંગ, સ્પોર્ટ્સ મસાજ, કંપ્રેશન થેરપી, પૂરતી ઊંઘ તથા સંતુલિત પોષણની પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે.
જોકે ક્યારેક કોઈક ખેલાડી આળસને લીધે કે પોતાના પર વધુ પડતો ભરોસો કરીને નિયમિત ફિટનેસની પ્રક્રિયા ટાળતા હોય છે. અમુક ખેલાડીઓ દરરોજ જિમ્નેશ્યન નથી જતા, કોઈ ખેલાડી ટીમ મૅનેજમેન્ટના કહેવા છતાં પૂરતી ઊંઘ નથી કરતા. પરિણામ એ આવે છે કે આવા ખેલાડી કોઈને કોઈ રીતે ઈજાનો શિકાર થઈ જાય છે.
ખેલાડીની રિકવરી પ્રક્રિયામાં પૂરતી ઊંઘ સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય છે અને ભારતીય ક્રિકેટ ટીમના ડે્રસિંગ રૂમમાંથી બહાર આવતી વાતો પરથી જણાયું છે કે ભારતીય ખેલાડીઓને મોડી રાત સુધી જાગવાની આદત છે. તેઓ પથારીમાં પડ્યા પછી પણ કલાકો સુધી મોબાઇલ પર વાતચીત કરતા હોય છે જેને કારણે ટીમ મૅનેજમેન્ટની સજાગતાથી તૈયાર કરવામાં આવેલા રિકવરી પ્રૉટોકૉલનો પણ બહુ ફાયદો નથી થતો.
ખેલાડીઓ ચુસ્તપણે ડાયટના પ્લાનને અનુસરતા નથી હોતા એવી ફરિયાદ પણ જાણવા મળી છે. તળેલો, ભુંજેલો અને મસાલેદાર ખોરાક ખાવો, ચોરી છુપીથી કોઈ પણ રીતે `પીવાની' વ્યવસ્થા કરી લેવી. ભારતીય ખેલાડીઓ વારંવાર ઈજા પામતાં હોવા પાછળ આવી લાપરવાહી પણ જવાબદાર છે.
ખેલકૂદ સંબંધિત વિજ્ઞાનીઓ કહેતા હોય છે કે ખેલાડી દિવસના સાત કલાકની ઊંઘ પણ ન કરે તો તેના શરીરના ક્ષતિગ્રસ્ત અવયવો સમયસર અને પૂરતા સાજા નથી થઈ શકતા. પર્યાપ્ત પ્રૉટિન, કાર્બોહાઇડ્રેડ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી શરીરને નવી ઊર્જા અપાવે છે. એટલે જ તો તમામ આધુનિક ટીમો ન્યૂટ્રિશનિસ્ટ તથા સ્લીપ સ્પેશ્યાલિસ્ટને પણ કોચિંગ સ્ટાફમાં રાખે છે. ભારતીય ક્રિકેટમાં સ્પોર્ટ્સ સાયન્સ પર વધુ લક્ષ તો આપવામાં આવી રહ્યું છે, પણ ખેલાડીઓને વારંવાર ઈજા થઈ રહી છે એ જોતાં આ દિશામાં હજી ઘણો સુધારો બાકી છે એમ કહી શકાય.