Thu Mar 12 2026

Logo

એક નજર ઈધર ભી... પેરિસ: ટાવર-પાવર ને શેક્સપિયર...

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

કામિની શ્રોફ

વર્ષો પહેલા થિયેટરમાં હિન્દી ફિલ્મ `એન ઈવનિંગ ઈન પેરિસ જોઈ' અને એમાંય રફીસાહેબના ગીત `આઓ તુમકો દિખલાતા હૂં, પેરિસ કી એક રંગીન શામ, દેખો દેખો દેખો દેખો દેખો, એન ઈવનિંગ ઈન પેરિસ' પર શમ્મી કપૂરના જલસા જોયા ત્યારે ખબર નહોતી કે આ શહેર `સિટી ઓફ લવ' તરીકે પ્રખ્યાત છે. 

જોકે, પત્ની સાથે પેરિસમાં સહેલ કરવાનો મોકો મળ્યો અને 16 વર્ષની ઉંમરે જોયેલું ખ્વાબ 66 વર્ષની ઉંમરે સાકાર થયું. બે દિવસના પેરિસ મુકામમાં પ્રેમ, પાવર, ટાવર અને શેક્સપિયરનો પરિચય થયો અને જલસો ...જલસો...! એમાંય એક કલાકની સેન રિવર ક્રૂઝમાં પેરિસના પ્રતિષ્ઠિત સ્મારકો આયફેલ ટાવર, લુવ્ર મ્યુઝિયમ, નોટરડામ કથીડ્રલ (ધર્મ સ્થાનક તરીકે નહીં, પણ આર્કિટેક્ચર સૌંદર્ય માટે), કોન્શિયરજેરી અને ડોરસે મ્યુઝિયમની ઝલક જોવા મળી.

આઇફિલ ટાવર: પેરિસના પ્રખ્યાત આયફેલ ટાવર (લોકપ્રિય ઉચ્ચાર `એફિલ'! ) વિશે તો ઘણું બધું લખાયું ને વંચાયું છે. દસ હજાર ટન લોખંડનો ઉપયોગ કરી બાંધવામાં આવેલો 1050 ફૂટ ઊંચો આ ટાવર દિવસે તો ભવ્ય લાગે જ છે, રાતના અંધારામાં એનો ઝગમગાટ આંખોને આંજી દે છે. ઉપર જઈ રહ્યા હતા ત્યારે ખિસ્સાકાતઓથી સાવધાન રહેજો એવી ચેતવણી આપતું પાટિયું બધાનું ધ્યાન ખેંચી રહ્યું હતું. `પાકીટમારથી ચેતતા રહેજો'નું અનાઉન્સમેન્ટ પણ થઇ રહ્યું હતું. દેશની શાન ગણાતા સ્મારક પર કેવો મોટો ધબ્બો...

કોન્કોર્ડ સ્કવેર: રશિયન ક્રાંતિમાં અનોખું સ્થાન ધરાવતો પ્લેસ ઑફ કોન્કોર્ડ પેરિસનો સૌથી મોટો સ્કવેર છે. ફ્રાંસના રાજા લુઇ પંદરમાની મહત્તા વધારવાના હેતુથી એની પ્રતિમા ઊભી કરીને એનું નામ પ્લેસ લુઇ ફિફ્ટીન રાખવામાં આવ્યું હતું. આ સ્ક્વેરનું બાંધકામ 1772માં પૂરું થયું હતું. 

1789માં શરૂ થયેલી રશિયન ક્રાંતિ પછી 1792માં લુઇ પંદરમાની પ્રતિમા દૂર કરી તોડી નાખવામાં આવી અને ત્યાં શિરચ્છેદ કરવાનું યંત્ર જીલેટીન ત્યાં ઊભું કરવામાં આવ્યું. પ્રજાનો આક્રોશ તીવ્ર બન્યો અને 21 જાન્યુઆરી, 1793ના દિવસે ચિચિયારી પાડતા લોકોની હાજરીમાં રાજા લુઇ સોળમાનો આ સ્ક્વેર પર શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. નવ મહિના પછી ફ્રાંસની રાણી મેરી એન્તોનિયેતનો પણ અહીં જ શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. આ જગ્યા જુલમ સામેના લોકોનો આક્રોશ કઇ હદે જઇ શકે છે એનો ખ્યાલ આપે છે. ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવી ગઈ: `ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ના લાધશે!' 

સેન નદી: આશરે એક હજાર ફૂટની ઊંચાઈએથી લીધેલી તસવીરમાં પેરિસનો કેટલોક નયનરમ્ય હિસ્સો આંખ ઠારે છે. ખાસ ધ્યાન ખેંચે છે ખળખળ વહેતી સેન નદી. પેરિસ આ નદીના કાંઠે વસેલું શહેર છે. 777 કિલોમીટર લાંબી આ નદી પર પેરિસમાં જ 37 બ્રિજ છે અને બીજા ડઝનેક શહેરની બહાર. પોતાને સેન નદીના કાંઠે દાટવામાં આવે એવી ઈચ્છા ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટે વ્યક્ત કરી હતી જે માન્ય નહોતી રખાઈ.

આઇફિલ ટાવર ફરતે બાંધવામાં આવેલી જાળીની બહાર હાથ કાઢીને હું તસવીરો લઈ રહ્યો હતો ત્યારે એક સહ પ્રવાસી મારા પર ફોકસ રાખીને બેઠો હતો. એને એમ હતું કે કદાચ મારા હાથમાંથી કેમેરા ફોન પડી જશે અને એ ક્ષણ એ ભાઈ ક્લિક કરવા માગતા હતા. જોકે, તેમની માન્યતા ખોટી પડી ને હું આ રીતે કેટલીક તસવીરો લેવામાં સફળ સફળ રહ્યો. આ વાત એ સહ પ્રવાસીએ જ પછી હસતા હસતા મને કરી હતી.

કોન્શિયરજેરી: આ સ્મારકની વિશિષ્ટતા એ છે કે એક સમયે રાજાશાહીનું પ્રતીક ગણાતું હતું અને પછી ગુનેગારોનું સરનામું બની ગયું. પેરિસના આ ઐતિહાસિક સ્મારકનું બાંધકામ 1500 વર્ષ પહેલા રાજવી મહેલ તરીકે કરવામાં આવ્યું હતું. છઠ્ઠી સદીથી 14મી સદી સુધી ફ્રેન્ચ રાજવીઓનું સત્તાકેન્દ્ર બની રહ્યું. 14મી સદીના મધ્યમાં આ મહેલ રાજ પરિવારના રહેણાંક તરીકે બંધ કરવામાં આવ્યો. 
જોકે, શાસનની મહત્ત્વની કામગીરી નિયમિત રીતે અહીંથી કરવામાં આવતી હતી. પંદરમી સદીમાં રાજાએ મહેલમાં ન્યાય વ્યવસ્થા માટે દ્વારપાલની નિમણૂક કરી અને નોંધવાલાયક બાબત એ બની કે મહેલનો અમુક હિસ્સો જેલમાં ફેરવી દેવામાં આવ્યો. પંદરમી સદીથી ફ્રેન્ચ ક્રાંતિ થઈ ત્યાં સુધી કોન્શિયરજેરી પેરિસની સૌથી મહત્ત્વની જેલ હતી. 
અહીં કેટલાક ખ્યાતનામ કેદીઓને રાખવામાં આવ્યા હતા જેમાં રાણી મેરી એન્તોનિયેત, રાજા હેન્રી ચોથાના હત્યારા રેવિલેક, રાજા હેન્રી બીજાની અકસ્માતે હત્યા કરનાર સ્કોટિશ ગાર્ડ કાઉન્ટ ઓફ મોન્ટગોમેરીનો સમાવેશ હતો. 1799માં ફ્રેન્ચ ક્રાંતિની સમાપ્તિ પછી આ સ્થળનો ઉપયોગ જેલ તરીકે ક્રમશ: બંધ થયો અને રાજવી પ્રતિષ્ઠા પાછી મળી ગઈ. 1862માં કોન્શિયરજેરી ઐતિહાસિક સ્મારક જાહેર થયું અને 1914થી સહેલાણીઓ માટે પ્રવેશ શરૂ કરવામાં આવ્યો.

શેક્સપિયર એન્ડ કંપની કેફે: વિલિયમ શેક્સપિયર વિશ્વવિખ્યાત હતા અને એટલે એમના સ્મારક સ્થળ અનેક દેશમાં હોય એ સ્વાભાવિક છે. પેરિસમાં `શેક્સપિયર એન્ડ કંપની કેફે' (બુક્સ+કોફી) જોવાનો લ્હાવો મળ્યો. આ જગ્યાએ અર્નેસ્ટ હેમિંગ્વે (ધ ઓલ્ડ મેન ઍન્ડ ધ સી), ફ્રાન્સિસ સ્કોટ ફિટ્ઝગેરાલ્ડ (ધ ગ્રેટ ગેટ્સબી- જેના પરથી બનેલી હોલિવૂડ ફિલ્મમાં અમિતાભ બચ્ચનએ કામ કર્યું છે), બ્રિટિશ કવિ ટી. એસ. ઈલિયટ અને અમેરિકન કવિ એઝરા પાઉન્ડ વગેરે વિશ્વવિખ્યાત સર્જકો આવતા હતા અને તેમના અમુક સર્જનના બી અહીં રોપાયા હશે.

શેક્સપિયર એન્ડ કંપની શરૂ કરવાનો શ્રેય હેમિંગ્વે, ફિટ્ઝગેરાલ્ડ જેવા સર્જકો સાથે મૈત્રી ધરાવતા અમેરિકન પુસ્તક પ્રકાશક-વિક્રેતા સિલ્વિયા બીચને જાય છે. આજે જે બુકશોપ+કેફે છે એ અલગ સ્થળે છે અને એની શરૂઆત જ્યોર્જ વ્હિટમેન નામની વ્યક્તિએ સતત મુસાફરી કરતા સર્જકો માટે 1951માં શરૂ કરી હતી. અહીં સંખ્યાબંધ પુસ્તકો જોવા મળે છે અને એક સેક્શન પેરિસનો ઈતિહાસ, સંસ્કૃતિ અને એકંદર જીવન પર પ્રકાશ પાડતાં પુસ્તકોથી  ભરેલું છે.

અંદર દાખલ થતાની સાથે પુસ્તકોની હાજરીથી શોભતી અભરાઈઓ પડે. કેફેનું મેનુ હાથે લખેલું હોય છે અને એમાં વારંવાર ફેરફાર થાય. કેટલીક આઇટમના નામ અહીં પધારી ચૂકેલા ખ્યાતનામ લેખક અને એમના પ્રસિદ્ધ પુસ્તક પરથી રાખવામાં આવ્યા છે. 

કાઉન્ટર પર અમને A Moveable Feast નામનું પિકનિક બાસ્કેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે એવી જાણકારી મળી. પૂછપરછ કરતા જાણ થઈ કે A Moveable Feast નોબેલ પ્રાઈઝ વિજેતા અમેરિકન સર્જક અર્નેસ્ટ હેમિંગ્વેના 1920ના દાયકાના પેરિસનાં સંસ્મરણોનું પુસ્તક છે.