Tue Oct 20 2026

Logo

પનવેલ-કર્જત લોકલ કોરિડોરનું 99% કામ પૂર્ણ, 2,782 કરોડના પ્રોજેક્ટથી મુસાફરોને મળશે રાહત

2026-10-18 20:44:34
Author: Mumbai Samachar Team
પનવેલ-કર્જત લોકલ કોરિડોરનું 99% કામ પૂર્ણ, 2,782 કરોડના પ્રોજેક્ટથી મુસાફરોને મળશે રાહત

મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈના રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે. પનવેલથી કર્જત વચ્ચેના નવા ઉપનગરીય રેલવે કોરિડોરનું સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) દ્વારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3 (એમયુટીપી-III) હેઠળ ₹2,782 કરોડના ખર્ચે આ 29.6 કિલોમીટર લાંબો ડબલ રેલવે માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 

આ કોરિડોર પર પનવેલ, ચિખલે, પોયંજે, ચોક અને કર્જત એમ પાંચ સ્ટેશનો હશે. પ્રોજેક્ટમાં નવ મોટા અને 35 નાના પુલ, પાંચ રેલવે ઓવરબ્રિજ, 16 અંડરબ્રિજ તથા ત્રણ ટનલનો સમાવેશ થાય છે. ત્રણેય ટનલનું ખોદકામ અને અંતિમ લાઇનિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. કુલ 69.70 કિલોમીટરના ટ્રેકમાંથી 68.70 કિલોમીટર ટ્રેકનું જોડાણ પૂર્ણ થયું છે. 

સ્ટેશન અને મુસાફરોની સુવિધાઓનું કામ પણ અંતિમ તબક્કામાં છે. નવા પનવેલ સ્ટેશનની ઈમારત કાર્યરત થઈ ગઈ છે, જ્યારે ચિખલે અને પોયંજે સ્ટેશનોની ઇમારતોનું કામ  પૂર્ણ થઈ ગયું છે. ચોક અને કર્જત ખાતે પ્લેટફોર્મ, શેડ, લિફ્ટ, એસ્કેલેટર અને અન્ય સુવિધાઓનું કામ પણ પુરજોશમાં શરૂ છે.  સિગ્નલિંગનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે સંબંધિત અન્ય રેલવે સિસ્ટમનું કામ ચાલુ છે. 

આ નવો માર્ગ શરૂ થવાથી પનવેલ અને કર્જત વચ્ચે વૈકલ્પિક ઉપનગરીય રેલવે જોડાણ ઉપલબ્ધ થશે. તે નવી મુંબઈ, કર્જત અને રાયગઢ વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી સુધારવામાં મદદરૂપ થશે અને મુસાફરોને વધુ સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે. જોકે, નિયમિત લોકલ સેવા શરૂ કરતાં પહેલાં બાકી રહેલી કામગીરી, ટેકનિકલ પરીક્ષણો અને રેલવે સુરક્ષા કમિશનર (સીઆરએસ)ની મંજૂરી આવશ્યક રહેશે.