Thu May 28 2026

Logo

પાલઘરના ખેડૂતને છેતરી બૅન્ક ખાતામાંથી 50 લાખ કઢાવી લીધા: ત્રણ સામે ગુનો

2026-05-28 18:52:52
Author: Yogesh C Patel
Article Image

પાલઘર: પાલઘર જિલ્લાના વાઢવણ બંદર પ્રોજેક્ટ માટે જમીન સામે વળતર પ્રાપ્ત કરનારા આદિવાસી ખેડૂતના બૅન્ક ખાતામાંથી 50.27 લાખ રૂપિયા કઢાવી લઈને કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દહાણુ તાલુકામાં રહેતા કિરણ પાંડુ પાલવાની ખેતીલાયક જમીન વાઢવણ બંદર માટે સરકારે સંપાદન કરી હતી. તેના વળતર પેટે પાલવાના બૅન્ક ખાતામાં 2,91,89,126 રૂપિયા જમા થયા હતા, એવું પાલઘર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ યતીશ દેશમુખે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ પાલવાની નિરક્ષરતા અને બેજવાબદારીપણાનો ત્રણ ગઠિયાએ લાભ ઉઠાવ્યો હતો. સરકારી વળતર વહેલું છૂટું કરાવી આપવા મદદરૂપ થવાને બહાને પાલવાને બોઈસરમાં આવેલી ખાનગી બૅન્કની શાખામાં લઈ જવાયો હતો.

બૅન્કમાં પહોંચ્યા પછી આરોપીઓએ ખેડૂતને છેતરીને અનેક દસ્તાવેજો અને ડિજિટલ મશીન પર તેની સહી અને અંગૂઠાનાં નિશાન લીધાં હતાં. ત્યાર બાદ પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ખેડૂતની બૅન્કિંગ વિગતો સાથે લિંક કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. પછી ખેડૂતની જાણબહાર તેના બૅન્ક ખાતામાં જમા થયેલી રકમમાંથી 50.27 લાખ રૂપિયા કઢાવી લીધા હતા, એવું દેશમુખે જણાવ્યું હતું.

છેતરપિંડીની જાણ થતાં જ ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે બુધવારે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્રણેય આરોપી સ્થાનિક રહેવાસી હોઈ પોલીસે તેમની વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

પોલીસે અપીલ કરી હતી કે ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોએ જમીન હસ્તાંતરણ અથવા કોઈ પણ સરકારી પ્રોજેક્ટ માટે અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખવો નહીં અને બૅન્ક ખાતાના મહત્ત્વના દસ્તાવેજો, અંગૂઠાનું નિશાન અથવા ઓટીપી કોઈને આપવા નહીં. (પીટીઆઈ)