Tue Aug 18 2026

Logo

આતંકી આકાશમાં હોય કે પાતાળમાં..છોડવાના નથી'; પહેલગામ હુમલા બાદ PMએ આપ્યા હતા કડક નિર્દેશ; ડોભાલનો ખુલાસો

2026-08-16 09:55:00
Author: Mumbai Samachar Team
Article Image

ઓપરેશન સિંદૂરને લઇને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન પહેલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ આતંકીઓના સફાયા લઇને કહ્યું હતું કે અમે તેમની પાછળ જમીન, આકાશ અને પાતાળ સુધી જઇશું અને તેમને છોડીશું નહીં.

પહલગામ હુમલો અને તાત્કાલિક બોલાવી બેઠક

22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ પીડિતોને તેમના ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા. આ હુમલાએ દેશની સહનશક્તિની મર્યાદાને વટાવી નાંખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે વિદેશ પ્રવાસે હતા. તેમણે પોતાનો પ્રવાસ અધવચ્ચે જ પડતો મૂકી એરપોર્ટ પર જ એક બેઠક કરી હતી. ડોભાલના જણાવ્યા અનુસાર, પીએમે પહેલાં બધી માહિતી લીધી. ત્યારબાદ તેમનો પહેલો પ્રશ્ન હતો કે આ કૃત્ય કોણે કર્યું છે.

ડોભાલે પીએમના શબ્દો યાદ કરતાં જણાવ્યું કે તેમણે કહ્યું હતું, “આપણે તેમની પાછળ જઈશું. જમીનમાં હોય, આકાશમાં હોય, પાતાળમાં હોય; તેઓ ગમે ત્યાં હોય, આપણે તેમને માફ નહીં કરીએ.”

ઓપરેશનની યોજના

ડોભાલે જણાવ્યું કે ગુપ્તચર એજન્સીઓએ ખૂબ જ સારું કામ કર્યું. ટૂંક સમયમાં જ અપરાધીઓની ઓળખ થઈ ગઈ અને સચોટ કાર્યવાહી કરવામાં આવી. 'ઓપરેશન સિંદૂર' 88 કલાક સુધી ચાલ્યું. શરૂઆતથી જ નક્કી હતું કે આ કાર્યવાહી પહેલગામ હુમલા સાથે જોડાયેલા આતંકીઓના અડ્ડાઓને નષ્ટ કરવા પર કેન્દ્રિત રહેશે. ભારતે મન બનાવી લીધું હતું કે જરૂર પડ્યે જેટલું આગળ જવું પડે તેટલું જઇશું. ડોભાલના શબ્દોમાં, “એકવાર શરૂ થઈ જાય તો સાર્વભૌમત્વ બચાવવા માટે જેટલું જરૂરી હોય, એટલું આપણે જઈશું. કોઈ સીમા નથી. આપણે લોહીના આખરી ટીપા સુધી લડીશું.” તેઓએ સ્પષ્ટ કહ્યું કે ભારતની સહનશીલતાને કમજોરી ન સમજવી જોઈએ.

આતંકવાદીઓનો પડકાર અને પાકિસ્તાનને સંદેશ

ડોભાલે યાદ અપાવ્યું કે પહેલગામના આતંકવાદીઓએ પીડિતોને કહ્યું હતું, “જઈને મોદીને કહી દો કે જે કરી શકે તે કરી લે.” ભારત ઈચ્છતું હતું કે પાકિસ્તાની સેનાને એ વાતનો અહેસાસ થાય કે આતંકવાદને સમર્થન આપવું અથવા આતંકવાદીઓ સામે પ્રભાવી કાર્યવાહી ન કરવી તે ભારત સહન કરશે નહીં. દુનિયાને પણ સ્પષ્ટ સંદેશ જવો જોઈએ કે ભારતની ઉદારતા કે સહનશીલતાને કમજોરી ન સમજવી જોઈએ.

ઓપરેશન સિંદૂરની વિશેષતા

ડોભાલે 'ઓપરેશન સિંદૂર'ને ભારતની વધતી ટેકનિકલ અને લશ્કરી ક્ષમતાઓનો પુરાવો ગણાવ્યો. આ કાર્યવાહી તે આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે કરવામાં આવી હતી, જે પહેલગામ હુમલા માટે જવાબદાર હતું.