Tue Aug 18 2026

Logo

‘વંદે માતરમ્’ વિવાદ: સોનિયાનો બચાવ થઈ શકે તેમ જ નથી

2026-08-18 09:29:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે  રાષ્ટ્રીય ગાન (નેશનલ સોંગ) ‘વંદે માતરમ્’ને દેશના સન્માનનું પ્રતીક બનાવીને તેના અપમાન કે અનાદર માટે ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરતું બિલ પસાર તો કરી દીધું પણ રાષ્ટ્રપતિની સહી નથી થઈ. રાષ્ટ્રપતિની સહી અને પછી ગેઝેટમાં નોટિફિકેશન એ બે બંધારણીય ઔપચારિકતા હજુ બાકી હોવાથી આ કાયદો અમલી બન્યો નથી પણ કાયદો અમલી બને એ પહેલાં સોનિયા ગાંધીએ વંદે માતરમ્નું અપમાન કર્યું હોવાનો બખેડો ઊભો થઈ ગયો છે. 

આખા દેશે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીને કૉંગ્રેસ મુખ્યાલયમાં પણ તેની ઉજવણી કરાઈ. ઉજવણીના કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ના ગાન સાથે થઈ પણ  આખું રાષ્ટ્રીય ગાન પૂરું થાય એ પહેલાં તેને રોકવાનો ઈશારો કર્યો તેમાં વિવાદ ખડો થઈ ગયો છે. ભાજપનું કહેવું છે કે, સોનિયા ગાંધી આખું વંદે માતરમ્ ગવાતાં ગુસ્સે થઈ ગયેલાં તેથી વચ્ચે જ વંદે માતરમ્ રોકવાનો ઈશારો કરીને વંદે માતરમ્નું અપમાન કરી દીધું. 

કૉંગ્રેસનું કહેવું છે કે, સોનિયાએ વંદે માતરમ્ રોકવા કહ્યું જ નહોતું પણ કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેથી ઊભા રહેવાતું નહોતું તેથી તેમના માટે ખુરશી લાવવા કહેલું પણ ભાજપે વાતનું વતેસર કરીને વંદે માતરમ્ના અપમાનનો બખેડો ઊભો કરી દીધો. કૉંગ્રેસનું કહેવું છે કે, નીટ પેપર લીકનો વિવાદ શમ્યો નથી ત્યાં યુજીસી-નેટનાં પેપર ફૂટી ગયાં એટલે દેશના યુવાઓમાં ભયંકર આક્રોશ છે. આ આક્રોશના કારણે નવું જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે તેથી ડરેલો ભાજપ લોકોનું ધ્યાન બીજે વાળવા માટે સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમ્ના અપમાનનું જૂઠાણું ચલાવી રહ્યો છે. 

કૉંગ્રેસ અને ભાજપમાંથી કોણ સાચું બોલે છે એ ખબર નથી પણ આ મુદ્દો રાજકીય રીતે ગરમ થઈ ગયો છે. ભાજપે સોનિયાની હરકતને રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’નું અપમાન ગણાવીને દેશભરમાં દેખાવો શરૂ કરી દીધા છે ને નેતાઓ સોનિયાની ઝાટકણી કાઢતાં નિવેદનો ફટકારવા માંડ્યાં છે. ભાજપે એલાન કર્યું છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ વંદે માતરમ્ના અપમાન બદલ દેશની જનતાની માફી માગવી જોઈએ અને બંને  માફી ન માગે ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે. સામે કૉંગ્રેસ પણ સોનિયાનો બચાવ કરવા માટે ઊતરી પડી છે તેથી રાજકીય ગરમીનો માહોલ પેદા થઈ ગયો છે. 

કૉંગ્રેસ મુખ્યાલયમાં ઉજવણીના વીડિયોમાં સોનિયા ‘વંદે માતરમ્’ના ગાન વખતે ઈશારો કરતાં સ્પષ્ટ દેખાય છે. સોનિયાએ બે અંતરા ગવાયા પછી ઈશારો કરીને ગાન રોકવા કહેલું એવો ભાજપનો આક્ષેપ સાચો છે કે નહીં એ પણ ખબર નથી કેમ કે વાઇરલ વીડિયોમાં  સોનિયા ત્રણ અંતરા પૂરા થયા પછી ઈશારો કરતાં દેખાય છે. સોનિયાએ બે અંતરા પત્યા પછી ઈશારો કર્યો હોય પણ કેમેરા તેમના તરફ નહોતો તેથી ધ્યાન ના ગયું હોય એ શક્ય છે પણ બે અંતરા કે ત્રણ અંતરા એ મુદ્દો જ નથી. સોનિયા વંદે માતરમ્ સંપૂર્ણ ગવાયું નહોતું એ પહેલાં ઈશારો કરે છે એ સ્પષ્ટ છે.  

સોનિયા, ખડગે અને બીજા નેતાઓને પણ કંઈક કહે છે પણ શું કહે છે એ સંભળાતું નથી. આ કારણે સોનિયાએ ખરેખર આખું વંદે માતરમ્ ગાવા સામે વાંધો લઈને તેને રોકી દેવા કહેલું કે કેમ એ કહેવું મુશ્કેલ છે પણ સોનિયા વચ્ચે ઈશારો કરે છે ને થોડીક સેક્ધડો સુધી ઉગ્રતાથી કંઈક કહે છે એ સ્પષ્ટ દેખાય છે. માનો કે, સોનિયાએ વંદે માતરમ્નું ગાન રોકવા નહીં પણ ખડગે માટે ખુરશી લાવવા કહ્યું હોય તો પણ આ હરકત યોગ્ય નથી. 

‘વંદે માતરમ્’ આખું ગાવાનો સમય ત્રણ મિનિટ અને 10 સેક્ધડ નક્કી કરાયો છે ને અડધાથી વધારે વંદે માતરમ્ ગવાઈ ગયેલું એ જોતાં ખડગેએ બીજી માંડ દોઢ મિનિટ ઊભા રહેવાનું હતું. આ દોઢ મહિનામાં એ કંઈ પડી જવાના નહોતા એ જોતાં સોનિયાએ વંદે માતરમ્ના ગાનની વચ્ચે કશું કરવાની જરૂર જ નહોતી એ જોતાં તેમણે માફી માગવી જ જોઈએ. 

ખરેખર ખડગેની ચિંતા થઈ હોય એ શક્ય છે કેમ કે ખડગે 84 વર્ષના વયોવૃદ્ધ છે. અથવા ભેરવાઈ ગયાં હોય એટલે ખડગે માટે ખુરશીનો લૂલા બચાવ રજૂ કરી દીધો હોય એ પણ શક્ય છે. બંને સંજોગોમાં સોનિયા ગાંધીએ આખું વંદે માતરમ્ ગવાય એ પહેલાં વિઘ્ન ઊભું કરી જ દીધું છે. 

સોનિયા રાષ્ટ્રીય કક્ષાનાં નેતા છે, 20 વર્ષથી વધારે સમય કૉંગ્રેસનાં પ્રમુખ રહ્યાં છે એ જોતાં તેમનામાં એટલી વિવેકબુદ્ધિ હોવી જ જોઈએ કે, હમણાં જ વંદે માતરમ્ના અપમાન બદલ સજાનો કાયદો બન્યો છે એ જોતાં સતર્કતા બતાવવી જોઈએ. સોનિયા આ વિવેકબુદ્ધિ ના બતાવી શક્યાં એટલે હવે તેમણે માફી માગીને વાતને વાળી લેવી જોઈએ ને મોટપ બતાવવી જોઈએ. 

આ મુદ્દે કાનૂની રીતે કશું થઈ શકે તેમ નથી કેમ કે હજુ કાયદો બન્યો નથી. આ જ કારણે આ ઘટના નવી દિલ્લીમાં બની છે છતાં દિલ્હી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી પણ બેંગ્લૂરુ અને મેંગલોરમાં  સોનિયા ગાંધી સામે વંદે માતરમના અપમાન બદલ એફઆઈઆર નોંધવા અરજી કરાઈ છે. 

બેંગલૂરુમાં ભાજપ યુવા મોરચાએ મલ્લેશ્વરમમાં અને મેંગલૂરુમાં ભાજપના નેતાઓએ ઉર્વા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પણ પોલીસે હજુ એફઆઈઆર નોંધયો નથી. એફઆઈઆર નોંધાય એવી શક્યતા પણ નથી કેમ કે કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે. કૉંગ્રેસ માટે સોનિયા ગાંધી માઈ-બાપ છે તેથી કૉંગ્રેસ શાસિત રાજ્યમાં સોનિયા ગાંધી સામે એફઆઈઆર નોંધાય એ વાતમાં માલ નથી પણ ભાજપને તેનાથી ફરક પડતો નથી. 

ભાજપ માટે ‘વંદે માતરમ્’ એક રાજકીય મુદ્દો છે તેથી ભાજપ તેનો રાજકીય ફાયદો લેવા માટે પ્રયત્ન કરવાનો જ. ભાજપ રાજકીય પક્ષ ચલાવે છે, ભજન મંડળી ચલાવતો નથી એટલે આ રાજકીય મુદ્દાને ચગાવે તેમાં કશું ખોટું નથી. કૉંગ્રેસે સતર્ક રહેવું જોઈએ ને ભાજપને રાજકીય ફાયદો લેવાની તક મળે એવું કશું ના કરવું જોઈએ પણ સોનિયાએ એ તક આપી છે તો હવે માફી માગવામાં પણ સંકોચ ના જ થવો જોઈએ. 

કૉંગ્રેસે વંદે માતરમ્ મુદ્દે મુસ્લિમ તુષ્ટિકરણ કરેલું ને ‘વંદે માતરમ્’માં મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખ ધરાવતા અંતરા મુસ્લિમોને ખરાબ લાગશે એ ડરે કાઢી નાખ્યા હતા. 1937માં મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણી કરાઈ રહી હતી. ફૈઝપુરના ત્યારે કૉંગ્રેસ અધિવેશનમાં જવાહરલાલ નહેરુએ હિંદુ દેવીઓના કારણે મુસ્લિમો વંદે માતરમ નહીં ગાય એવો ડર વ્યક્ત કરેલો. 

કૉંગ્રેસે આ ડરને સ્વીકારીને બે અંતરા જ રાષ્ટ્રગીત તરીકે માન્ય રાખ્યા ને આઝાદી પછી વંદે માતરમ્ને રાષ્ટ્ગીત ના બનવા દીધું. રાષ્ટ્રીય ગાન તરીકે માન્યતા આપી તો પણ બે અંતરા સાથેના ગીતને જ માન્યતા આપી એ જોતાં કૉંગ્રેસ પણ રાજકારણ રમી જ છે તેથી ભાજપને પણ વંદે માતરમ્ પર રાજકારણ રમવાનો પૂરો અધિકાર છે.