Mon Jun 08 2026

Logo

મુંબઈ સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટ યોજના અંગે વિપક્ષ, ભાજપના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી

2026-03-11 14:56:00
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિપક્ષ તેમજ શાસક ભાજપના વિધાનસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં પ્રસ્તાવિત 295 એકરના મુંબઈ સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરી હતી, આયોજન પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે તે શહેરની ખુલ્લી જગ્યાઓને અસર કરી શકે છે. બીજી તરફ ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા, રાજ્યના પ્રધાન ઉદય સામંતે સભ્યોને ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ હેઠળ ખુલ્લી જગ્યાનું કોઈ વ્યાપારીકરણ થશે નહીં.

મુંબઈના તમામ વિધાનસભ્યો સમક્ષ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને તેમની પાસેથી લેખિત સૂચનો મંગાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું અને જાહેરાત કરી હતી કે નગર વિકાસ ખાતાના પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં આ સંદર્ભમાં એક બેઠક બોલાવવામાં આવશે.

આ મુદ્દો ઉઠાવતા, શિવસેના (યુબીટી)ના સભ્ય સચિન આહિરે જણાવ્યું હતું કે 100થી વધુ આર્કિટેક્ટ અને પ્લાનર્સે મુંબઈ સેન્ટ્રલ પાર્ક પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તે શહેરની ખુલ્લી જગ્યાઓ અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરશે.

જો સેન્ટ્રલ પાર્કના નામે કોંક્રિટ માળખાં બનાવવામાં આવશે, તો તે પાણીના નિકાલની પ્રક્રિયાને અસર કરશે. આપણે નિષ્ણાતોનું સાંભળવું જોઈએ અને આ વિસ્તારમાં કોઈ વ્યાપારી વિકાસ થવો જોઈએ નહીં, એમ આહિરે કહ્યું હતું.

તેમણે યોજના હેઠળ નવા હેલિપેડના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો અને સરકારને હાલની સુવિધાનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. શિવસેના (યુબીટી)ના સભ્ય અનિલ પરબે પણ સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટ માટે પારદર્શક આયોજન પ્રક્રિયાની હાકલ કરી.

શહેરી વિકાસ વિભાગ વતી જવાબ આપતા, સામંતે જણાવ્યું હતું કે સેન્ટ્રલ પાર્કનો વિકાસ કુલ 8,55,198 ચોરસ મીટરના પ્રસ્તાવિત વિસ્તારમાં કરવામાં આવશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે યુકે અને યુએસના મુખ્ય ઉદ્યાનોની જેમ ડિઝાઇન કરવામાં આવશે.

રાજ્ય સરકાર કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)નો આ પ્રોજેક્ટમાં ખુલ્લી જગ્યાનું વ્યાપારીકરણ કરવાનો કોઈ ઈરાદો નથી. સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટમાં ખુલ્લી જગ્યાનું કોઈ વ્યાપારીકરણ થશે નહીં, એમ સામંતે કહ્યું હતું. તેમણે કહ્યું કે પાર્કની અંદર રમતગમત સંકુલ અંગેની યોજના હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને સરકાર સૂચનો માટે તૈયાર છે.

કોંગ્રેસના નેતા સતેજ પાટીલે આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આ પત્ર એક સંગઠન દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તેથી તમામ 102 વ્યક્તિઓની વ્યક્તિગત સહીઓ જરૂરી નથી.

‘સેન્ટ્રલ પાર્કના નામે, દરિયા કિનારાના એક કિલોમીટરની અંદર ભૂગર્ભ સુવિધાઓ બનાવવાનો પ્રસ્તાવ છે. આના પર્યાવરણીય પરિણામો પ્રતિકૂળ હોઈ શકે છે. આ ખુલ્લી જગ્યાઓ મુંબઈના ફેફસાં છે અને વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે તેનું રક્ષણ કરવું જોઈએ,’ એમ પાટીલે કહ્યું હતું.

સામંતે વધુમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત હેલિપેડ રેમન્ડ લિમિટેડ એવિએશન ડિવિઝન દ્વારા કોસ્ટલ રોડ જેટી સુવિધા ખાતે જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે અને ટઈંઙ મુવમેન્ટ ઉપરાંત, તે તબીબી અને અન્ય કટોકટીમાં જાહેર ઉપયોગ માટે પણ ઉપલબ્ધ રહેશે, જ્યારે બીએમસી માટે આવક ઊભી કરશે.