રાજનીતિ આરામ નહીં પણ તપસ્યા છે: પાટનગરમાં નીતિન નબીનનું પ્રેરક સંબોધન
ગાંધીનગરઃ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીન પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાતના મહેમાન બનેલા નીતિન નબીનનું પાટણના પટોળાના ખેસથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું, ત્યાર બાદ એરપોર્ટ નજીક ઝંડા સર્કલ પાસેના મેદાનમાં નીતિન નબીને કાર્યકર્તાઓને સંબોધન કરીને 2027 અને 2029ની ચૂંટણી માટે તૈયાર રહેવાનું આવહાન કર્યું હતું તેમ જ 'પાર્ટ ટાઈમ પોલિટિશિયન'થી સાવધ રહેવા સૂચના આપી હતી.
आज गुजरात प्रदेश भाजपा के लिए गौरव और आनंद का अवसर है।
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 20, 2026
विश्व की सबसे बड़ी लोकतांत्रिक राजनीतिक पार्टी के सबसे युवा वय के राष्ट्रीय अध्यक्ष का कार्यभार संभालने के बाद आदरणीय श्री नितिन नवीन जी पहली बार गुजरात पधारे हैं, तब पार्टी के सभी कर्मठ साथियों के साथ मिलकर उनका गुजरात में… pic.twitter.com/xdGodyRHH1
રાજનીતિ આરામ નહીં તપસ્યા છે
તેમણે કહ્યું કે, ભાજપનું નેતૃત્વ પરંપરાથી ચાલે છે, અનુભવથી સમૃદ્ધ થાય છે અને રાષ્ટ્રસેવાના ભાવથી આગળ વધે છે. ભાજપ એવો રાજકીય પક્ષ છે જ્યાં રાજનીતિ સત્તા નહીં સાધના છે. રાજનીતિ ભોગ નહીં ત્યાગ છે. રાજનીતિ આરામ નહીં તપસ્યા છે, રાજનીતિ કોઈ પદભાર નહીં ઉત્તરદાયિત્વ છે.
નીતિન નબીને કહ્યું, આજે મને ગુજરાતની ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે આત્મીયતાથી ગુજરાત સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે, ગુજરાતની ધરતીના સંતાનો આજે સમગ્ર દેશ અને વિશ્વને નેતૃત્વ આપી રહ્યા છે, હું તે ધરતીને વંદન કરું છું.
જેમણે દેશને અહિંસાનો વિચાર આપ્યો, જેના બળ પર ભારતે વિશ્વમાં અલગ ઓળખ ઉભી કરી તે મહાત્મા ગાંધીના આ ધરતી છે. સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભારતમાં વિલીન કર્યા તેના માટે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. દેશની સંસ્કૃતિ અને વારસાને આગળ વધારનારા અનેક મહાપુરુષો ગુજરાતે આપ્યા છે. આજે 21મી સદીનું ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, તેનો શ્રેય ગુજરાતના સુપુત્ર પીએમ નરેન્દ્ર મોદીને જાય છે. હું આજે આવી ગુજરાતની ધરતીને નમન કરું છું.
ભાજપના કાર્યકર્તા 2027 અને 2029 માટે તૈયાર રહે
આ ઉપરાંત તેમણે કહ્યું, ભાજપના કાર્યકર્તા 2027 અને 2029 માટે તૈયાર થઈ જાવ. અનેક એવી તાકાતો છે જે ફરીથી માથું ઊંચું કરી રહી છે. તેમને દેશની સુરક્ષા, આમ આદમી સાથે મતલબ નથી. તેઓ માત્ર તેમના માટે જીવે છે.
આપણે ભાજપના કાર્યકર્તા ફૂલ ટાઈમ પોલિટિશિયન છીએ. અમે સતત દેશમાં જનતાની વચ્ચે રહીને કામ કરીએ છીએ. ચૂંટણી આવતાં જ કેટલાક પાર્ટ ટાઈમ પોલિટિશિયન આવશે. પરંતુ આ પહેલા લોકો સાથે આપણે એવો સંબંધ સ્થાપી દઈએ કે આ પાર્ટ ટાઈમ પોલિટિશયન માટે કોઈ જગ્યા ન બચે તેવી હું તમને વિનંતી કરું છું.
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે કહ્યું, નીતિન નબીન એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. તેમનો બહોળો અનુભવ, કાર્ય કુશળતા, નિષ્ઠા અને પક્ષની વિચારધારાને સમર્પિત કાર્ય પદ્ધતિ આપણને સૌને હંમેશાં પ્રેરણા આપશે.