Thu Apr 30 2026

Logo

ભાજપ વિશ્વ કલ્યાણની ભારતીય પરંપરામાં માને છે, મુસ્લિમો, અન્ય લઘુમતીઓ વિરુદ્ધ નથી: ગડકરી

2026-04-06 20:05:49
Author: Vipul Vaidya
Article Image

નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે ભાજપ મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ છે તે દાવો સંપૂર્ણપણે ખોટો છે અને પાર્ટી ભારતીય પરંપરા અને વિશ્ર્વ કલ્યાણની પરંપરાઓમાં વિશ્ર્વાસ રાખે છે. અહીં પાર્ટીના કાર્યકરોને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે ભાજપ ન તો જાતિવાદી છે કે ન તો સાંપ્રદાયિક, તેમણે ઉમેર્યું કે વિરોધીઓ છેલ્લા ઘણા દાયકાઓથી તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

‘ભાજપ કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી. અમારી પાર્ટી માને છે કે લોકોની પૂજા કરવાની અલગ અલગ રીતો હોઈ શકે છે અને દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. પૂજા કરવાની અલગ અલગ રીતો હોવા છતાં, આપણે બધા ભારતીય છીએ. આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો એક છે,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. 

તેમણે કહ્યું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી કે ભાજપ એક ચોક્કસ જાતિનો પક્ષ હતો, અને તે મહાત્મા ગાંધીની હત્યા કરનારાઓ સાથે જોડાયેલો હતો.ગડકરીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા પટકથા લેખક-કવિ જાવેદ અખ્તરને આપેલા ઇન્ટરવ્યુને યાદ કર્યો જેમાં ભારત રત્ન પુરસ્કાર વિજેતાને પૂછવામાં આવ્યું હતું કે જો ભાજપ ભારતમાં સત્તામાં આવશે તો શું ધર્મનિરપેક્ષતા જોખમમાં આવશે.

‘વાજપેયીજીએ જવાબ આપ્યો કે ભારત ધર્મનિરપેક્ષ છે અને હંમેશા ધર્મનિરપેક્ષ રહેશે. તેમણે કહ્યું કે તે ભાજપ-આરએસએસના કારણે નહીં પરંતુ બહુમતી હિન્દુ સમુદાયની સંસ્કૃતિ, ઇતિહાસ અને સમાવેશકતાને કારણે છે,’ એમ ગડકરીએ સભાને કહ્યું હતું. ‘રાષ્ટ્રિયત્વ, ભારતીયત્વ એ હિન્દુત્વ છે. હિન્દુ એ જાતિ, સંપ્રદાય કે ધર્મ નથી. તે જીવન જીવવાની એક રીત છે, જે સમાવેશી છે. ધર્મનિરપેક્ષતાનો વાસ્તવિક અર્થ ‘સર્વધર્મ સમભાવ’ છે, જેનો અર્થ એ છે કે બધા ધર્મો અને વિચારધારાઓનું સન્માન કરવું જોઈએ. ભાજપ મુસ્લિમો અથવા અન્ય લઘુમતીઓ વિરુદ્ધ છે તે આરોપ સંપૂર્ણપણે ખોટો છે. ભાજપ ભારતીય પરંપરા અને વિશ્ર્વ કલ્યાણની ભાવનામાં માને છે,’ એમ ગડકરીએ કહ્યું હતું. 

કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ભાજપ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને સ્વચ્છ પાણી, સારા રસ્તા, રોજગાર, ભૂખમરાથી મુક્તિ અને નાગરિકો માટે સારું જીવનધોરણ ઇચ્છે છે.‘ભાજપે તેની સ્થાપનાથી જ ઘણું કામ કર્યું છે અને ભારતને મહાસત્તા બનાવવા માટે ‘કાર્યકર્તા સે નેતૃત્વ’ ના ભાગ રૂપે કાર્યકરોમાંથી નેતૃત્વ નિર્માણ માટે સમર્થન આપ્યું છે. પદ કામચલાઉ છે અને તેના પર કબજો કરતી વખતે વ્યક્તિએ નમ્ર રહેવું જોઈએ. તે ગમે ત્યારે જઈ શકે છે, પરંતુ ભાજપ કાર્યકર્તાનું પદ કાયમી છે,’ એમ તેમણે ઉમેર્યું હતું. 

ગડકરીએ ઈરાનના ચાબહાર બંદર પર કામ ચાલી રહ્યું હતું ત્યારે કેન્દ્રીય શિપિંગ પ્રધાન તરીકેની તેમની મુલાકાતને પણ યાદ કરતાં જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન, ખામેનીએ તેમને ફારસી ભાષાનું મૂળ પૂછ્યું હતું અને જ્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને ખબર નથી, ત્યારે ખામેનીએ કહ્યું કે ફારસી સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે, એમ ગડકરીએ ઉમેર્યું હતું. ખામેનીએ તેમને એમ પણ કહ્યું કે તેમના પૂર્વજો લખનૌ નજીકના એક ગામના હતા, એમ ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેર્યું હતું.