Mon Jun 08 2026

Logo

મ્યુઝિકલ કૉન્સર્ટમાં ડ્રગ્સ: બૅન્ગકોકથી આવેલો સૂત્રધાર ઍરપોર્ટ પર પકડાયો

2026-05-01 19:40:46
Author: યોગેશ સી પટેલ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં નેસ્કો સેન્ટરના હૉલ નંબર-પાંચમાં આયોજિત મ્યુઝિકલ કૉન્સર્ટમાં બે વિદ્યાર્થીનાં મોતના કેસની તપાસ કરનારી વનરાઈ પોલીસે બૅન્ગકોકથી આવેલા ડ્રગ્સ સપ્લાય ચેઈનના કથિત સૂત્રધારને ઍરપોર્ટ પર પકડી પાડ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલી કથિત ઍક્ટ્રેસ જિયા જેકબના બૅન્ક ખાતામાં જમા થયેલી રકમ અંગેની માહિતી ઍરપોર્ટ પર પકડાયેલા આરોપીની પૂછપરછમાં સ્પષ્ટ થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

વનરાઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મહેશ હીરા ખેમલાની ઉર્ફે માર્ક (44) તરીકે થઈ હતી. કોર્ટે 6 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ નેસ્કો સેન્ટરમાં મ્યુઝિકલ કૉન્સર્ટમાં ડ્રગ્સના કેસની તપાસમાં ખેમલાનીનું નામ સામે આવ્યું હતું. ઘટના બાદથી ખેમલાની ગુમ હતો. બે વિદ્યાર્થીનાં મોત પ્રકરણે હોબાળો મચતાં ખેમલાની બૅન્ગકોક જતો રહ્યો હોવાનું કહેવાય છે. પોલીસે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર પણ જારી કર્યું હતું.

દરમિયાન ખેમલાની ગુરુવારની મોડી રાતે બૅન્ગકોકથી ફ્લાઈટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. ઍરપોર્ટ પર તાબામાં લેવાયેલા આરોપીને પોલીસ સ્ટેશને લવાયો હતો. પ્રાથમિક પૂછપરછ પછી શુક્રવારની સવારે ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. ઉલ્હાસનગરનો વતની ખેમલાની છેલ્લા કેટલાક સમયથી જિયા જેકબ સાથે મીરા રોડમાં રહેતો હતો.

દરમિયાન ખેમલાનીની સાથી જિયાને ગુરુવારે કોર્ટે 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી આપી હતી. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા બધા આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે. જિયા જેકબના બૅન્ક ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 14.95 લાખ રૂપિયા જમા થયા હતા, જે ડ્રગ્સ સંબંધી રકમ હોવાનું પોલીસનું માનવું છે. આ રકમ અંગે જિયા કોઈ સ્પષ્ટ ખુલાસો કરતી નહોતી અને પૂછપરછમાં પણ સહકાર આપતી નહોતી, એવું પોલીસનું કહેવું છે.

કહેવાય છે કે જિયાના જે બૅન્ક ખાતામાં નાણાં જમા થયાં હતાં તે ખાતું ખેમલાની ઑપરેટ કરતો હતો, એવો દાવો જિયાએ પૂછપરછમાં કર્યો હતો. પરિણામે ખેમલાનીના પકડાવાથી હવે એ રૂપિયા અંગે ખુલાસો થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી.