Tue Oct 20 2026

Logo

નેરુલમાં હોટેલના પરિસરમાં પાર્કિંગને મુદ્દે થયેલો ઝઘડો હિંસામાં પરિણમ્યો

2026-09-13 20:00:59
Author: Yogesh D. Patel
નેરુલમાં હોટેલના પરિસરમાં પાર્કિંગને મુદ્દે થયેલો ઝઘડો હિંસામાં પરિણમ્યો

હુમલો કર્યા બાદ યુવકને કાર નીચે કચડી મારી નાખ્યો

થાણે: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં હોટેલના પરિસરમાં પાર્કિંગને મુદ્દે થયેલો ઝઘડો હિંસામાં પરિણમ્યો હતો, જેમાં યુવક પર હુમલો કર્યા બાદ તેને કાર નીચે કચડીને મારી નાખવામાં આવ્યો હતો. નેરુલ પોલીસે આ પ્રકરણે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની શોધ આદરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

નેરુલમાં શિરવણે ખાતે મિનિમહલ હોટેલ નજીક શનિવારે સવારે સાતથી આઠ વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. 

હોટેલના પરિસરમાં પાર્કિંગને મુદ્દે ઝઘડો થયા બાદ આરોપીઓએ રંજિતસિંહ દલજીતસિંહ શેરગીલ અને સુજલ ખેડકર પર હુમલો કર્યો હતો. એક આરોપીએ હોકી સ્ટિકથી બંને પર હુમલો કરી તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી. બાદમાં બીજા આરોેપીએ કાર રિવર્સ લઇને રંજિતસિંહ અને સુજલ પર બે વાર ચડાવી દીધી હતી. બાદમાંં આરોપીઓ કારમાં ફરાર થઇ ગયા હતા.

ઘવાયેલા બંને જણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રંજિતસિંહનું મૃત્યુ થયું હતું, જ્યારે ખેડકરની હાલત નાજુક છે.

દરમિયાન બનાવની જાણ થતાં નેરુલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને પંચનામું કર્યા બાદ તપાસ આદરી હતી. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધ ચલાવવામાં આવી રહી છે. જોકે હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ
અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)