Wed Apr 22 2026

Logo

સમીર વાનખેડે સામેની તપાસ ફરિયાદોને આધારે કરાઇ, નવાબ મલિકના કહેવાથી નહીં: એનસીબી

2026-04-07 17:59:40
Author: યોગેશ ડી. પટેલ
Article Image

મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કથિત ગેરરીતિની તપાસ ‘નનામી ફરિયાદો’ને આધારે શરૂ કરાઇ હતી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા નવાબ મલિકના કહેવાથી નહીં, એવી સ્પષ્ટતા એનસીબી દ્વારા મંગળવારે મુંબઈ હાઇ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (સાઉથ વેસ્ટ રિજન) વિશાલ સાનપ દ્વારા દાખલ કરાયેલા સોગંધનામામાં દાવો કરવામાં આવ્યો છે કે 2008ની બેચના આઇઆરએસ અધિકારી વાનખેડે વિરુદ્ધ તપાસ બે ચોક્કસ નનામી ફરિયાદ પર આધારિત હતી. 

વાનખેડેના ભૂતકાળના કેસોમાં ગેરરીતિની તપાસ કરવાની અમારી ફરજ હતી. મલિકે તપાસ માટે કોઇ સંદેશ આપ્યો નહોતો. મલિકે કોઇ ફરિરયાદ નોંધાવી નહોતી કે તપાસ માટે કોઇ સંદેશ આપ્યો નહોતો, એમ સોગંધનામામાં જણાવાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વાનખેડેએ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સહિત પોતે હાથ ધરેલી ડ્રગ્સ કેસોની તપાસને હાઇ કોર્ટમાં અરજી થકી પડકારવામાં આવી છે.

વાનખેડેએ પોતાના વકીલ રાજીવ ચવાણ થકી કોર્ટમાં દાખલ કરેલા સોગંધનામામાં દાવો કરાયો છે કે 2021માં ડ્રગ્સ-ઑન-ક્રૂઝ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ પોતે ઘણા બધા કેસનો સામનો કરી રહ્યા છે અને ભૂતપૂર્વ પ્રધાન મલિકના જમાઇ સમીર ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ મલિક મારી વિરુદ્ધ વેરવૃત્તિ ધરાવતા હતા.

એનસીબીએ મંગળવારે જસ્ટિસ એ.એસ. ગડકરી અને કમલ ખાટાને જણાવ્યું હતું કે બે ફરિયાદમાં સમાવિષ્ટ આરોપોની તપાસ અને ખરાઇ કરવાની પોતાની ફરજ અને અધિકાર છે. તપાસ ખરાઇના તબક્કામાં છે અને વાનખેડે 2024થી અરજીઓ તેમ જ અન્ય કાનૂની કાર્યવાહીઓ થતી પ્રક્રિયા વિલંબમાં મૂકી રહ્યા છે. વાનખેડેને ન્યાયી તક મળે તે માટે પૂછપરછ કરવા બોલાવવામાં આવ્યા હતા. વાનખેડેના વકીલે સોગંધનામાનું પરીક્ષણ કરવા કોર્ટ પાસે સમય માગ્યો છે, જેથી સુનાવણી કોર્ટે બે સપ્તાહ મોકૂફ રાખી છે. (પીટીઆઇ)