નવસારીઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યાં સુધીમાં 87 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે આ સાથે છેલ્લા 24 કલાકમાં 106 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદના કારણે વડોદરા, સુરત અને ભરૂચના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના કારણે ખાસ કરીને નવસારી જિલ્લામાંથી માઠા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. નવસારી જિલ્લમાં કરંટ લાગતા ત્રણ લોકોના મોત થયાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
ત્રણ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થઈ
વિગતે વાત કરવામાં આવે તો, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ગણદેવા ગામ નજીક આ બનાવ બન્યો છે. એક ટેમ્પો વીજળીના તાર સાથે અથડાતા ટેમ્પોમાં બેઠેલા ત્રણ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે નજીકની ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એક દર્દીના હાલત વધારે ખરાબ હોવાથી તેને સુરત રિફર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગણદેવી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
તંત્ર દ્વારા નદીઓની જળસપાટી પર બાજ નજર
નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદી, કાવેરી નદી અને અંબિકા નદી હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે, જેથી તંત્ર દ્વારા જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદની વાત કરવામાં આવે તો, નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેથી સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગણદેવીના વાડી તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને સુરક્ષિત ક્ષેત્રમાં લઈ જવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.