Sun Jun 21 2026

Logo

ખુશખબરઃ નવી મુંબઈ એરપોર્ટથી શરૂ થશે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, બુકિંગ શરુ

2026-06-21 20:50:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે. પ્રવાસીઓની સગવડ અને તેમને વધુ વિકલ્પો ઉપલબ્ધ થઇ શકે તેના માટે એર ઇન્ડિયા એક્સપ્રેસે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અબુ ધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરુ કરવામાં આવશે, જ્યારે તેના માટે બુકિંગ શરૂ કરી દીધું છે. 

એર ઇન્ડિયા એક્સપ્રેસના જણાવ્યા મુજબ, પ્રવાસીઓ કંપનીની વેબસાઈટ, મોબાઈલ એપ અને અન્ય મુખ્ય બુકિંગ પ્લેટફોર્મથી નવી મુંબઈ અને અબુ ધાબી વચ્ચે મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકે છે. એર ઇન્ડિયન એક્સપ્રેસે કહ્યું હતું કે નવી મુંબઈ અને અબુ ધાબી વચ્ચે આગામી મહિનાની 15 જુલાઈથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે. 

આ નવી ફ્લાઇટ સેવાના આરંભ પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ મહારાષ્ટ્રના નવા નવી મુંબઈ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરનાર પ્રથમ એર લાઈન કંપની બનશે. એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં કહ્યું હતું કે નવી ફ્લાઈટ સેવા મુંબઈ મહાનગર ક્ષેત્રના પ્રવાસીઓને સંયુક્ત આરબ અમીરાત માટે બીજી એર કનેક્ટિવિટી રૂટ ઉપલબ્ધ કરાવશે. આ સેવાથી પ્રવાસીઓને મુસાફરીની સુવિધા અને વિકલ્પોમાં વધુ સારી થવાની આશા છે. 

એર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે 15 જુલાઈથી શરૂ થનારી આ નવી સેવા અંતર્ગત શરૂઆતમાં દર અઠવાડિયે બે ફ્લાઈટસ સામેલ થશે. 29 જુલાઈથી આ સંખ્યા વધારીને ત્રણ કરવામાં આવશે. આ નવી સેવાથી જોડાયા બાદ નવી મુંબઈથી એર ઇન્ડિયા કુલ 30 વીકલી ફ્લાઈટ્સ શરૂ કરશે, જે અબુ ધાબી, બેંગલોર અને દિલ્હીને ડાયરેક્ટ જોડશે. 

એરલાઇન કંપનીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં તેમના ઓપરેશન્સ સતત વધી રહ્યા છે. હાલમાં તેઓ મુંબઈથી 95થી વધારે વીકલી, પુણેથી 100 થી વધારે વીકલી અને નાગપુરથી 14 વીકલી ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહ્યા છે. 

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ના સીઈઓ એ જણાવ્યું હતું કે, નવી મુંબઈ એરપોર્ટથી 15 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ થવાની સંભાવના છે. સીઇઓના કહ્યા મુજબ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. 

આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે 15 જુલાઈથી કાર્ગો પ્લેન્સનું ઓપરેશન પણ શરૂ થઈ જશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગયા વર્ષે 25 ડિસેમ્બરે કમર્શિયલ ફ્લાઈટ્સ ઓપરેશનની શરૂઆત થઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબર, 2025 એ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.