રૅપના ત્રીજા કેસમાં ખરાતને પાંચ દિવસની કસ્ટડી: ખરાતે ગુનો કબૂલ્યો ન હોવાનો વકીલનો દાવો
નાશિક: મહિલા સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતની હવે બળાત્કારના ત્રીજા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં બંધ ખરાતને સાત મહિનાની સગર્ભા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. જોકે ખરાતના વકીલે કોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો હતો કે પોલીસ પૂછપરછમાં ખરાતે ગુનો કબૂલ્યો નથી.
ગયા મહિને ધરપકડ કરવામાં આવેલા સ્વઘોષિત જ્યોતીષી અશોક ખરાતને અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. જોકે આ કેસની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ ગુરુવારે ખરાતની ત્રીજા કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં ખરાત પર તેની જ ઑફિસના કર્મચારીની ગર્ભવતી પત્ની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે.રૅપના બીજા કેસમાં ખરાતની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી કોર્ટે બુધવારે તેને 21 એપ્રિલ સુધીની ન્યાયિક કસ્ટડી સંભળાવી હતી. પરિણામે ખરાતને નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો હતો. જોકે બીજા કેસની સુનાવણી દરમિયાન જ એસઆઈટીએ જાતીય સતામણીના ત્રીજા કેસમાં ખરાતની પોલીસ કસ્ટડીની અરજી કરી હતી.
કોર્ટે અરજી માન્ય રાખતા એસઆઈટીની ટીમે નાશિક જેલમાંથી ખરાતને કસ્ટડીમાં લીધો હતો અને વીડિયો કોન્ફરન્સિંગથી ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એન. ઈચપુરાની સમક્ષ હાજર કર્યો હતો. કોર્ટે 13 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો હતો. સુરક્ષાનાં કારણોસર ખરાતને કોર્ટમાં લાવવામાં આવતો નથી.ખરાતને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાની માગણી સરકારી વકીલ શૈલેન્દ્ર બાગડેએ કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે દુષ્કર્મના ત્રીજા કેસમાં વધુ તપાસની જરૂર હોવાથી કસ્ટડીમાં ખરાતની પૂછપરછ કરવી પડશે.
બાગડેએ જણાવ્યું હતું કે જ્યોતીષીએ સ્વસ્થ સંતાનના જન્મ માટે વિધિ કરવાને બહાને સાત મહિનાની ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. ગ્રાહકોમાં ભય ઊભો કરવા ખરાતે રમકડાના સાપ અને વાઘ ક્યાંથી પ્રાપ્ત કર્યા તેની પણ તપાસ કરવાની બાકી છે. એ સિવાય તેના આર્થિક વ્યવહારની પણ તપાસ કરવામાં આવી રહી છે.જોકે બચાવ પક્ષના વકીલ સચિન ભાટેએ અરજ કરતી હતી કે આ બધા મુદ્દે તપાસને બહાને પોલીસે અગાઉ તેમના અસીલની કસ્ટડી લીધી હતી અને પોલીસ પાસે હવે કસ્ટડી માટે નવા મુદ્દા નથી.
પોલીસ પૂછપરછમાં ખરાતે ગુનાની કબૂલાત કરી હોવાના અહેવાલ વહેતા થયા હતા. જોકે સુનાવણી દરમિયાન તેના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે ખરાતે કોઈ ગુનો કબૂલ્યો નથી. જો ગુનાની કબૂલાત કરી હોત તો પોલીસને વધુ કસ્ટડીની જરૂર ન પડત.મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ખરાતે નવેમ્બર, 2023થી ડિસેમ્બર, 2025 દરમિયાન વારંવાર તેની ઑફિસ સહિત અનેક સ્થળે મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. મહિલા ગર્ભવતી હોવાની જાણ થયા છતાં આરોપી દુષ્કર્મ આચરતો હતો. ખરાતે સિન્નર તાલુકાના મિરગાંવ ખાતેના એક મંદિરમાં સગર્ભા પાસે અઘોરી પૂજા કરાવી હતી.
આ અંગે મહિલાએ પતિને કહેતાં તેને વિશ્ર્વાસ બેઠો નહોતો. જોકે અમુક મહિલાઓ સાથેના ખરાતનાં કુકર્મની વાતો તેણે સાંભળી હતી. તેથી હકીકત જાણવા માટે તેણે ખરાતની ઑફિસમાં સ્પાય કૅમેરા ગોઠવ્યો હતો. આ વાતની ખરાતને જાણ થતાં તેણે કર્મચારીને ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. તપાસ માટે કર્મચારીએ એ વીડિયો રેકોર્ડિંગની પેન ડ્રાઈવ પોલીસને સોંપી હતી.