Tue Oct 20 2026

Logo

નાના પટોલેએ દૂધથી પગ ધોવા મુદ્દે હવે ફેરવી તોળ્યુંઃ કહ્યું- 'હું કોઈ સંત નથી'

2026-08-03 16:37:00
Author: Mumbai Samachar Team
નાના પટોલેએ દૂધથી પગ ધોવા મુદ્દે હવે ફેરવી તોળ્યુંઃ કહ્યું- 'હું કોઈ સંત નથી'

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનો દૂધથી પગ ધોવડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે હવે નાના પટોલે પણ ટીકાકારોને જવાબ આપવા મેદાને ઉતરી ચૂક્યા હતા તેમજ આ સમગ્ર ઘટના કયા કારણસર બની તે પણ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પટોલે સોફા પર બેઠેલા જોવા મળે છે, જ્યારે બે યુવકો તેમના પગ દૂધથી ધોઈ રહ્યા હતા, તેમના પર ફૂલની પાંખડીઓ વરસાવાઈ હતી અને પરંપરાગત રીતે સન્માનની વિધિ કરીરાઈ હતી. વીડિયો સામે આવ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની ટીકા થઈ રહી છે.

મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આ ઘટનાને કોંગ્રેસની કાર્યશૈલી સાથે જોડતા કહ્યું કે આવા કૃત્યો માત્ર ટીકા અને બદનામી જ લાવે છે. તેમણે કોંગ્રેસના નેતાઓએ આવી હરકતોથી પાઠ શીખવો જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. બીજી તરફ, કેટલાક લોકોએ આ ઘટનાને કોંગ્રેસની વિચારધારાથી વિરુદ્ધ ગણાવીને પણ સવાલો ઉઠાવ્યા હતા.

વિવાદ વધતા નાના પટોલેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ ઘટના ગુરુ પૂર્ણિમાના દિવસે બની હતી. તેમના પરિવારના બે યુવા સભ્યોએ તેમને પોતાનો ગુરુ માની સન્માનના પ્રતિકરૂપે આ વિધિ કરવાની જીદ કરી હતી. પટોલેએ કહ્યું કે તેમણે કોઈને પણ આવું કરવા માટે કહ્યું નહોતું કે પ્રોત્સાહન આપ્યું નહોતું. "હું કોઈ સંત કે આધ્યાત્મિક વ્યક્તિ નથી અને મને કોઈ મારા પગ સ્પર્શે તે પણ સહજ લાગતું નથી, પરંતુ પરિવારના સભ્યોએ આગ્રહ કર્યો હોવાથી આ વિધિ થઈ," એમ પણ તેમણે જણાવ્યું.