Mon Aug 24 2026

Logo

ડૅઝલિંગ લાઈટવાળાં હજારથી વધુ વાહનો પર કાર્યવાહી: 7.50 લાખનો દંડ

2026-08-10 19:58:27
Author: Yogesh C. Patel
Article Image

AI Generated Images


મુંબઈ: આંખો આંજી નાખતા પ્રકાશવાળી ડૅઝલિંગ લાઈટવાળાં હજારથી વધુ વાહનો પર કાર્યવાહી કરીને મુંબઈની ટ્રાફિક પોલીસે 7.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.વધારાની ફ્લૅશ લાઈટ, એલઈડી બાર તેમ જ ફૅન્સી અને તીવ્ર પ્રકાશવાળી હેડલાઈટ્સનો ઉપયોગ કરનારા વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. રાતના સમયે આવી લાઈટ્સને કારણે સામેથી આવનારા વાહનોના ડ્રાઈવરોની આંખ પર અસર થાય છે અને અકસ્માતની સંભાવના વધી જાય છે. અકસ્માત ટાળીને નાગરિકોની સુરક્ષા જાળવવી એ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનરના આદેશને પગલે ટ્રાફિકના 41 વિભાગમાં ગુરુવારથી રવિવાર દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઝુંબેશ દરમિયાન 1,194 વાહનો સામે મોટર વેહિકલ ઍક્ટની સંબંધિત કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી અને 7.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.ડૅઝલિંગ લાઈટ્સને કારણે સામેથી આવનારા વાહનના ડ્રાઈવરોની દૃષ્ટિ પર અસર થાય છે અને તે સામેના વાહનને બરાબર જોઈ શકતા નથી, જેને કારણે અકસ્માત થવાનો ભય હોય છે. તેથી રાતના સમયે વાહન ચલાવતી વખતે લો-બીમનો ઉપયોગ કરવો, એવી સૂચના ટ્રાફિક વિભાગ દ્વારા અપાઈ હતી.

અધિકારીના જણાવ્યા મુજબ વાહનચાલકોએ ગેરકાયદે ફ્લૅશ લાઈટ્સ, એલઈડી બાર અથવા તીવ્ર પ્રકાશવાળી ફૅન્સી લાઈટ્સ વાપરવી નહીં અને નિયમોનું પાલન કરવું. ટ્રાફિક વિભાગ દ્વારા આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.