મુંબઈ: દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના અનેક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી 48 કલાકમાં મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ જશે. લાંબા સમયથી ગરમીથી પરેશાન મુંબઈગરાઓ છેલ્લાં બે દિવસથી પડી રહેલાં વરસાદને કારણે ગરમીથી રાહત મળતાં આનંદિત થઈ ઉઠ્યા છે.
જૂન મહિનામાં પણ મે મહિના જેવી ગરમી અને ઉકળાટથી પરેશાન મુંબઈગરાઓ છેલ્લાં બે દિવસથી મુંબઈમાં પડી રહેલાં વરસાદના છુટા છવાયા ઝાપટાંને કારણે ગરમીથી રાહત મળતાં પ્રફુલ્લિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વરસાદના વીડિયો અને ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. વાત કરીએ મુંબઈ સહિત રાજ્યભરમાં ચોમાસુ ક્યારે સક્રિય થશે એની તો હવામાન ખાતાએ એની આગાહી પણ કરી છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્રની અખબારી યાદી મુજબ, ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર અને તેલંગાણાના વધુ ભાગોમાં પહોંચી ગયું છે. આ સાથે જ ચોમાસાએ સમગ્ર કર્ણાટકને કવર કરી લીધું છે, જ્યારે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પણ તેનો વિસ્તાર થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગો સહિત તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બનેલી છે. પશ્ચિમી પવનો મજબૂત થવાને કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે.
કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર માટે હવામાન ખાતા દ્વારા 22 જૂનથી 26 જૂન સુધી એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22થી 26મી જૂન સુધી કોંકણના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન વીજળીના કડાકા-ભડાકા, તેજ પવન અને મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની પ્રબળ શક્યતા છે. મરાઠવાડામાં 22 જૂનથી 24 જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવન ફૂંકાશે.
આઈએમડીએ દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવા દરિયાકાંઠા માટે માછીમારોને ખાસ ચેતવણી જારી કરી છે. 22મી જૂનથી 26મી જૂન દરમિયાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ દિવસોમાં હવામાન ખરાબ રહેશે અને પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.
મુંબઈમાં સોમવારે અને મંગળવારે સવારથી જ દાદર, વરલી, મહાલક્ષ્મી, ભાયખલા, કરીરોડ, ફોર્ટ, બાંદ્રા ઈસ્ટ સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે પ્રી-મોન્સૂન વરસાદ નોંધાયો હતો. વરસાદથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પાલિકાએ અગાઉ આઈએમડીને ટાંકીને મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' પણ જાહેર કર્યું હતું.