Tue Aug 18 2026

Logo

હવે મુંબઈમાં ટ્રેનમાં ટિકિટ વિના ચડતા પહેલાં 100 વાર વિચારજો! બમણી થશે TCની સંખ્યા...

2026-08-09 17:13:00
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


મધ્ય અને પશ્ચિમ રેલવેમાં ટિકિટ ચેકિંગ સ્ટાફ બમણો કરવા બોર્ડને મોકલાયો પ્રસ્તાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી એવી લોકલ ટ્રેનમાં હવે ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. મુંબઈની લોકલ ટ્રેનોમાં ટિકીટ તપાસની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મધ્ય રેલવે (CR) અને પશ્ચિમ રેલવે (WR) દ્વારા ટિકિટ ચેકીંગ સ્ટાફની સંખ્યા આશરે બેગણી કરવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો હતો. 

હાલમાં મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં આશરે 1,400 અને પશ્ચિમ રેલવેમાં આશરે 1,100 ટીસી કાર્યરત છે. પરંતુ દૈનિક લાખો પ્રવાસીઓની સંખ્યા જોતા આ સ્ટાફ ઓછો પડી રહ્યો છે. એવામાં ટીસીની સંખ્યામાં વધારો કરવા માટે નિમણૂક કરવાની માગ કરવામાં આવી છે. આ મંજૂરી મળશે તો ટીસીની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી લોકલ અને નોન-સબર્બન સેક્શનમાં ટિકિટ ચેકિંગની પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે.

કુલ 4,700 ટીસીની જરૂરિયાત 
રેલવે બોર્ડના સ્ટાન્ડર્ડ અનુસાર દરેક 1,100 પ્રવાસીઓ પર 1 ટિકીટ ચેકીંગ સ્ટાફ હોવો જોઈએ. મધ્ય રેલવેની મુંબઈ લોકલમાં દૈનિક સરેરાશ 35 થી 38 લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે, જયારે પશ્ચિમ રેલવેમાં 28 થી 30 લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે. આ રીતે મધ્ય રેલવેને અંદાજિત 2,800 ટીસી જયારે પશ્ચિમ રેલ્વેને આશરે 2,300 થી 2,400 ટીસીની જરૂર છે, એટલે કે કુલ 4,700 ટીસીની જરૂરિયાત છે. 

70 લાખથી વધુ પ્રવાસી કરે છે ટ્રાવેલ 
મુંબઈના સબર્બન લોકલ ટ્રેનમાં દૈનિક 70 લાખની આસપાસ પ્રવાસીઓની અવરજવર થાય છે. ડ્યૂટી પર હાજર ટીસીની સંખ્યા જોતા દરેક સ્ટેશનો અને લોકલ ટ્રેનોમાં નિયમિત ટિકીટ તપાસ કરવી શક્ય બનતી નથી, જેનો લાભ ઉઠાવી અમુક પ્રવાસીઓ વગર ટિકિટ મુસાફરી કરે છે તેમ જ ફર્સ્ટ કલાસ અને એસી લોકલમાં ટિકિટ વગર મુસાફરી કરવા જેવા મામલામાં પ્રતિબંધ લાવવામાં મુશ્કેલી પડે છે. 

રિઝર્વ કોચમાં ગેરકાયદે પ્રવાસી પકડાશે તો કાર્યવાહી
રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટીસીની સંખ્યા વધતા ટિકિટ વગર મુસાફરી કરતા પ્રવાસીઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. ભીડના સમયે મુખ્ય સ્ટેશનો પર અલગ તપાસ ટીમ તૈનાત કરવામાં આવશે. એસી લોકલ, ફર્સ્ટ ક્લાસ, મહિલા અને દિવ્યાંગ પ્રવાસીઓ માટે અનામત ડબ્બામાં નિયમોનું ઉલ્લંઘન પર અસરકારક કાર્યવાહી થઈ શકશે. તહેવારો, વિશેષ તપાસ અભિયાનો અને રાત્રીના સમયે અલગ ટીમ મારફત સઘન ચેકિંગ કરવામાં આવશે.

ડ્યુટીને વધુ સારી બનાવવા માટે થશે વહેંચણી 
હાલમાં કાર્યરત ટીસી પર તપાસ અભિયાન સરપ્રાઈઝ ચેકિંગથી લઈને સ્પેશિયલ ડ્યૂટી તેમ જ મોટા સ્ટેશનો પર વધારાની જવાબદારીઓનું ઘણું ભારણ છે. વધુ સ્ટાફ મળવાથી વધુ સારી રીતે કામની વહેંચણી થઈ શકશે અને કર્મચારીઓના કામનું ભારણ પણ ઘટશે. મુંબઈ લોકલ ટ્રેનમાં દૈનિક લગભગ 70થી 80 લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે, જે આશરે 450 કિલોમીટર લાંબા રેલવે નેટવર્કને સાચવે છે.