Sat Aug 29 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર: હવે મળી શકે છે અલગ કોચ, પણ ક્યારથી જાણો

2026-04-19 21:28:32
Author: Mumbai Samachar Team
મુંબઈ લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર: હવે મળી શકે છે અલગ કોચ, પણ ક્યારથી જાણો

મુંબઈઃ મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. લોકલની ભીડમાં યુવાનો માટે પ્રવાસ કરવો પણ લોઢાના ચણા ચાવવા જેવું કપરું છે, ત્યાં મહિલાઓ, અપંગો અને જ્યેષ્ઠ નાગરિકોની તો શું વાત કરવી. દરેક કોચમાં કેટલીક સીટો જ્યેષ્ઠ નાગરિકો માટે રાખવામાં આવેલી હોવા છતાં, ભાગ્યેજ તેનું પાલન થાય છે. હવે વરિષ્ઠ નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.

હવે વરિષ્ઠ નાગરિકો માટે સીટોની સંખ્યા વધશે. મળતી માહિતી મુજબ લોકલમાં 1 લગેજ ડબ્બાને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ડબ્બામાં રૂપાંતરિત કરવામાં આવશે. જોકે, આ નિર્ણય બોમ્બે હાઈ કોર્ટના આદેશ પછી લેવામાં આવ્યો છે. હાલમાં પશ્ચિમ રેલવેની 33 લોકલ ટ્રેનોમાં અલગ બેઠક વ્યવસ્થા અને ખાસ ડબ્બાઓ શરૂ કરવામાં આવશે.

આ ફેરફારની યોજના હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. નવી યોજના મુજબ, પશ્ચિમ રેલ્વે સ્થાનિક ટ્રેનોમાં ડબ્બાઓને રૂપાંતરિત કરશે જેનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકો માટે અનામત રાખશે. ચર્ચગેટથી સાતમા કોચમાં આ ખાસ ફેરફાર કરવામાં આવશે. આ કોચમાં લગભગ 13 વરિષ્ઠ નાગરિકોને બેસવાની સુવિધા હશે, જ્યારે 50 થી વધુ મુસાફરોને ઉભા રહેવાની જગ્યા હશે.

આનાથી વરિષ્ઠ નાગરિકો ભીડથી બચીને પ્રમાણમાં આરામથી મુસાફરી કરી શકશે. કોર્ટના આદેશ બાદ રેલવે વહીવટીતંત્રે મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વે રૂટ પર આ નવો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 

આ નિર્ણય ક્યારે લેવામાં આવશે? તે સ્પષ્ટ નથી. તબક્કાવાર લોકલ ટ્રેનોમાં આ ફેરફારો કરવામાં આવશે. ટૂંક સમયમાં, આ બધી લોકલ ટ્રેનો મુસાફરો માટે સેવામાં મૂકવામાં આવશે. જોકે, અપંગોના ડબાની જેમ આ ડબા ઉપર પણ અયોગ્ય પ્રવાસીઓ કબજો જમાવી ન લે, તેની ખાતરી કરવી રેલવે માટે મુશ્કેલ બનશે.