Thu Jul 23 2026

Logo

મુંબઈમાં આજથી રવિવાર સુધી ઓરેન્જ અલર્ટ: ૧૨ કલાકમાં  પૂર્વ ઉપનગરમાં સરેરાશ સવાચાર ઈંચ વરસાદ

2026-07-02 08:49:00
Author: Sapna Desai
Article Image


છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૦૦ મિ.મી.થી  વધુ વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે બુધવારે પણ વરસાદ સતત ચાલુ રહેતા  નીચાણવાળા  વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે ઉપનગરીય રેલવે, ટ્રાફિકની સાથે જ વિઝિબિલિટી ઘટી જતા વિમાનસેવાને પણ અસર થઈ હતી. દિવસ દરમ્યાન સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ ઉપનગમાં નોંધાયો હતો. હવામાન વિભાગે બીજીથી પાંચમી  જુલાઈ સુધી મુંબઈ, થાણે, રાયગડ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો પાલઘરમાં ગુરુવાર માટે રેડ અલર્ટ આપી પ્રશાસને સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી છે.

મુંબઈમાં સોમવારથી ફરી વરસાદ શરૂ થયો છે, જેમાં મંગળવાર સવારથી બુધવાર સવારના આઠ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મુંબઈના અનેક વિસ્તારોમાં ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ પડ્યો હતો. તો  બુધવારે સવારના આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્ય સુધીમાં મુંબઈમાં   વરસાદનું જોર પૂર્વ ઉપનગરમાં વધુ રહ્યું હતું.  શહેર ૫૬ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૯૫ મિ.મી.ની સરખામણીમાં પૂર્વ ઉપનગરમાં સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૦૭ મિ.મી. (સવા ચાર ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. તો સવારના આઠ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં સરેરાશ ૩૦ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧૦૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સતત વરસાદ તેમાં પાછું બપોરના ૧.૧૦ વાગ્યાથી દરિયામાં ભરતી હોવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળૉ૧ ગણાતા અંધેરી, સાંતાક્રુઝ, ખાર, બાન્દ્રા, કુર્લા, વિક્રોલી, પવઈ, ભાંડુપ અને મુલુંડમાં ધૂંટણભેર પાણી ભરાયા હતા. બુધવાર વહેલી સવારના ભારે વરસાદ દરમ્યાન અંધેરી સબ-વે પાણી ભરાઈ જતા બંધ કરવો પડયો હતો. દિવસ દરમ્યાન વરસાદની સાથે જ પવન ફૂંકાવાને કારણે ૪૫થી વધુ ઝાડ તૂટવાના અને શોર્ટ સર્કિટના બનાવ બન્યા હતા. 

બુધવારે સૌથી વધુ વરસાદ વિક્રોલી પૂર્વમાં ટાગોરનગર વિસ્તરામાં સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીમાં ૧૪૬.૪ મિ.મી. ( પાંચ ઈંચ) અને પવઈમાં ૧૪૨.૮ મિ.મી. અને ભાંડુપમાં ૧૪૧.૬ મિ.મી. નોંધાયો હતો. પશ્ર્ચિમ ઉપનગરમાં સાંતાક્રુઝમાં નારિયાલ વાડીમાં ૧૩૯.૨ મિ.મી., તો શહેરમાં માટુંગામાં ૭૬.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. 

ત્રણ સિસ્ટમ ડેવલપ થઈ
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોથી જુલાઈ સુધી મુશળધાર વરસાદ પડવાનો છે. મહારાષ્ટ્ર પર નૈર્ઋત્યના ભરપૂર મોસમી પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરની શકયતા છે. ઉપરાંત મધ્ય પ્રદેશથી મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોકંણ થઈને ઉત્તર- કેરળ કિનારપટ્ટી દરમ્યાન હવાના હળવા દબાણનો પટ્ટો તૈયાર થયો છે. આ સિસ્ટમને કારણે  મુંબઈ, થાણે  સહિત સંપૂણ કોંકણમાં અતિવૃષ્ટની શકયતા છે.

વિમાનસેવાને અસર
મુંબઈ શહેર અને ઉપનગરમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ અને ખરાબ હવામાનને કારણે વીઝીબિલિટી ઓછી હોવાને કારણે એરપોર્ટ પર વિમાનસેવાને અસર થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થનારા ત્રણ વિમાનને નવી મુંબઈ, સુરત અને ઓઝર એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈ શહેર અને ઉપનગરમાં બુધવારે વહેલી સવારથી જોરદાર વરસાદ શરૂ થયો હતો. મુશળધાર વરસાદને કારણ વિમાન ટેકઓફ અને લેન્ડિંગને પણ અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે વિઝીબિલિટી ઓછી થઈ ગઈ હોવાથી વિમાન ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.