મુંબઈ: અંધેરીના બિઝનેસમૅનને આર્થિક રોકાણને બહાને છેતર્યા પછી પિસ્તોલની ધાકે નાણાં ટ્રાન્સફર કરાવીને 3.25 કરોડ રૂપિયા પડાવવા બદલ પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બિઝનેસમૅને નોંધાવેલી ફરિયાદને આધારે ઍરપોર્ટ પોલીસે લક્ષ્ણીનારાયણ અગરવાલ, દેબકુમાર રાય, સુશીલકુમાર યાદવ, રામાશિષ ગુપ્તા અને તેના સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં આરોપી તરીકે બે મહિલાનાં નામનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર કંપનીમાં રોકાણને બહાને ચાર આરોપીએ જુલાઈ, 2025માં ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરી આરોપીએ તેને એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા મનાવી લીધો હતો. જોકે ઑગસ્ટ, 2025માં નાણાં ટ્રાન્સફર કર્યા પછી ફરિયાદીને જાણ થઈ હતી કે એ રૂપિયા ‘માનવ ધર્માયોગ’ નામના એક એનજીઓના ખાતામાં જમા થયા હતા.
આ બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતાં તેમણે મીટિંગ માટે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીકની એક હોટેલમાં બોલાવ્યો હતો. ફરિયાદી કંપનીના જનરલ મૅનેજર સાથે હોટેલમાં ચર્ચા માટે ગયો ત્યારે આરોપીના અન્ય સાથીઓ પણ ત્યાં હાજર હતા. આરોપીઓએ બન્નેની મારપીટ કરી પિસ્તોલની ધાકે બન્નેને ધમકાવ્યા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
બાદમાં આરોપીઓની ગૅન્ગે પિસ્તોલની ધાકે ફરિયાદી પાસેથી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. નાણાં ન આપે તો જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ડરના માર્યા ફરિયાદીએ આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં ઑનલાઈનથી 2.25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ પણ એક એનજીઓના ખાતામાં જમા થઈ હતી.
રકમ ટ્રાન્સફર થયા પછી ફરિયાદી અને તેના મૅનેજરને છોડવામાં આવ્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ કરી તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. પરિવારના સભ્યો અને મિત્રોની સલાહ પછી બિઝનેસમૅને પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં સંડોવાયેલા આરોપી મુંબઈ, ઓડિશા, બિહાર અને ઝારખંડના વતની હોવાથી આંતરરાજ્ય ટોળકી આમાં સામેલ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ કેસની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. (પીટીઆઈ)