Tue Aug 18 2026

Logo

મુંબઈમાં ૧૪ દિવસમાં ૬૮ કિલોમીટર ફૂટપાથ અતિક્રમણ મુક્ત થઈ

2026-08-16 10:32:00
Author: Sapna Desai
Article Image


ફૂટપાથ પરથી ૭૭ ગેરકાયદે બાંધકામ, ૧૧૨ ગેરકાયદે ફેરિયાઓને હટાવવામાં આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ફૂટપાથ પર રાહદારીઓ મુક્ત રીતે ચાલી શકે તે માટે ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ પૉલિસી હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા ૧૪ દિવસમાં ૮૧ ફૂટપાથ પરના અતિક્રમણ હટાવ્યા છે. એટલે કે અત્યાર સુધી કુલ ૬૮ કિલોમીટરની ફૂટપાથ પરથી ફેરિયાઓ, દુકાનો સહિતના અવરોધ હટાવીને તેને રાહદારીઓને ચાલવા યોગ્ય કરી છે.

મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ પર દુકાનો, ફેરિયાઓ સહિત અનેક પ્રકારે અતિક્રમણ કરવામાં આવ્યું હોવાથી નાગરિકોને ચાલવા માટે ફૂટપાથ ઉપલબ્ધ રહી જ નથી. તેથી મુંબઈ મહનગરપાલિકાએ ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ પૉલિસી  અમલમાં મૂકી છે, જે અંતર્ગત ફૂટપાથ પરના અતિક્રમણ, ગેરકાયદે બાંધકામ, ફેરિયાઓનો અવરોધ, બોર્ડ, બૅનર સહિત ફૂટપાથ પર ઊભી કરવામાં આવેલી દુકાનોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


મુંબઈના તમામ ૨૬ પ્રશાસકીય વોર્ડમાં આ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં પહેલા તબક્કામાં ૨૦૦ ફૂટપાથ પરના અતિક્રમણ હટાવવામાં આવવાના છે, તેમાંથી ૮૧ ફૂટપાથના કામ હાથમાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધી ૬૮ કિલોમીટરના અંતર જેટલી ફૂટપાથ અવરોધમુક્ત થઈ હોઈ ૪૪૩ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ અભિયાનના પહેલા તબક્કામાં પહેલીથી ૧૪ ઑગસ્ટ, ૨૦૨૬ સુધીના ૧૪ દિવસમાં કુલ ૩૩૭ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૭૭ ગેરકાયદે બાંધકામ અને ૧૧ ગેરકાયદે ફેરિયાઓને હટાવવામાં આવ્યા છે. એ સાથે જ ફૂટપાથ પરના ૨૯ સ્ટ્રીટ ફર્નિચર, ૬૩ મોટા સામાન, ૨૭ દુકાનનાં બોર્ડ, ૧૪ સાઈનબોડર્ર્ અને ૪૯ બૅનર હટાવવામાં આવ્યા છે. રાહદારીઓને  અડચણરૂપ બનનારી પચ્ચીસ ગેરકાયદે દુકાનોને લાગીને આવેલા બાંધકામનું સમારકામ, આઠ ફૂટપાથનું સમારકામ કરીને ફૂટપાથ પર નિર્માણ થયેલા આઠ ગેરકાયદે પાર્કિંગ પ્લોટનું પણ નિર્મુલન કરવામાં આવ્યું છે.

મુંબઈમાં લગભગ ૫૦ ટકા દૈનિક પ્રવાસ પગે કરવામાં આવે છે. અનેક ઠેકાણે અસમાન અથવા તૂટી ગયેલી અને ચાલવા માટે જગ્યા ન હોય એવી ફૂટપાથ છે, જેમાં ફૂટપાથ પર મોટા પ્રમાણમાં અતિક્રમણ થયેલા છે. અનેક જગ્યાએ ફૂટપાથ પર ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવામાં આવેલાં છે. તેવાં તમામ બાંધકામ હટાવીને ફૂટપાથને ચાલવા યોગ્ય બનાવવામાં આવી રહી છે.

૫રેલવે, મેટ્રો, સ્કૂલ, હૉસ્પિટલને પ્રાધાન્ય
આ અભિયાનના પહેલા તબક્કામાં રાહદારીઓની સૌથી વધુ ભીડ જયાં હોય અથવા સિનિયિર સિટઝન, વિદ્યાર્થી, દિવ્યાંગ વ્યક્તિ અને અન્ય સંવેદનશીલ ઘટકો મોટા પ્રમાણમાં હોય એવા સ્થળોએ ફૂટપાથ સુધારવાના કામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેમાં મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હૉસ્પિટલ, ધાર્મિક સ્થળ, બજાર અને સ્કૂલ તથા કૉલેજનો સમાવેશ થાય છે.

રોડ ઍક્સિડન્ટમાં ૪૪ ટકા મૃત્યુ રાહદારીઓનાં 
ફૂટપાથ પરના અતિક્રમણને કારણે નાગરિકોની સુરક્ષાની સાથે જ રસ્તા પર વાહનવ્યહારમાં તકલીફ થઈ શકે છે. ટ્રાફિક જૅમની સાથે વાહનોની સ્પીટ ઘટી જાય છે અને તેને કારણે વાયુ પ્રદૂષણ પણ થાય છે. મુંબઈ રોડ સેફટીના વાર્ષિક અહેવાલ ૨૦૨૩ અનુસાર રોડ ઍક્સિડન્ટમાં કુલ મૃત્યુમાંથી ૪૪ ટકા મૃત્યુ રાહદારીઓના હોય છે. તેથી સુરક્ષિત અને સળંગ ફૂટપાથ તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવવી આવશ્યક છે.

નિયમિત ઈન્સ્પેકશન થશે
ફૂટપાથ અવરોધમુક્ત બનાવવામાં માટે પાલિકા દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. દરેક વોર્ડમાં ૯૦ ટકા ફૂટપાથનું દર મહિને ઈન્સ્પેકશન કરીને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે પોતાના પ્રશાસકીય વોર્ડમાં ફૂટપાથનું નિયમિત ઈન્સ્પેકશન કરીને અતિક્રમણ મુક્ત રાખવા માટે ઉપાયયોજના અમલમાં મૂકવાની રહેશે. ત્યારબાદ દરેક પ્રશાસકીય વોર્ડ દ્વારા સાપ્તાહિક અહેવાલ રજૂ કરવામાં આવશે, જેમાં ફૂટપાથ અથવા તેને લાગીને રસ્તાનું નામ, કાર્યવાહીની તારીખ, કાર્યવાહીનું સ્વરૂપ  વગેરેના ફોટાનો સમાવેશ રહેશે. ઝોન મુજબ ડેપ્યુટી કમિશનર દ્વારા અહેવાલ તપાસીને ઉપલા અધિકારીને મોકલવામાં આવશે. કાર્યવાહી બાદ ફરી અતિક્રમણ થાય નહીં તે માટે સતત ઈન્સ્પેકશન કરવા પર ભાર આપવામાં આવશે.