(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમગ્ર મહારાષ્ટ્રમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ દોડાવવામાં આવે છે, છતાં વર્ષોથી તે ખોટ કરી રહી છે. તેથી સ્ટેટ ટ્રાન્સપોર્ટને આર્થિક રીતે સદ્ધર કરવા માટે છેલ્લા થોડા મહિનામાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, તેમાં હવે એસટી મહામંડળે પોતાની તિજોરી પરનો ભાર ઘટાડવા માટે જાતે જ વીજળીનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હવે ‘ગ્રીન એનર્જી’ તરફ મોટું પગલું ભરવાની છે. એસટીના વિવિધ બસસ્ટોપ, ઓફિસ અને ડેપોની છત પર હવે સોલાર એનર્જી પ્રોજેક્ટ ઊભો કરવામાં આવવાનો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પહેલા તબક્કામાં પ્રશાસકીય અને વિત્તીય મંજૂરી મળી હોવાની માહિતી પરિવહન પ્રધાન અને સ્ટેટ ટ્રાન્સપોર્ટના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે આપી હતી.
પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આપેલી માહિતી મુજબ ૨.૫૭ મેગાવૉટ ક્ષમતાના ‘ગ્રીડ સોલાર’ પ્રોજેક્ટ માટે લગભગ ૧૩.૦૩ કરોડ રૂપિયાના અંદાજપત્રનેમાન્યતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટને કારણે એસટીની પોતાની જગ્યાનો ઉપયોગ કરીને તેને વીજળીનું ઉત્પાદન કરી શકશે,જે સ્ટેટ ટ્રાન્સપોર્ટના જુદા જુદા એસ્ટાબ્લિશમેન્ટ માટે વાપરી શકાશે.
આ નિર્ણયથી સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસસ્ટોપ, વર્કશોપ અને ઓફિસમાં વીજળીના ઉપયોગમાં મોટી બચત થશે. દર વર્ષે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયાનો પારંપરિક ખર્ચ બચશે. આ પ્રોજેક્ટ ફક્ત આર્થિક બચત કરનારો જ નહીં પણ પર્યાવરણપૂરક પગલું પણ બની રહેશે.
એસટીના બ્રાન્ડ ઍમ્બેસેડર રિતેશ-જેનેલિયા દેશમુખ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એસટી) અને ટ્રાન્સપોર્ટ વિભાગ મારફત અમલમાં મૂકવામાં આવતા રોડ સેફટી અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા દેશમુખની આગામી પાંચ વર્ષ માટે બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.