ફ્લાયઓવરનું ૯૦થી ૯૫ ટકા કામ પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડેપ્યુટી મેયર સંજય ઘડીએ શુક્રવારે ગોરેગામમાં મૃણાલતાઈ ગોર ફ્લાયઓવરનું લાંબા સમયથી વિસ્તરણ કાર્ય ચાલી રહ્યું હતું તેનું ૯૦થી ૯૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બહુ જલદી તેને વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
ગોરેગામથી રામ મંદિર માર્ગ પર મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવરનું કામ તેના અંતિમ તબક્કામાં છે. છેલ્લા આઠ વર્ષથી મુસાફરોને થતી અગવડતાને દૂર કરવા માટે વહેલામાં વહેલી તકે પુલને ટ્રાફિક માટે ખોલવામાં આવવાનો હોવાનું પાલિકા અધિકારીઓએ શુક્રવારે ડેપ્યુટી મેયર સંજય ઘાડીની ફ્લાયઓવરની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.
ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે મૃણાલતાઈ ગોર ફ્લાયઓવરના વિસ્તરણનું લગભગ ૯૫ ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે, બાકીનું ફિનિશિંગ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે. રોડ રિસરફેસિંગ, સાઇનેજ બોર્ડ, વીજળીના થાંભલા, સ્પીડ બ્રેકર અને પેઇન્ટિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ફ્લાયઓવરની પાસે જ રહેણાંક ઇમારતો છે . એટલે ફ્લાયઓવરની બંને બાજુએ નોઈઝ બેરિયર્સ પણ બેસાડવામાં આવી રહ્યા છે. બાકીનું કામ ઝડપી બનાવવા અને ફ્લાયઓવરને વહેલામાં વહેલી તકે ટ્રાફિક માટે ખોલવા સૂચના આપવામાં આવી છે.
ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે ગોરે ફ્લાયઓવર ૨૦૧૬ માં ખુલ્લો મૂકવામાં આવ્યો અને તેના વિસ્તરણનું કામ ૨૦૧૯ માં શરૂ થયું હતું અને ડિઝાઇન રિવિઝન, યુટિલિટી શિફ્ટિંગ અને ઓશિવારા નાળા સંબંધિત કાર્યોને કારણે વિલંબ થયો હતો. રામ મંદિર રોડથી એસ.વી. રોડ પર આવેલા રિલીફ રોડ સુધીના ૭૫૦ મીટરના વિસ્તરણ માટે શરૂઆતમાં ૨૦૯.૬૪ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી, જે હવે વધીને ૨૪૭.૯૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફ્લાયઓવર પૂર્ણરૂપે ખુલ્યા પછી તે જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડને બાયપાસ કરીને ત્રણ મુખ્ય સિગ્નલને સિગ્નલ-મુક્ત કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીનો સમય ૩૦ મિનિટથી ઘટાડીને પાંચ મિનિટ કરશે તેવી અપેક્ષા છે.