Sun May 17 2026

Logo

ફોન બાજુ પર મૂકો ને!

2026-05-17 11:50:00
Author: Jui Parth
Article Image

 

જૂઈ પાર્થ

‘મમ્મી મમ્મી. મમ્મી... અરે મમ્મી જમવાનું આપ બહુ ભૂખ લાગી છે’  ક્રિશે મોબાઇલમાં રીલ 

જોતી એની મમ્મીને ઢંઢોળતાં કહ્યું. અને અમી સફાળી બેઠી થઈ ગઈ : 

 ‘હા  બસ, પાંચ મિનિટ...’ એટલામાં અમીના પતિએ કહ્યું કે ‘અમી, આજે જમ્યા પછી કાકાના ઘરે જવાનું છે યાદ છેને?’ 

ફોન જોવામાં મસ્ત અમીને સંભળાયું જ નહીં, જમી-પરવારીને એણે નાઇટ સુટ પહેરી લીધો અને એના પતિ કાકાના ઘરે જવા તૈયાર થઈ ગયા. રોહિતને છેલ્લા કેટલાય સમયથી લાગતું હતું કે અમીનું બધું જ ધ્યાન ફોનમાં હોય છે. એ કોઈ વાતે કંઈ ધ્યાન નથી આપતી, કામ કરવાનું ટાળે છે, મોબાઇલ જોતાં જ રસોઈ કરે અને ક્રિશ શું કરે છે, કોની સાથે બહાર જાય છે એની એને કંઈ જ જાણ નથી હોતી. કોઈ વાર શાકમાં મીઠું ઓછું તો કોઈ વાર કોઈ મહત્ત્વની વાત ભૂલી જાય. રોહિત અસમંજસમાં હતો કે અમીને થયું છે શું!

બીજી બાજુ કાંતિકાકા મંદિરેથી પાછા વળતાં મોબાઇલ જોવામાં કાકીને મંદિરે જ ભૂલીને ઘેર પાછા આવી ગયા.

એકવાર તો ફોન જોતાં રસ્તા પર ચાલતા ક્યાંક જતા હશે અને ભેંસ સાથે અથડાઈ ગયા તો એકવાર એક ગાડીની

હડફેટે આવતાં બચી ગયા હતા. કાંતિકાકાને ફોન બહુ વહાલો. એમના જીવનમાં ટીવીનું સ્થાન ફોને લઈ લીધું હતું.

સિરિયલો, વેબ સિરીઝ, રિયાલિટી શો બધું જ ફોનમાં જોયા કરે. નિવૃત્તિ પછી ફોન જ એમનો સથવારો. એકવાર તો કાકીએ ભાણામાં દાળની જગ્યાએ પાણી મૂકી દીધું. ચોથા કોળિયે કાકાને ધ્યાનમાં આવ્યું કે આ તો દાળ નહીં પણ પાણી છે. કાકીએ કટાક્ષ કર્યો  : ‘જરા ફોન તો બાજુ પર મૂકીને જમો તો ખબર પડે કે શું જમી રહ્યા છો?’ 

અરે, ફક્ત કાકા જ નહીં, અત્યારે તો છ મહિનાના બાળકને જમાડવું હોય તો મમ્મીઓ સામેથી ફોન પકડાવી દે છે. અને આગળ જતાં ફરિયાદ કરે કે બાળકને ફોનની લત લાગી ગઈ છે. ત્યારે સાત વર્ષથી લઈને અઢાર વીસ વર્ષ સુધીના કિશોરને ઑનલાઇન ગેમ્સની લત લાગે છે તો એથી મોટા લોકો દર બે મિનિટે ફોન ચેક કરવા લાગે. સહેજ નવરા પડે એટલે  ‘ફેસબુક’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ વત્તા ‘વૉટ્સઍપ’નું ચક્ર ચાલુ રહે છે.

ફોનનું વળગણ આટલાથી નથી પતતું. ઘણા લોકોને ચાલુ વાતે પણ સતત ફોન જોયા કરવાની, ફોનમાં ગેમ રમવાની કે સોશ્યલ મીડિયા ચેક કર્યા કરવાની આદત હોય છે. આનાથી વાત કરનારી  સામીવાળી  વ્યક્તિનું માન પણ નથી જળવાતું અને વાત પણ ધ્યાનથી નથી સંભળાતી. કેટલાક લોકોને વાહન ચલાવતી વખતે ફોન વાપરવાની ટેવ હોય છે. ગાડી હોય કે ટૂ-વ્હિલર, સરકાર દંડ ફટકારે કે સજા કરે પણ ચાલુ વાહને પણ ફોનનો વપરાશ બંધ નથી થતો. ફોનમાં ઑનલાઇન ગેમ્સ રમવી કેટલીકવાર કેટલી ઘાતકી સાબિત થાય છે એના કિસ્સા વારંવાર સમાચારોમાં આવતા રહેતા હોય છે. દારૂ, નશીલા પદાર્થો, તમાકુના વ્યસનની સાથે હવે ફોનનું વ્યસન પણ એક ગંભીર સમસ્યા બની રહી છે.

હવે ફોનનો અર્થ મોબાઇલ ફોન જ થાય છે. ભાગ્યે જ લૅન્ડલાઇન ફોનનો વપરાશ કે ઉલ્લેખ થાય છે. અત્યારની પેઢી માટે લૅન્ડલાઇન ફોન કોઈ અજાયબીથી કમ નથી. આખા ઘરની વચ્ચે એક જ નંબર અને એક જ ફોન હોય એની ધારણા પણ એમના માટે અશક્ય છે. 
પ્રાઇવસીને માન આપતી હવેની પેઢીને સમજાવવું કદાચ અઘરુંં છે કે લૅન્ડલાઇન ફોનના વપરાશ સમયે ઘરમાં ફોન હોવો એ પણ મોટી વાત હતી અને એમાં રિંગ વાગે એટલે જે ઓરડામાં એ ફોન રાખ્યો હોય ત્યાં ફોન ઉપાડવા જવું પડતું અને ત્યાં ઘરનાં જે કોઈ સદસ્ય હાજર હોય એમની સામે વાત કરવી પડતી તો પ્રાઇવસીનો તો પ્રશ્ન નથી થતો, કારણ કે હવેના ફેસ આઇડી કે પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોનમાં જોઈએ એવી સગવડો ઉપલબ્ધ છે અને આ સગવડોની સાથે છે મોબિલિટી એટલે કે આ ફોન લઈને તમે કોઈ પણ જગ્યાએથી કોઈની પણ સાથે વાત કરી શકો છો માટે જ એને મોબાઇલ ફોન કહેતા હશે. અંગત વાત કરી શકવાની સાથે ફોનમાં સાચવેલી માહિતી કે પછી એના દરેક ફીચરને પણ પાસવર્ડથી અંગત રાખી શકાય છે. પ્રાઇવસીના ચક્કરમાં કોઈ વાર લાગે છે કે માણસ પોતે એકલપંડો બની ગયો છે. મોબાઇલ ફોન હોય તો એને માણસોની ઓછી જરૂર પડે છે. દૂર કે નજીકની વ્યક્તિઓ સાથે સુમેળ સાધવા જે પ્રયત્નો કરવા પડે છે એ મોબાઇલ સાથે નથી કરવા પડતા. મોબાઇલ મશીન છે. એ કમાન્ડ મુજબ વર્તે છે જે સાથે રહેતો માણસ નથી કરતો. ટેકનૉલૉજી દ્વારા મશીનને માણસ જેવું વર્તન, ગણતરીઓ અને હવે તો લાગણીઓ પણ પ્રોગ્રામ કરીને ઇન્સ્ટૉલ કરવામાં આવે છે, પરંતુ મોબાઇલની કેટલીક ઍપ્લિકેશન માણસની જેમ વાત કરે છે, માગીએ એ સલાહ આપે છે, લાઇટ- પંખા ચાલુ બંધ કરી આપે છે. આમ છતાં શું એક મોબાઇલ  એક માણસની ગરજ સારી શકે? મોબાઇલમાં રચ્યોપચ્યો રહેલો માણસ ફોન પાસેથી એવું તે શું ઇચ્છે છે કે જે એને પાસે રહેલા માણસમાંથી નથી મળતું?

માણસને  સેલ  ફોનથી સાથ મળે-સંગાથ નહીં. એ ફોન થકી લાગણીઓ વ્યક્ત કરી શકે છે પણ સામે હૂંફ મેળવી નથી શકતો. ફોન પર ગેમ રમી બે ઘડી પોતાની જાતને રીઝવી શકે છે પણ સંતોષ નથી પામી શકતો. જે સુખ, શાંતિ, નિરાંત કદાચ એ ફોનમાં શોધે છે એ ફોન થકી એને મળે છે ખરી? કે પછી ફોનના જ અતિરેકને કારણે એ ફોનનો બંધાણી થઈ જાય છે? જે ફોનની શોધ ઝડપી સંદેશા વ્યવહાર માટે થઈ હતી પછી એના ઉપયોગનાં કેટલાં બધાં સ્તરો વિસ્તરી ગયાં છે કે જેમાં ટેક્નૉલૉજીની જીત દેખાય છે જ્યાં કદાચ ભોગ લેવાય છે સંબંધોનો, એમાં રહેલી હૂંફનો.

તમે શું કહો છો?