Wed Apr 29 2026

Logo

મીરા રોડનો પહલગામ સ્ટાઈલ હુમલો આતંકી સંગઠન માટેની એન્ટ્રન્સ ટેસ્ટ હતી?

2026-04-29 07:44:57
Author: યોગેશ સી પટેલ
Article Image

મુંબઈ: મીરા રોડમાં ધર્મ પૂછીને અને કલમા પઢવાનું કહીને બન્ને વૉચમેન પર હુમલો કરવા પાછળની આરોપી અન્સારીની મકસદ આતંકવાદી સંગઠનમાં જોડાવાની હતી, એવું તેના ઘરમાંથી મળેલા દસ્તાવેજો પરથી ફલિત થાય છે. હિંસક જેહાદ આવા સંગઠનમાં જોડાવાની પરીક્ષા હોવાનું તે માનતો હતો. જોકે અન્સારી આતંકી સંગઠન સાથે કનેક્શન ધરાવતો હોવાના કોઈ પુરાવા હાલ એટીએસને મળ્યા નથી, પણ તેના ઇરાદાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

નિર્માણાધીન ઈમારતના બન્ને સિક્યોરિટી ગાર્ડ્સ પર હુમલાના કેસમાં નયા નગર પોલીસે આરોપી ઝૈબ ઝુબેર અન્સારી (31)ની ધરપકડ કરી ત્યારે તેના ફ્લૅટમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા, જેને પગલે તપાસ એટીએસને સોંપાઈ હતી. એટીએસે ફ્લૅટમાં સર્ચ કરીને કુરાનની ત્રણ નકલ, લૅપટોપ, અમુક કાગળિયા અને આરોપીનો મોબાઈલ ફોન હસ્તગત કર્યો હતો.
એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીએ તેના મોબાઈલને ફોરમેટ કરી નાખ્યો હતો. ડિલિટ કરેલા ડેટા પાછા મેળવવા માટે ફોરેન્સિકની મદદ લેવામાં આવશે. આરોપી પાસેથી જપ્ત કરાયેલા લૅપટોપની પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્સારી કોઈ આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવે છે કે કેમ અથવા તેનો કોઈ સાથી હોય તો તેની માહિતી લૅપટોપની મદદથી શોધવામાં આવી રહી છે.

અન્સારી પાસેથી મળી આવેલા દસ્તાવેજોમાંના અમુક કાગળિયા તે કટ્ટરપંથી બનવા તરફ આગળ વધ્યો હોવાનું પુરવાર કરે છે. આ કાગળિયામાં આઈએસઆઈએસ, જેહાદ અને ગાઝા સંબંધી લખાણ હોવાનું કહેવાય છે. કાગળ પરનું લખાણ અન્સારીનું હોવાનું પ્રથમદર્શી જણાય છે. એક કાગળમાંના લખાણમાં હિંસક જેહાદને આતંકવાદી સંગઠનમાં જોડાવા માટેનું પહેલું પગથિયું ગણાવ્યું છે. આ માટે અન્ય ધર્મની વ્યક્તિ પર હુમલો કરવાનો ઉલ્લેખ કાગળમાં છે અને એટલે જ તેણે હિન્દુ વૉચમેન પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે, એવું પોલીસ સૂત્રોનું કહેવું છે.
આરોપીએ અમુક ટેલિગ્રામ ચૅનલ્સ એક્સેસ કરી હતી. આ ચૅનલ્સ પર હિંસક જેહાદી વાતોને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું કહેવાય છે. જોકે કોઈ સીધી ઑપરેશનલ લિંક્સની હજુ સુધી ખાતરી થઈ નથી.

મળતી માહિતી અનુસાર સાયન્સ ગ્રેજ્યુએટ અન્સારીને ભારત આવ્યા પછી કોઈ યોગ્ય નોકરી મળી નહોતી. પિતા અમેરિકામાં કૅબ ચલાવે છે અને સમયાંતરે તેને નાણાંકીય સહાય કરતા હોય છે. જોકે આજીવિકા માટે કૅમિસ્ટ્રીના ટ્યૂશન ક્લાસીસ ચલાવતો હોવાનો દાવો આરોપીએ કર્યો છે. એટીએસ આ દાવાની ખાતરી કરી રહી છે.