Thu Aug 27 2026

Logo

સગીરાની જાતીય સતામણીના કેસમાં યુવકને પાંચ વર્ષની કેદ

2026-05-06 18:17:00
Author: Yogesh D. Patel
સગીરાની જાતીય સતામણીના કેસમાં યુવકને પાંચ વર્ષની કેદ

થાણે: થાણેની વિશેષ પોક્સો કોર્ટે મહિલાના સ્વાંગમાં સોશિયલ મીડિયા પર 14 વર્ષની સગીરા સાથે મિત્રતા કર્યા બાદ તેની જાતીય સતામણી કરવા અને ધમકી આપવા બદલ 21 વર્ષના યુવકને પાંચ વર્ષની કેદ ફટકારી હતી.

આ કેસમાં ચુકાદો આપનારાં વિશેષ જજ રૂબી યુ. માલવણકરે દોષિત ડૉગ ટ્રેઇનર પ્રથમેશ પ્રવીણ જાધવને ફરિયાદીને 2.3 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

વિશેષ સરકારી વકીલ યોગેન્દ્ર પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી જાધવે માર્ચ, 2024માં મહિલાના સ્વાંગમાં સોશિયલ મીડિયા પર સગીરા સાથે મિત્રતા કરી હતી.

આરોપીએ બાદમાં સગીરાના મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેના ખાનગી ફોટા તથી વીડિયો મોકલવા માટે દબાણ કર્યું હતું.

ફરિયાદ પક્ષે જાધવ સામેના આરોપ પુરવાર કરવા માટે સગીરા, તેનાં માતા-પિતા, ફોરેન્સિક નિષ્ણાતો, ટેલિકોમ કંપનીનો નોડલ ઓફિસર સહિત આઠ સાક્ષીદારને ચકાસ્યા હતા.

જજ માલવણકરે જણાવ્યું હતું કે આરોપી જાધવે પીડિતાના બાલિશવયનો ફાયદો ઉઠાવ્યો હતો અને દિવસ-રાત સોશિયલ મીડિયા પર તેનો પીછો કર્યો હતો. આરોપીએ પોતાની ઇચ્છા સંતોષવા પીડિતાને મજબૂર કરી હતી. જજે કહ્યું હતું કે માત્ર પીડિતા જ નહીં, તેના આખા પરિવારને આઘાત સહન કરવો પડ્યો હતો.

વિશેષ કોર્ટે જાધવને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ અને આઇટી એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો હતો.

(પીટીઆઇ)