ભાર્ગવ ઠાકર
તિબેટનાં બર્ફીલાં અને ભયાનક શિખરોની નિર્જનતામાં ક્યાંક પ્રકૃતિનાં ભયંકર તોફાનો છુપાયેલાં છે, તો ક્યાંક અનંત શૂન્યતા અને પરમ શાંતિનો અહેસાસ સમાયેલો છે. અગિયારમી સદીના આ કઠોર અને હિમાચ્છાદિત પ્રદેશમાં, એક એવી અદ્ભુત ઐતિહાસિક ગાથા રચાઈ જેણે માનવજાતને વૈરાગ્ય અને કરુણાનો નવો પાઠ ભણાવ્યો. આ કથા છે હિમાલયના શિખર જેવી ઉન્નત કવિતાના પ્રણેતા ‘જેત્સુન મિલારેપા’ની, જેમણે પોતાની કવિતાઓ કાગળ પર નહીં, પરંતુ હિમાલયના કઠોર પથ્થરો પર પોતાની સાધનાના પરસેવાથી કોતરી છે.
ઈ.સ. 1040માં તિબેટના ‘ક્યાંગા-ત્સા’ નામના ગામમાં જે આજે તિબેટમાં છે, ત્યાં એક સમૃદ્ધ પરિવારમાં જન્મેલા મિલારેપાનું હસતું-રમતું બાળપણ પિતાની અકાળ વિદાયને કારણે વેરવિખેર થઈ ગયું. તેમના લોભી કાકા-કાકીએ પરિવારની તમામ સંપત્તિ પચાવી પાડી અને મિલારેપા, તેમની માતા ‘ન્યોંગ્સા’ તથા બહેન ‘પેટા ગોન્કી’ને પોતાના જ ઘરમાં ગુલામ બનાવીને અપમાનિત કર્યા. માતાના આદેશ અને સામાજિક અન્યાયની આ ભઠ્ઠીમાં બળતા મિલારેપાના નિર્દોષ હૃદયમાં વૈરાગ્ય નહીં, પણ વેરની આગ ભભૂકી ઊઠી.
વેર વાળવાની ભાવનાથી તેઓ ‘યાંગલુન’ નામના માર્ગદર્શક પાસે ગયા અને મેલી વિદ્યા (ઇહફભસ ખફલશભ) પ્રાપ્ત કરી. એક અંધારી ગુફામાંથી પ્રકૃતિની વિનાશક શક્તિઓને આહ્વાન આપીને તેમણે કાકાના ઘરે ચાલતા ભવ્ય લગ્નપ્રસંગમાં મોતનો કહેર વર્તાવ્યો. મકાન તૂટી પડતાં 35 લોકો કચડાઈને મૃત્યુ પામ્યા અને ખેતરોમાં બરફના કરા વરસાવી બધું વેરાન કરી દીધું. પરંતુ, જ્યારે આ ખંડેર પર ઊભા રહીને તેમણે લોહીની ગંધ શ્વાસમાં ભરી, ત્યારે તેમનો આત્મા ચિત્કાર કરી ઊઠ્યો અને પ્રચંડ પસ્તાવો એ જ તેમની કવિતાનો પ્રથમ શબ્દ બન્યો.
શાંતિની શોધમાં ભટકતા મિલારેપા તિબેટના મહાન ગુરુ ‘માર્પા’ના શરણે ગયા. ગુરુએ આ લોહીથી ખરડાયેલા યુવાનને મંત્ર આપવાને બદલે અત્યંત કઠોર શારીરિક શ્રમ આપ્યો. પહાડની ટોચ પર પથ્થર ઉંચકીને મીનારા બનાવવાના અને અડધા બને એટલે ગુરુના આદેશથી તોડી નાખવાના, આવો ક્રમ સતત ચાલ્યો. પીઠ પર પડેલા ચાંદા અને વહેતા પરુ વચ્ચે પણ તેઓ અશ્રુભીની આંખે પસ્તાવાની આગમાં તપતા રહ્યા અને ગાયું:
‘હે રત્ન સમાન ગુરુ! હું પ્રાર્થના કરું છું કે મારા ભયાનક પાપોને ઓગાળીને મને શુદ્ધ કર. જ્યાં સુધી મારો અહંકાર સંપૂર્ણ નાશ નહીં પામે, ત્યાં સુધી હું આ કઠોર સાધનાના પથ પર ચાલતો રહીશ.’
વર્ષોની અગ્નિપરીક્ષા પછી જ્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે તેમની વાણીમાંથી વૈરાગ્યના ફૂલો ખરવા લાગ્યા:
‘મને હવે દુન્યવી પુસ્તકોની જરૂર નથી, કૈલાસ પર્વત જેવી પવિત્ર ઊંચાઈઓ જ મારું ધ્યાન છે. હું હવે એ સહજ અવસ્થામાં પહોંચ્યો છું, જ્યાં શ્વાસ લેવો એ જ મારું પરમ સંગીત છે.’
પોતાના ગામ પાછા ફર્યા ત્યારે ખંડેર બનેલા ઘરના ઉંબરે માતાના અસ્થિઓ વેરાયેલા પડ્યા હતા અને બહેન પેટા ભિક્ષુક બની ગઈ હતી. નશ્વરતાના આ સાક્ષાત્કારથી મિલારેપાએ સંસાર તરફ કાયમ માટે પીઠ ફેરવી લીધી. અનંત આકાશમાં મુક્ત વિહાર કરતા પક્ષીની જેમ તેમણે ગાયું:
‘હું યોગી મિલારેપા છું, જેણે સંસારના તમામ વળગણોને ત્યજી દીધા છે. હું અનંત આકાશમાં એવો મુક્ત વિહાર કરું છું, જેમ કોઈ પક્ષી આભમાં નિર્ભયપણે પાંખો ફેલાવે છે.’
હિમાલયની લાપચી ગુફાઓની ભયાનક એકલતામાં મિલારેપાએ અઘોર સાધના શરૂ કરી. માત્ર ‘નેટલ’ (કાંટાળી વનસ્પતિ) ખાઈને તેમનું શરીર કૃશ થઈ ગયું અને ત્વચાનો રંગ લીલો પડી જતાં લોકો તેમને ‘લીલો યોગી’ કહેવા લાગ્યા. તેમની કરુણા અને ગીતોથી પેટાનું હૃદય પરિવર્તિત થયું અને તે તેમની શિષ્યા બની ગઈ. ઇતિહાસ દર્શાવે છે કે આ જ પેટા એક ‘સિદ્ધ યોગિની’ બની અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ ગઈ.
યોગીની આ કરુણા માત્ર મનુષ્યો પૂરતી સીમિત નહોતી. એકવાર જીવ બચાવવા દોડતું હરણ અને તેની પાછળ પડેલો શિકારીનો ખૂંખાર કૂતરો, બંને તેમની ગુફામાં આવીને નિર્ભય બની શાંતિથી બેસી ગયા. પાછળ આવેલો શિકારી આ દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયો, પોતાનું ધનુષ તોડી નાખ્યું અને તેમનો શિષ્ય બની ગયો.
જેમ જેમ મિલારેપાની ખ્યાતિ અને આધ્યાત્મિક સુવાસ આખા તિબેટમાં ફેલાવા લાગી, તેમ કેટલાક પાખંડીઓ તેમની પ્રચંડ ઈર્ષ્યા કરવા લાગ્યા. આ લોકોમાં ‘ગેશે ત્સકપુ’ નામનો એક અત્યંત અહંકારી પંડિત હતો. તેણે એક વાટકીમાં દહીં લીધું અને તેમાં અત્યંત જલદ અને જીવલેણ ઝેર ભેળવીને મિલારેપાને ખાવા માટે આપ્યું. મિલારેપા તો ત્રિકાળજ્ઞાની હતા; એ સમજી ગયા કે વાટકીમાં માત્ર દહીં નહીં, પરંતુ મોત છુપાયેલું છે.
સામાન્ય માણસ હોત તો ક્રોધિત થઈને વાટકી ફેંકી દેત, પરંતુ મિલારેપાનું હૃદય તો કરુણાનો મહાસાગર હતું. જો પોતે આ ઝેર ન પીએ અને પંડિતને ખુલ્લો પડી દે, તો એ અહંકારી પંડિત વધુ પાપમાં પડે અને આજીવન દુ:ખી થાય. પોતાના હત્યારાને પાપ અને દુ:ખમાંથી બચાવવાના પરમ કરુણાભાવથી મિલારેપાએ મોતના એ પ્યાલાનો હસતાં મોઢે સ્વીકાર કર્યો! એ જલદ ઝેર ગળાની નીચે ઉતર્યા પછી પણ તેમના ચહેરા પર વેદનાની એક પણ રેખા નહોતી, માત્ર એક દિવ્ય અને ક્ષમાશીલ શાંતિ હતી.
જ્યારે તેમના શરીર પર ઝેરની ઘાતક અસર થવા લાગી અને અંતિમ સમય નજીક આવ્યો, એ સમયે મિલારેપાએ પોતાનું છેલ્લું ગીત ગાયું, જે આજે પણ તિબેટના લામાઓ ભીની આંખે ગાય છે:
‘હવે હું તે અનંત આકાશમાં ભળી રહ્યો છું, જ્યાં ન જન્મ છે, ન મૃત્યુ, માત્ર પરમ શાંતિ છે. આકાશમાં ક્યારેય ડાઘ પડતો નથી, તેમ મારો આત્મા પણ હવે કાયમ માટે મુક્ત છે.’
ઈ.સ. 1123માં 84 વર્ષની વયે આ મહાન કવિએ દેહત્યાગ કર્યો. જ્યારે તેમની ચિતા પ્રગટાવવામાં આવી, ત્યારે આખું આકાશ મેઘધનુષોથી ભરાઈ ગયું હતું અને વાતાવરણમાં ફૂલોની સુગંધ પ્રસરી ગઈ હતી. શિષ્યોએ તેમના મૃત્યુ બાદ તેમની નિત્ય બેસવાની જગ્યા તપાસી ત્યાંથી એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું:
‘મારો સાચો ખજાનો મારી સાધના છે. જો તમે ખરેખર સુખી થવા માંગતા હોવ, તો વેરની ભાવના છોડી દો અને પ્રેમને અપનાવો.’
પોતાની પરમ શક્તિ દ્વારા કૈલાશ પર્વત સર કરનાર વિશ્વના એક માત્ર યોગી મિલારેપા માત્ર એક કવિ નહોતા; તેમનું સમગ્ર જીવન જ એક કવિતા હતું. પથ્થર જેવા હૃદયમાં પસ્તાવાનું ઝરણું ફૂટે અને તેમાંથી કરુણાનો એવો સાગર રચાય કે જે ઝેર આપનારને પણ અમૃતની વહેંચણી કરે આ ઘટના વાંચતી વખતે આજે પણ હૃદય ભરાઈ આવે છે. બદલાની ભાવનાથી બળતો માણસ કેવો વિનાશ નોતરે છે અને ક્ષમા આપનારો માણસ કેવી રીતે ઈશ્વર બની જાય છે, તેનું આ પૃથ્વી પરનું સૌથી મોટું જીવંત કાવ્ય એટલે જેત્સુન મિલારેપા.