Tue Jul 28 2026

Logo

વિશેષઃ નવજાત માતાને કયો દેશ સૌથી વધુ રજા આપે છે?

2026-03-26 09:54:00
Author: Jashwant Pandya
Article Image

 

જયવંત પંડ્યા

તાજેતરમાં અમેરિકાની એક મહિલા કર્મચારીને ગર્ભાવસ્થામાં કંપનીએ સુવિધા ન આપતાં ત્યાંની ઓહિયો ન્યાયાલયે કંપનીને 2.25 કરોડ ડૉલર અર્થાત્ રૂ. 200 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો. 

ચેલ્સીયા વોલ્શન નામની મહિલા ‘ટોટલ ક્વોલિટી લોજિસ્ટિક’ કંપનીની સ્ટાફ  હતી. પાંચ વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં તે ગર્ભવતી હતી. તેને ગર્ભનું જોખમ હતું. તેથી તેણે કંપનીમાં આવેદન કરી વર્ક ફ્રોમ હોમ માગ્યું, પણ કંપનીએ તેને નકારી દીધું. તેને બે વિકલ્પ આપવામાં આવ્યા: કાં તો ઑફિસે આવીને કામ કરતા રહો અથવા તો પગાર વગરની રજા પર ઊતરી જાવ... પરંતુ પગાર વગરની રજા પર ઊતરી જાય તો તેને હેલ્થ ઇન્સ્યોરન્સ અને પગાર બંનેની ખોટ જાય. આર્થિક તંગીને કારણે ચેલ્સીયાએ પહેલો વિકલ્પ ઑફિસે જઈને કામ કરવાનો પસંદ કર્યો હતો.  

24 ફેબ્રુઆરી 2021એ ઑફિસમાં સતત ત્રણ દિવસ કામ કર્યા પછી ચેલ્સીયાને વેણ (લેબર પેન) ઊપડી. ચેલ્સીયાને નિયત સમય કરતાં અઢાર સપ્તાહ પહેલાં બાળકીને જન્મ આપ્યો. જન્મસમયે બાળકીનું હૃદય ધબકતું હતું અને શ્વાસ પણ ચાલતા હતા, પરંતુ દુ:ખદ વાત એ બની કે દોઢ કલાકની અંદર જ એ દીકરી મૃત્યુ પામી!

ચેલ્સીયા દુ:ખમાં સરી પડે તે તો સ્વાભાવિક હતું, પરંતુ તેણે લડત આપવાનું નક્કી કર્યું. પરિવારે કંપનીને ન્યાયાલયમાં ઘસડી. પરિવારને લાગ્યું હતું કે જો ચેલ્સીયાને ઘરેથી કામ કરવાની છૂટ અપાઈ હોત તો કદાચ આટલી વહેલી પ્રસૂતિની સ્થિતિ ન આવી હોત. અથવા તો દીકરીનું મૃત્યુ ન થયું હોત.

ન્યાયાલયે તાજેતરમાં ચેલ્સીયાની તરફેણમાં ચુકાદો આપ્યો. ન્યાયાધીશોએ કહ્યું કે કંપનીએ ગર્ભવતીને લગતી આરોગ્યની સમસ્યાઓની ગંભીરતા સમજવી જોઈએ અને કાર્યસ્થળે પણ આવશ્યક હોય ત્યારે સહાય પૂરી પાડવી જોઈએ.

નવાઈ લાગશે પણ જ્યાં સુધી માતૃત્વ રજા પગાર સાથે આપવાની વાત ચર્ચાય છે તેવા ટોચના દસ દેશમાં અમેરિકા અને યુરોપના મોટા દેશોનો સમાવેશ નથી થતો! હા, આ દેશો આપણને ફેમિનિઝમ નારીવાદ વિશે લાંબાં પહોળાં લેક્ચર આપતા રહે છે અને આપણા દેશોના ફેમિનિસ્ટો પણ અમેરિકા અને યુરોપની દુહાઈ દેતા રહે છે. 

આવા દસ દેશોમાં સૌથી મોખરે નામ છે યુરોપનું એસ્ટોનિયા. એસ્ટોનિયામાં નવજાત માતાને 100 ટકા પગાર સાથે 86 સપ્તાહ એટલે કે એક વર્ષ અને સાડા છ મહિનાની રજા મળે છે...

યુરોપના દેશ સ્વીડનમાં 68.5 સપ્તાહ એટલે કે એક વર્ષ અને ત્રણ મહિના અને પચ્ચીસ દિવસની રજા છે. આ રજાઓ માત્ર માતાને જ મળે તેવું નથી. એ રજા માતા-પિતા વચ્ચે વહેંચાઈ જાય છે. પગારમાં પહેલા 390 દિવસ સો ટકા સાથે રજા મળે છે. તે પછીના 90 દિવસ ફ્લેટ રેટ સાથે મળે છે.

આ જ રીતે નોર્વેમાં 49 સપ્તાહની પૂરા પગાર સાથે અથવા વધુ રજા જોઈતી હોય તો 59 સપ્તાહની 80 ટકા પગાર સાથે રજા મળે છે. 

બલ્ગેરિયામાં માતાને 58.6 સપ્તાહની રજા 90 ટકા પગાર સાથે મળે છે.
ગ્રીસમાં જરા જુદું છે. અહીં માતાને પહેલાં 17 સપ્તાહની રજા પૂરા પગાર સાથે મળે છે. તે પછીનાં 26 સપ્તાહ લઘુતમ પગાર ધોરણ મુજબ પગાર મળે છે.

યુકેમાં માતૃત્વ રજા 39 સપ્તાહની છે, જેમાં છ સપ્તાહ 90 ટકા પગાર સાથે, 33 સપ્તાહ વૈધાનિક ફ્લેટ રેટ સાથે મળે છે. 

ચીલીમાં સામાન્ય રીતે 18 સપ્તાહની રજા પૂરા પગાર સાથે મળે છે, પરંતુ જો વધુ 1 સપ્તાહની રજા જોઈતી હોય તો તે પણ મળે છે અને હા, તેમાં પણ કોઈ પગાર કાપ આવતો નથી.! 

વિયેતનામમાં 26 સપ્તાહની રજા સો ટકા પગાર સાથે મળે છે. આ ઉપરાંત ત્યાં બાળકજન્મ ભથ્થું પણ બે મહિના સુધી મળે છે જે બેઝિક સેલેરી જેટલું હોય છે.

આ બધા દેશોની યાદીમાં ભારતનું નામ પણ છે. ભારતમાં પ્રથમ બે બાળકો માટે 26 સપ્તાહની માતૃત્વ રજા મળે છે અને તે પણ પૂરા પગાર સાથે. અને હા, ત્રીજું બાળક થાય તો 12 સપ્તાહની રજા મળે છે.

આના સમાંતરે આજે ઉદ્યોગજગતમાં પણ મંથન ચાલે છે કે શું મહિલા કર્મચારીઓને નોકરી આપવી તેમની કંપનીઓ માટે ઉત્પાદન અથવા કામકાજની દૃષ્ટિએ લાભદાયક છે? આ વાત મહિલા વિરોધી લાગી શકે છે, પરંતુ સત્ય એ છે કે ભારતમાં 73 ટકા મહિલા માતા બન્યા પછી કાં કારકિર્દી સંપૂર્ણપણે છોડી દે છે અથવા બ્રેક લઈ લે છે. આથી કંપનીઓ પણ પોતાનું હિત વિચારે છે. 

ભલે સત્તાવાર રીતે, પોર્ટલ પર, કે પછી જાહેરખબરોમાં એ જે કહે તે, પણ ગર્ભવતી મહિલાઓ માતા બને તે પછી કંપનીને કેટલું નુકસાન જશે તેનો તો એ  વિચારે કરે જ છે. આને મહિલાવાદી ઓ ‘મેટરનિટી પેનલ્ટી’ કહે છે એટલે કે ઘણી કંપનીઓ મહિલાઓને નોકરી આપતાં કે તેમને પ્રમોશન આપતાં વિચારે છે. એ બધા માતૃત્વ રજાના કારણે કંપની પર કેટલું ભારણ આવશે અને કામકાજને કેટલો આર્થિક ફટકો પડશે તેની ગણતરી કરે છે.                             

આ બધા વચ્ચે માતૃત્વ રજા ઉપરાંત ભારતમાં હવે માસિક દરમિયાન રજાની પણ આવકાર્ય પહેલ શરૂ થઈ છે. આને લઈને કર્ણાટકે પહેલ કરી છે. ત્યાંની રાજ્ય સરકારની નીતિ અનુસાર 18-52 વર્ષની વયના ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓને માસિક રજા મળી શકશે... 

જોકે, માર્ચ 2026માં, ભારતની સુપ્રીમ કોર્ટે દેશભરમાં આવી માસિક રજાને સંભવિત ભરતી ભેદભાવને ટાંકીને, ફરજિયાત બનાવવાનો ઇનકાર કર્યો છે...