Fri Sep 04 2026

Logo

ફેશન : ચોમાસામાં બેસ્ટ ઑપ્શન થ્રી-ફોર્થ

2026-09-03 08:26:00
Author: Khushbu Mulani Thakkar
ફેશન : ચોમાસામાં બેસ્ટ ઑપ્શન થ્રી-ફોર્થ

 

-ખૂશ્બુ મુલાણી ઠક્કર

મુંબઈ અને ગુજરાતનાં મોટાં શહેરોમાં ચોમાસું આવતાં જ કપડાંની પસંદગી એક મોટી સમસ્યા બની જાય છે. ખાસ કરીને વર્કિંગ મહિલાઓ, કૉલેજ જતી યુવતીઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારાઓ માટે વરસાદમાં કપડાં ભીંજાઈ જવાની ચિંતા સતત રહે છે. ગમે તેટલા વ્યવસ્થિત અને મોંઘાં કપડાં પહેરો, મુંબઈના વરસાદમાં ભીંજાયા વગર રહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં એવાં કપડાંની જરૂર પડે છે જે ઓછાં ભીંજાય, જલ્દી સુકાઈ જાય અને આરામદાયક રહે. આ સંદર્ભમાં થ્રી-ફોર્થ લેન્થનાં કપડાં એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે.

થ્રી-ફોર્થ લેન્થ એટલે ગોઠણ અને એંકલ વચ્ચેની લંબાઈવાળાં કપડાં. આમાં કૅપ્રી, ક્લોટ્સ, કુલોટ્સ, પેલેઝોના થ્રી-ફોર્થ વર્ઝન અને વિવિધ સ્ટાઇલના પૅન્ટ્સ આવે છે. આ કપડાંનો સૌથી મોટો ફાયદો એ છે કે પગનો નીચેનો ભાગ ખુલ્લો રહે છે. વરસાદમાં જો પગ ભીંજાય તો પણ કપડાં વધુ સમય સુધી ભીંજાયેલાં નથી રહેતાં અને હવા આવવાથી જલ્દી સુકાઈ જાય છે. પૂર્ણ લંબાઈનાં પૅન્ટ કે સાડીની સરખામણીમાં આ વિકલ્પ વધુ વ્યવહારુ છે.  

કૅપ્રી - કૅપ્રી એટલે કેે જેની લેન્થ ગોઠણ અને એંકલની વચ્ચે હોય છે. કૅપ્રી લેંથ કૉલેજ જતી યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. કૅપ્રીમાં ઘણાં ઑપ્શન હોય છે. જેમ કે, ડેનિમ, કૉટન કે પછી હોજિયરી  કૉટન. જો ચોમાસામાં ડેનિમ પહેરીએ અને જો ડેનિમ કૅપ્રી ભીના થાય તો જલ્દીથી સુકાતાં નથી. કૉટનનાં કૅપ્રી જો ભીનાં થાય તો શરીરીને ચોંટી જાય છે અને જલ્દીથી સુકાતાં પણ નથી. ચોમાસામાં સૌથી બેસ્ટ ઑપ્શન હોય તો કૉટન હોજિયરી કે જે ભીનાં થાય તો જલ્દીથી સુકાઈ જાય છે. કૅપ્રી લેન્થનો ફાયદો એ છે કે પગના નીચેના ભાગ પર કોઈ  ફેબ્રિક ન હોવાને કારણે પગ ભીના થાય તો પણ જલ્દી થઈ સુકાઈ જાય  છે. આ કૅપ્રી સાથે તમે સિન્થેટિક ફૅબ્રિકનાં ટૉપ્સ કે પછી શર્ટ પહેરી શકો. 

ડ્રેસ - ચોમાસામાં થ્રી-ફોર્થ ડ્રેસ પણ એક સારો ઑપ્શન છે. ખાસ ધ્યાન રાખવું કે સિન્થેટિક ફૅબ્રિકના હોવા જોઈએ કે જે ભીનાં થાય તો જલ્દીથી સુકાઈ જાય. જો તમે વર્કિંગ છો અને તમારુંં શરીર ભરાવદાર છે તો યોકવાળા ડ્રેસ ન પહેરવા. યોકવાળા ડ્રેસ પહેરવાથી બસ્ટ અને કમરનો ભાગ વધારે ઊભરીને આવે છે. 

ખાસ કરીને ડાર્ક કલરના થ્રી-ફોર્થ ડ્રેસ પહેરવા જેથી જો ભીંજાય જવાય તો ખરાબ ન લાગે. તમે થ્રી-ફોર્થ લેન્થને બદલે ની-લેન્થ પણ પહેરી શકો. તમારી હાઇટ અને  બૉડી ટાઇપ પ્રમાણે તમે ડ્રેસના લેન્થનું સિલેક્શન કરી શકો. ઑફિસ વેર માટે ડ્રેસ એક બેસ્ટ ઑપ્શન છે, કારણ કે ડ્રેસ પહેરવાથી એક સ્ટાઇલિશ અને નિટ લુક આવે છે. 

સ્કર્ટ - થ્રી-ફોર્થ સ્કર્ટ એક સ્માર્ટ અને આકર્ષક લુક આપે છે. તેને બ્લાઉઝ કે ટૉપ સાથે પહેરીને સરળતાથી ઑફિસ કે કૅઝ્યુઅલ લુક આપી  શકાય છે, પરંતુ જો તમારે ઑફિસમાં પહેરવાના હોય તો કાળજી જરૂરી છે. સ્કર્ટની લંબાઈ એવી રાખો કે જે બેસતી વખતે કે પવનમાં ઊડતી વખતે અનુચિત ન લાગે. ઑફિસ માટે એ-લાઇન કે સ્ટ્રેટ કટની સ્કર્ટની પસંદગી કરવી. સિન્થેટિક ફૅબ્રિકનાં સ્કર્ટ પસંદ કરો જેથી ભીંજાયા પછી જલ્દી સુકાઈ જાય. કૉટનનાં સ્કર્ટ ભીંજાયા પછી વજનમાં ભારે થઈ જાય છે અને શરીરને ચોંટી જાય છે. ડાર્ક કલરનાં સ્કર્ટ વરસાદમાં વધુ સુરક્ષિત રહે છે. 

વધારાની ટિપ્સ અને સંભાળ
થ્રી-ફોર્થ કપડાં સાથે હંમેશાં ક્વિક-ડ્રાય કે સિન્થેટિક ટૉપ્સ, શર્ટ કે બ્લાઉઝ પહેરવાં. પગ માટે વૉટરપ્રૂફ સૅન્ડલ કે હલકાં જૂતાં પસંદ કરો. ભીંજાયેલાં કપડાંને તરત જ બદલી લેવાં અને ઘરે આવીને સારી રીતે સુકાવવાં. આ કપડાં હલકાં હોવાથી ધોવા અને સુકાવવામાં પણ ઓછો સમય લાગે છે. જો શક્ય હોય તો એક અલગ સેટ કપડાં બૅગમાં રાખો જેથી જરૂર પડે તો બદલી શકાય.