ફેશન પ્લસ - પ્રતિમા અરોરા
દશકો સુધી સૌંદર્યની દુનિયામાં ગોરી, બેડાઘ અને ચમકદાર ત્વચાને જ સુંદરતાનું ધોરણ માનવામાં આવતું હતું, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે બ્યુટી ટ્રેન્ડ કોઈ એક ખાસ કલર કે મેકઅપ લૂકનો નહીં પરંતુ ત્વચાના પ્રાકૃતિક સુરક્ષા સ્તરને સ્વસ્થ રાખવાનો છે, કારણ કે જે સ્વસ્થ હોય છે એ જ સુંદર દેખાય છે. દુનિયાભરના ત્વચા નિષ્ણાતો હવે એ વાત પર જોર આપે છે કે જો તમારી ત્વચાનું સુરક્ષાસ્તર મજબૂત હોય તો એ પોતાની રીતે જ સ્વસ્થ, મુલાયમ અને ચમકતી જોવા મળે છે. સામાન્ય રીતે ત્વચાનો રંગ જન્મજાત હોય છે. પરંતુ એનું આરોગ્ય આપણી દેખભાળ પર નિર્ભર કરે છે. એટલે હવે બ્યુટી ઇન્ડસ્ટ્રીનું ફોકસ ફેરનેસથી હટીને સ્કીન હેલ્થની તરફ વધી રહ્યું છે અને એ ધારણા મજબૂત થઈ રહી છે કે અમારી ત્વચાનું સૌથી બહારનું સ્તર શરીરને ફક્ત ઢાંકવાનું જ કામ નથી કરતું, પરંતુ એ એક પ્રાકૃતિક સુરક્ષાકવચ પણ છે.
આ સ્તર ત્વચાની અંદર નમી બનાવી રાખે છે અને ધૂળ, પ્રદૂષણ, બૅક્ટેરિયા તથા એલર્જી ઉત્પન્ન કરવાવાળાં તત્ત્વો તેમ જ હાનિકારક રસાયણોથી પણ એની રક્ષા કરે છે. જો આ સ્તર કમજોર થઈ જાય તો ત્વચા જલદી શુષ્ક અને બેજાન દેખાવા લાગે છે. ખૂજલી, લાલાશ, બળતરા અને વારંવાર થતા નાના નાના દાણા પણ એના સંકેત હોઈ શકે છે. આજની ભાગદોડવાળી જીવનશૈલીમાં અમારી કેટલીક આદતો અજાણતાં જ આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. વારંવાર ચહેરાને ધોવો, જરૂરતથી વધારે ત્વચાને ઘસવું, વધારે પડતા ગરમ પાણીથી નાહવું, સનસ્ક્રીન લગાડ્યા વગર બહાર નીકળવું, ઓછું પાણી પીવું વગેરે કારણોને કારણે આપણા શરીરની બહારની ત્વચાનું સ્તર કમજોર થઈ જાય છે.
વરસાદની સિઝનમાં વાતાવરણમાં નમી, ગરમી અને પ્રદૂષણનું સંતુલન બગડી જતું હોય છે એટલે આ સિઝનમાં આપણી ત્વચાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. એક સમય હતો જ્યારે લોકો સવાર-સાંજ કેટલીય પ્રકારની ક્રીમ અને ફેસપૅકનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. હવે નિષ્ણાતોનું માનવું છે કે દરેક વ્યક્તિ માટે 10-10 ઉત્પાદકની જરૂર નથી હોતી. ત્વચાને આવશ્યકતા પૂરતી જ દેખભાળની જરૂર છે. એક સૌમ્ય ક્લીંજર, ત્વચાને અનુરૂપ મૉઇશ્ર્ચરાઇજર, દિવસે સનસ્ક્રીન અને આવશ્યકતા અનુસાર ડૉક્ટરની સલાહથી પસંદ કરવામાં આવેલાં સક્રિય તત્ત્વો જ પૂરતાં હોય છે, પરંતુ લોકોમાં એક એવો ભ્રમ છે કે શુષ્ક ત્વચાવાળાઓને જ મૉઇશ્ર્ચરાઇજરની જરૂર હોય છે. એવું નથી, તેલીય ત્વચાવાળાઓને માટે પણ મૉઇશ્ર્ચરાઇજરની જરૂર પડતી હોય છે, કારણ કે ત્વચા વધારે સૂકી થઈ જાય તો એ વધારે તેલ બનાવવા લાગે છે, એનાથી ખીલની સમસ્યા વધી શકે છે. એટલે પોતાની ત્વચાને અનુસાર હલકાં કે ગાઢાં મૉઇશ્ર્ચરાઇજર પસંદ કરવાં યોગ્ય રહે છે.
જ્યારે આકાશમાં વાદળો છવાયેલાં હોય છે ત્યારે પણ સૂર્યનાં અલ્ટ્રા વાયોલેટ કિરણો સીધાં આપણા સુધી પહોંચતાં હોય છે. એટલે આ સિઝનમાં પણ સનસ્ક્રીન લગાડવું એટલું જ જરૂરી છે જેટલું ગરમીની સિઝનમાં. એે ત્વચાને નુકસાન થતું અટકાવી શકે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે મોંઘુંથી મોંઘું ઉત્પાદક ત્યારે જ પોતાની અસર બતાવે જ્યારે તમારા શરીરને અંદરથી પૂરતું પોષણ મળતું હોય. મોસમી ફળ, લીલાં શાકભાજી, પૂરતા સૂકા મેવા અને સંતુલિત ભોજન ત્વચાની કોશિકાઓને સ્વસ્થ બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પૂરતી ઊંઘ અને તણાવ પર નિયંત્રણ પણ ત્વચાની પ્રાકૃતિક ચમકને વધારે છે. સોશ્યલ મીડિયા પર રોજ નવા નવા બ્યુટી ટ્રેન્ડ બતાવવામાં આવે છે, પરંતુ દરેક વાઇરલ નુસખો તમારી ત્વચા માટે સુરક્ષિત જ હોય એ જરૂરી નથી. એટલે કોઈ પણ નવા ઉત્પાદકને અજમાવતાં પહેલાં પોતાની ત્વચાની પ્રકૃતિને સારી રીતે સમજીને એને કયા પ્રકારના પોષણની જરૂર છે એ જાણી લેવું, કારણ કે ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. આજે ખૂબસૂરતીનો અર્થ ફક્ત ગોરા દેખાવા પૂરતો જ નથી રહ્યો, પરંતુ સ્વસ્થ, આત્મવિશ્ર્વાસી અને પ્રાકૃતિક દેખાવું વધુ આકર્ષક છે. જ્યારે ત્વચાનું સ્તર મજબૂત હોય ત્યારે જ મેકઅપ પણ સુંદર લાગે છે અને ત્વચા લાંબા સમય સુધી જવાન દેખાય છે.
ત્વચાના પહેલા સ્તરને આવી રીતે મજબૂત બનાવો
- દિવસમાં બે વારથી વધુ ચહેરો ન ધોવો.
- પોતાની ત્વચાને અનુસાર સૌમ્ય ક્લીંજર પસંદ કરો.
- રોજ સનસ્ક્રીન લગાવો, ભલે આકાશમાં વાદળ હોય.
- વધુ પડતા સ્ક્રબિંગથી બચો.
- નવા બ્યુટી પ્રોડક્ટની પહેલાં એક નાની ટેસ્ટ લો. પાંચ કલાક સુધી કોઈ રીઍક્શન જોવા ન મળે તો એને પોતાના માટે યોગ્ય સમજો.
સાત-આઠ કલાક ઊંઘ લેવાનો પ્રયાસ કરો અને હા, વારંવાર ચહેરાને સ્પર્શ ન કરો.
જો આ નિયમ અપનાવવામાં આવે તો ત્વચાનું બહારનું સ્તર સ્વસ્થ અને સુરક્ષિત રહે છે અને સુંદર લાગે છે.