લાફટર આફટર - પ્રજ્ઞા વશી
‘હવે સરકારી ગ્રાન્ટમાં શાળા ચલાવવી અઘરી છે.’ સાહેબે શિક્ષકો, ક્લાર્ક, સેવકોની એક મીટિંગ કરી અને સૂચના આપતાં કહેલું. જોકે ત્યારે આચાર્યને ક્યાં ખબર હતી કે શાળાનો મારો સ્ટાફ મારી વાતને આટલી હદ સુધી અમલમાં મૂકશે!
મજા તો એ વાતની હતી કે સાહેબની મીટિંગ બાદ શિક્ષકોએ રિસેસમાં ફરી મીટિંગ કરી. ચા-પાણી અને નાસ્તો બરાબર પેટ ભરીને કર્યો. એ પછી થોડી તાકાત એકઠી થઈ અને એક શિક્ષક બોલ્યા, ‘સાહેબની વાત વિચારવા જેવી તો ખરી જ. આપણે સહુએ કરકસર કરવી જોઈએ અને છોકરાઓને પણ કરકસરના પાઠ ભણાવવા જોઈએ.’
વિજ્ઞાન શિક્ષકે કહ્યું, ‘હું વિચારું છું કે બાળકોને હવે પછી કોઈ પણ પ્રયોગ કરાવવા નહીં. પ્રયોગનાં સાધનો મગાવવાના તેમ જ કેમિકલના ખર્ચા બચી જાય એવું કંઈક મારે કરવું પડશે.
સાહેબની આજ્ઞાનું પાલન તો આખરે કરવું જ રહ્યું. તો ચાલો, દરેક શિક્ષક પોતપોતાની રીતે કરકસર કરીને સાહેબ તેમ જ શાળાનું નામ રોશન કરીએ. આખા પંથકમાં ખબર પડવી જોઈએ કે સ્કૂલ હોય તો આવી.’
જોકે એ મીટિંગ એટલી લાંબી ચાલી કે એક શિક્ષકે પટાવાળાને રિસેસ લંબાવી દેવાનો આદેશ આપ્યો. એકે કહ્યું કે ‘સાહેબે ખર્ચામાં કરકસર કરવા કહી છે, સમયમાં નહીં. માટે આજે જેટલી ચર્ચા કરવી હોય તે કરીને ઍક્શન પ્લાન બનાવી જ દો.’
એક શિક્ષકે કહ્યું, ‘રિસેસ લંબાવવાથી બાળકોનો એક આખો તાસ ઓછો થઈ જશે એનું શું? એના કરતાં આજે ઘરે જઈને વિચારજો.’
અતિ જ્ઞાની એવા મૉનિટરો સાહેબના નાસ્તા-પાણી લઈને આવ્યા ત્યારે સાંભળી ગયા હતા કે આજે રિસેસ લંબાવવી જ પડશે. ગ્રાઉન્ડ ઉપર જઈને મૉનિટરે ખુશખબર શું આપ્યા કે બાળકો પોતપોતાની ગમતી રમતમાં પડી ગયાં અને બે બાળકોને વાંકું પડતાં મારામારીમાં લાગી ગયાં. આખરે લોહીલુહાણ થયેલાં આ બંને બાળકને લઈને આ કેસ સાથે મૉનિટર સ્ટાફ રૂમમાં હાજર થયો. બસ, પછી કરકસર અને ઍક્શન પ્લાન બંધ કરીને બાળકોની ફરિયાદ તેમ જ પ્રાથમિક સારવારનો ઍક્શન પ્લાન શરૂ થયો.
એક શિક્ષકે કહ્યું, ‘પ્રાથમિક સારવાર કેવી રીતે કરીશું? પ્રાથમિક સારવારનું બૉક્સ તો ખાલી છે. એક કામ કરો. ફોન કરીને આ તોફાનીઓનાં મા-બાપને બોલાવો અને બાળકોને જલદી દવાખાને લઈ જાય એવી સલાહ આપો.’
બીજા શિક્ષકે અનુમોદન આપ્યું. ‘આ કરકસરનો જ એક ભાગ છે. વેલ ડન... વેલ ડન... સાંજે આપણે આખા દિવસની ડાયરી લખવાની છે કે આપણે શું શું કાર્ય કર્યાં. તો એમાં બધા લખજો કે સવારે સાહેબે કરકસર કરવા કહ્યું અને અમે ‘ચટ મંગની પટ બ્યાહ’ની માફક ઍક્શન પ્લાન બનાવ્યો. સારવારનો તમામ ખર્ચ જે તે વાલીને ફાળવી દીધો.’
આ કરકસર કરવાની ટકોર બાદ શિક્ષકોએ સાહેબ પાસે જઈને એક પણ સાધન કે વસ્તુ માટેની માગણી સુધ્ધાં ન કરી. પોતાની શાળાના શિક્ષકો આટલા સમજદાર અને કર્તવ્યપરાયણ છે એ માટે એમણે એક મીટિંગ કરીને દરેક શિક્ષકોનાં ખૂબ વખાણ કર્યાં.
પ્રથમ પરીક્ષા બાદ બીજા સત્રમાં શાળાનું ઇન્સ્પેક્શન આવ્યું. સાહેબે ફરી મીટિંગ કરી અને શાળાને ફૂલો તેમ જ ચિત્રોથી શણગારવાનો આદેશ આપ્યો. દરેક બોર્ડ ઉપર સુવાક્યો લખવાં, કવિતા, સુવિચાર, ચિંતન કણિકા લખવાનો આદેશ આપ્યો. સાહેબ તો આદેશ આપવા જ હોય ને?
ઇન્સ્પેક્શનના દિવસે એક આખી ટીમ આવી અને પહેલાં બધાં બાળકોનાં રિઝલ્ટ તપાસ્યાં. માતૃભાષા ગુજરાતીમાં પણ બાળકો નાપાસ થયાં એ જાણ્યા પછી છોકરાઓની નોટબુક મગાવી. એ પછી પ્રયોગપોથી, ડ્રૉઇંગ બુક મગાવી. પણ કૂવામાં હોય તો હવાડામાં આવે ને! અડધાં બાળકો પાસે પ્રયોગપોથી કે ડ્રૉઇંગ બુક નથી, કારણ કે એ કરકસર પ્લાનમાં આવતી હોવાથી શિક્ષકોને એવી પોથીઓ ખરીદવા કહેવાનું કે એને લગતું જ્ઞાન આપવાનું પણ જરૂરી નહીં લાગ્યું. કરકસર જો કરવાની હતી!
પછી તો અધિકારી ગણે દરેક વર્ગમાં જઈને પૂછપરછ શરૂ કરી. એક વર્ગમાં ગુજરાતીના શિક્ષક ભણાવતા હતા, પણ બ્લૅકબોર્ડ ઉપર એક પણ શબ્દ લખાયો નહોતો. કારણ પૂછતાં શિક્ષકે ખુલાસો કર્યો, ‘સાહેબ, કરકસરના ઍક્શન પ્લાન મુજબ મેં ચોકનો ઉપયોગ નહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.’
‘વેરી ગુડ...’ કહીને અધિકારી બીજા વર્ગખંડમાં ગયા. ત્યાં વિજ્ઞાનના શિક્ષક પુસ્તકમાંથી પ્રયોગ વાંચીને સમજાવતા હતા. અધિકારી સમજી ગયા એટલે સીધું જ પૂછ્યું, ‘તો તમે પણ ઍક્શન પ્લાનની કરકસર અંતર્ગત પ્રયોગપોથીનો ખર્ચ બચાવી લીધો હશે. પ્રયોગનાં સાધનો, કેમિકલ વગેરેનો પણ...’
‘યસ સર. અમારા સાહેબનો આદેશ તો અમારે માનવો જ રહ્યો ને સર!’
ભાષા શિક્ષણ ચોક વગર... લખ્યા વગર... વિજ્ઞાનનું જ્ઞાન પ્રયોગ કરાવ્યા વિના... રમતગમતનાં સાધનો વિના, બાથમબાથી મુક્કાબાજી કરવા મેદાનમાં છોડી મુકાતાં બાળકો, રંગો વિના ચિત્રકામ કરાવતા શિક્ષક પણ ઍક્શન પ્લાનમાં નંબર વન સ્થાને હતા અને જોવા જેવું તો એ હતું કે દીવાલો ઉપર ટાંગેલા બ્લૅકબોર્ડ ઉપર લખાયું હતું :
‘ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઈ શકે છે.’ સ્વામી વિવેકાનંદ
અધિકારીએ શાળા બતાવવા સાથે આવેલા શિક્ષકને પૂછ્યું, ‘તમે વિવેકાનંદના આ સુવિચાર મુજબ જ ગ્રંથ વગર બાળકોને ભણાવવાનું શરૂ કર્યું લાગે છે. ખરું ને?’
‘હા સર. અમારાં બાળકો ગ્રંથ વગર પણ વિવેકાનંદ જેવા જ્ઞાની બનશે. અમને અમારી કરકસર યોજના ઉપર મોટો મદાર છે.’
‘તો તો આપણે એક પત્ર સરકારને લખીને મોકલીએ કે આ શાળાના શિક્ષકો ચોક, ડસ્ટર, પુસ્તકો, ચાર્ટ કે પછી એક પણ સાધન-સામગ્રી વગર પણ બાળકોને વિવેકાનંદ જેવા જ્ઞાની બનાવી શકે એમ છે. હવે કરકસર યોજના હેઠળ એમને ગ્રાન્ટની કે પગાર સુધ્ધાંની જરૂર નથી.
તે બધા પોતે પણ હવે વિવેકાનંદની કક્ષાએ પહોંચી, સાવ સાદગીભર્યું જીવન જીવી, જ્ઞાનના રસ્તે જઈને બાળકોને ઉદાહરણ પૂરુંં પાડવા તત્પર છે. ખરુંં ને?!’