(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માનખુર્દથી બે વર્ષના બાળકનું કથિત અપહરણ કરનારી મહિલા અને તેને મદદ કરનારા પતિની પોલીસે ધરપકડ કરી બાળકને સહીસલામત છોડાવ્યો હતો. માનખુર્દ પોલીસે પકડી પાડેલા દંપતીની ઓળખ મુસ્કાન ભોલાકુમાર સાહ અને ભોલાકુમાર જગ્ગુ સહા તરીકે થઈ હતી. બન્ને આરોપી માનખુર્દના મહારાષ્ટ્ર નગરમાં દુર્ગામાતા મંદિર ગલીમાં રહેતાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર માનખુર્દના માર્કેટ રોડ પરિસરમાં બુધવારની સાંજે છ વાગ્યાની આસપાસ માતા-પિતા સાથે આવેલા બે વર્ષનો બાળક એકાએક ગુમ થઈ ગયો હતો. આસપાસના વિસ્તારમાં શોધખોળ છતાં બાળકની કોઈ ભાળ ન મળતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. માનખુર્દ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બાળકના અપહરણને ગંભીરતાથી લઈ ઝોનના માનખુર્દ, દેવનાર, આરસીએફ અને ટ્રોમ્બે પોલીસ સ્ટેશનના અધિકારીઓની આઠ ટીમ તપાસમાં લાગી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં શંકાસ્પદ મહિલા મુસ્કાન બાળકને લઈ જતી નજરે પડી હતી.
મહિલા જે દિશામાં ગઈ તે માર્ગ પરના સીસીટીવીનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. એ સિવાય રેલવે પરિસરના પણ ફૂટેજ ચકાસાયાં હતાં. લગભગ 40 કલાક બાદ પોલીસ મહિલા સુધી પહોંચી હતી અને બાળકનો સુરક્ષિત છુટકારો કરાવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે મુસ્કાનની પૂછપરછમાં તેના પતિ ભોલાકુમારે પણ બાળકના કથિત અપહરણમાં મદદ કરી હોવાનું જણાયું હતું. પરિણામે મુસ્કાન સહિત તેના પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.