Mon Sep 14 2026

Logo

મહારાષ્ટ્રમાં ૯૩,૦૦૦થી વધુ શિષ્યવૃત્તિ અરજીઓ પેન્ડિંગ: જાણો શું છે કારણ?

2026-03-10 21:23:07
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં ૯૩,૦૦૦થી વધુ શિષ્યવૃત્તિ અરજીઓ પેન્ડિંગ: જાણો શું છે કારણ?

Manisha Kayande


મુંબઈ: મહારાષ્ટ્રમાં શિષ્યવૃત્તિ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની 93,000થી વધુ અરજી વેરિફિકેશન માટે પેન્ડિંગ છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની ૯૩,326 જેટલી શિષ્યવૃત્તિ અરજીઓ વેરિફિકેશન માટે પેન્ડિંગ છે, તેમ રાજ્ય સરકારે વિધાન પરિષદમાં જાણ કરી હતી.

શિવસેનાના એમએલસી મનીષા કાયંદે અને અન્ય સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે 'મહાડીબીટી' પોર્ટલના ડેટા અનુસાર, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં ૯૩,૩૨૬ અરજીઓ વેરિફિકેશનની રાહ જોઈ રહી હતી. આમાંથી, ૮૧,૭૫૩ અરજીઓ વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ થી ૨૬ ને લગતી છે, જ્યારે ૧૧,૫૭૩ અરજીઓ છેલ્લા ચાર વર્ષના બાકી કેસો છે.

પાટીલે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં, કુલ ૧,૪૨,૩૮૩ અરજીઓ વેરિફિકેશન માટે પેન્ડિંગ હતી. જોકે, વિભાગીય સંયુક્ત નિર્દેશકોને વેરિફિકેશન ઝડપી બનાવવા માટે સૂચનાઓ જારી કરવામાં આવ્યા બાદ ૪૯,૦૫૭ અરજી પર કાર્યવાહી કરવામાં આવી હતી.

વિલંબ અંગે સમજાવતા પ્રધાને જણાવ્યું હતું કે વેરિફિકેશન પ્રક્રિયા ઘણી વાર એટલે અટકી જાય છે, કારણ કે વિદ્યાર્થીઓ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત, અમુક કોલેજોમાં અરજીની હાર્ડ કોપી સબમિટ કરતા નથી અથવા પોર્ટલ પર ખોટા દસ્તાવેજો જોડે છે.