Thu Jul 23 2026

Logo

મહારાષ્ટ્રમાં મેઘ તાંડવ: મુંબઈ, પુણે અને ઠાણે સહિત 8 જિલ્લામાં 48 કલાકનું 'રેડ એલર્ટ', પાલઘરમાં શાળા-કોલેજો બંધ, 3ના મોત

2026-07-04 14:58:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસાએ ફરી એકવાર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. હવામાન વિભાગે (IMD) રાજ્યના અનેક વિસ્તારોમાં મુસળધારથી અતિ મુસળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 48 કલાક માટે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, પુણે, નાસિક, સતારા અને કોલ્હાપુર સહિત અનેક જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ 200 મીમી કરતાં વધુ વરસાદ પડવાની આશંકા હોવાથી વહીવટીતંત્રે નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને મહારાષ્ટ્ર-કર્ણાટક દરિયાકાંઠે સક્રિય બનેલી સિસ્ટમને કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધ્યું છે. આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 200 થી 300 મીમી જેટલો ભારે વરસાદ નોંધાઈ શકે છે.

કયા જિલ્લામાં કેવું એલર્ટ?
4 જુલાઈ: નંદુરબાર, ધુળે, રત્નાગિરી, સિંધુદુર્ગ, વાશિમ, યવતમાળ અને ગોંદિયા જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.
5 જુલાઈ: મુંબઈ, ઠાણે, પાલઘર અને પુણેના ઘાટ વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જારી કરાયું છે, જ્યારે રાયગઢ અને રત્નાગિરીમાં ઓરેન્જ એલર્ટ રહેશે.
વિદર્ભ અને મરાઠવાડા: વિદર્ભમાં 7 જુલાઈ સુધી વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે, જ્યારે મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

પાલઘરમાં શાળાઓ બંધ, દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થયા બાદ તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસને તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. પાલઘરમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોતના સમાચાર છે, જેમાં એક મહિલાનું મોત પ્રોટેક્શન વોલ તૂટી પડવાને કારણે થયું છે.

ઘાટ વિસ્તારો અને હાઈવે પર મુસાફરી ન કરવા સૂચના
તામ્હિણી, લોનાવલા, મહાબળેશ્વર અને મુળશી જેવા ઘાટ વિસ્તારોમાં અચાનક પૂર આવવાનું, ભેખડો ધસી પડવાનું અને પાણી ભરાવાનું જોખમ ખૂબ વધી ગયું છે. વહીવટીતંત્રે લોકોને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બિનજરૂરી પ્રવાસ ટાળવા અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યું છે.

મુંબઈ અને આસપાસના વિસ્તારો જળબંબોળ, નદીઓ ભયજનક સપાટીએ
મુંબઈ, ઠાણે અને નવી મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાયન-પનવેલ હાઈવે અને ઠાણે-બેલાપુર રોડ પર ટ્રાફિક ધીમો પડ્યો છે. વાશીની APMC માર્કેટમાં પાણી ભરાતાં વેપારને માઠી અસર થઈ છે. રાયગઢ જિલ્લામાં આંબા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે અને કુંડલિકા નદી પણ ચેતવણીના સ્તરે વહી રહી છે, જેથી જુના પુલ પરની વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. 

પાલઘરમાં તાનસા નદી પરનો પુલ પાણીમાં ડૂબી ગયો છે અને જવ્હાર તાલુકામાં એક પુલ ધસી પડતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે કલ્યાણ ગ્રામીણ ભાગમાં આવેલી કાળુ નદીમાં પાણીની સારી આવક થતાં 7થી 8 ગામોની પાણી પુરવઠા યોજનાઓ ફરી શરૂ થઈ શકશે.

ડેમના દરવાજા ખોલાયા અને મુંબઈના તળાવોમાં પાણી વધ્યું
ભંડારા જિલ્લામાં ભારે વરસાદને કારણે વૈનગંગા નદીની સપાટી વધી છે, જેના લીધે પ્રખ્યાત ગોસીખુર્દ ડેમના 13 દરવાજા 2 મીટર સુધી ખોલીને 3,157 ક્યુમેક્સ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોમાં પણ પાણીનો સંગ્રહ વધીને 8.12 ટકાએ પહોંચી ગયો છે, જેથી મુંબઈગરાઓની પાણીની ચિંતામાં થોડી રાહત થઈ છે.